SURAT

હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ભાગતા સ્નેચરોને પકડવા જતા સુરતના વિદ્યાર્થીને મળ્યું મોત

સુરત: (Surat) રાત્રિના સમયે ઇસાની નમાજ પઢી લિંબાયતમાં રહેતો વિદ્યાર્થી (Student) મોબાઇલમાં (Mobile) વાત કરતાં કરતાં ઘરે જતો હતો. રસ્તામાં સ્નેચરોએ (Snatchers) તેના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લેતાં તેણે સ્નેચરોનો પીછો કર્યો હતો. આ દરમિયાન તેની બાઇક સ્લિપ થતાં વિદ્યાર્થીને માથામાં ગંભીર ઇજા પહોંચતાં સારવાર દરમિયાન તેનું મોત (Death) નીપજ્યું હતું. આ ઘટના બાદ લિંબાયત પોલીસ સ્થાનિક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સાવ નિષ્ફળ નીવડી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. સ્થાનિક પોલીસ સામે ગંભીર ગેરરીતિની ફરિયાદો હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, તેની સજા હવે સામાન્ય લોકો ભોગવી રહ્યા છે.

  • લિંબાયતમાં રહેતો મોહંમદ મોહંમદ તકસીર ફોન પર વાત કરી જઈ રહ્યો હતો ત્યારે સ્નેચરોએ તેનો ફોન ઝૂંટવી લીધો
  • મોહંમદ તકસીરને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થઈ હતી
  • લિંબાયત પીઆઈ અને ડી-સ્ટાફ સામે સંખ્યાબંધ ફરિયાદો પછી પણ કોઈ કાર્યવાહી કેમ નહીં

પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતની પદ્માવતી સોસાયટીમાં તાજ પેલેસમાં રહેતો મોહમ્મદ તકસીર મોહમ્મદ વસીમ સિદ્દીકી (ઉં.વ.22)એ બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હાલમાં તે એમબીએની તૈયારી કરી રહ્યો હતો. મોહંમદ તકસીરના પિતા ફેબ્રિકેશનના કામ સાથે સંકળાયેલા છે અને ઉધનામાં તેમની દુકાન પણ છે. મોહંમદ તકસીર હાલમાં વેકેશનના સમયમાં પિતાને ફેબ્રિકેશનના કામમાં મદદરૂપ પણ થતો હતો. રવિવારે રાત્રિના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અરસામાં મોહંમદ તકસીર તેના પિતાને દુકાને મળ્યા બાદ રાત્રે ઇસાની નમાજ અદા કરવા ગયો હતો. મોહંમદ તકસીર ઉધનાથી લિંબાયત તરફ જતા બ્રિજ પરથી પસાર થયો હતો અને તે મોબાઇલમાં વાત કરી રહ્યો હતો.

આ દરમિયાન બે યુવક તેની પાસે આવ્યા હતા અને તેના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ઉધના તરફ ભાગવા લાગ્યા હતા. મોહંમદ તકસીરે પણ ફુલ સ્પીડમાં ગાડી હંકારી સ્નેચરોનો પીછો કર્યો હતો, પરંતુ બ્રિજ ઉપર જ તેની બાઇક સ્લિપ થતાં માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. મોહંમદ તકસીરને 108 મારફતે તાત્કાલિક નજીકની પ્રાઇવેટ હોસ્પિટલ લઇ જવાયો હતો. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ મોહંમદ તકસીરના હાથમાંથી મોબાઇલ ઝૂંટવનાર સ્નેચરોને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

રાજકારણીઓની દરમિયાનગીરીને કારણે લિંબાયત પોલીસ સામે કાર્યવાહી થઈ રહી નથી
હાલમાં શહેર પોલીસ બેડામાં ચર્ચા છેડાઇ છે કે લિંબાયત પોલીસમથકના સ્ટાફ સામે કાર્યવાહી કરતા પહેલાં ચોક્કસ રાજકીય તત્ત્વો દરમિયાનગીરી કરી રહ્યાં છે. તેથી ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારમાં રબર સ્ટેમ્પ બની ગયા છે. સંખ્યાબંધ સ્થાનિક પોલીસની ફરિયાદો છે. તેમ છતાં અહીં કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

Most Popular

To Top