SURAT

પગનાં ચીંથડે ચીંથડા ઉડાવી પિતા-પુત્રને અપંગ બનાવનાર સુરતની મેટ્રોના ક્રેનનો ડ્રાઈવર છૂટી ગયો

સુરત(Surat): ચોકબજારમાં રોડની સાઇડ પર ઊભા રહેલા પિતા-પુત્રને મેટ્રોની (Metro) ક્રેનના (Crane) ડ્રાઈવરે અડફેટે લઈને બંનેના પગનાં ચિંથડા ઉડાવી નાંખ્યા છે. પિતા-પુત્રને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં છે. ગુજરાતમિત્ર સાથેની વાતચીતમાં ઇજાગ્રસ્ત અબ્દુલ કાદરે જણાવ્યું હતું કે હાલ તો અમારા ચીંથડા ઉડી ગયેલા પગમાં કિચડ ભરેલો છે, બે દિવસ પગની સાફ સફાઈ કર્યા બાદ ડોકટર ઓપરેશન કરશે તેવું કહ્યું છે.

અમારી હાલત જોઈને આખું ઘર રડી રહ્યું છે. મારું તો એટલું જ કહેવું છે કે ચોકબજાર જેવા વિસ્તારમાં ચાલવાની જગ્યા મળતી નથી તેવામાં આ મેટ્રોના કામથી આજે અમે તો જિંદગીભર માટે અપંગ જેવા બની ગયા ને? મેટ્રો માટે રાત્રે કામ કરો અથવા તો મેટ્રોના અધિકારીઓએ સુરતવાસીઓ માટે વર્કસાઈડ ટાઈટ સિક્યુરિટી વ્યવસ્થા રાખવી જોઈએ. સારી કામગીરી ધરાવતા કોન્ટ્રાકટરોને કામગીરી સોંપવી જોઈએ જેથી અમારા જેવા નિર્દોષ માણસોની જિંદગી નર્ક ન બની જાય.

ગઈકાલની ઘટના અબ્દુલ કાદરની નજર સામેથી હટતી નથી તેઓ કહે છે કે, હું મારા પપ્પાને બહુમાળી નોટરી કરવા માટે મૂકીને મારી નોકરી પર જવાનો હતો. જેથી અડાજણ પાટીયાથી ચોકબજાર થઈ બહુમાળી જવા માટે અમે ઘરેથી નીકળ્યા હતા. ચોકબજાર ગાંધીબાગ પાસે એક ક્રેન સ્પીડમાં આવી રહી હતી. ત્યારે અમે સાઇડ પર ઉભા રહી ગયા હતા. પરંતુ ક્રેન ચાલક જાણે ડ્રીંક કરીને ચલાવતો હોય તેમ અમારી બાઈકને અડફેટે લીધી હતી.

અમને અંદાજિત 20 ફૂટ ઘસડી ગયો હતો. જેથી મારા પપ્પાનો પગ તોતિંગ ટાયરની નીચે 10 મિનિટ સુધી રહ્યો હતો. ઘટના પગલે આજુબાજુ લોકો દોડી આવ્યા હતા. ક્રેનને ધક્કો મારવા લાગ્યા હતા. પણ ક્રેન થોડી ખસે? જેથી મારા પપ્પાને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ છે. ડોકટર મારા પપ્પાના પગને બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. હાલ તો મારા અને પપ્પાના પગમાં કીચડ ભરેલો છે.

રાંદેરમાં સબનમ પાર્ક સોસાયટીમાં અબ્દુલ કાદર હાજી રફીક રહેમતવાલા (34 વર્ષ) પરિવાર સાથે રહે છે. તેઓ મૂળ રાજકોટના ધોરાજીના વતની છે. અબ્દુલ કાદર ગુરૂવારે બપોરે તેમના પિતા રફીક રહેમતવાલા (68 વર્ષ)ને બહુમાળી ખાતે છોડીને પોતાની નોકરી પર જવાનું હોવાથી પિતાની સાથે ઘરેથી નીકળ્યા હતા. તેઓ ચોકબજાર ગાંધી બાગ પાસે પૂરપાટ ઝડપે આવતા ક્રેનના ડ્રાઈવરે બંનેને અડફેટે લીધા હતા. જેમાં બાઇક પણ ક્રેનની નીચે ફસાઈ ગયું હતું.

ક્રેનના ડ્રાઈવરે પિતા-પુત્રને અંદાજીત અંદાજિત 20 ફૂટ ઘસેડ્યા હતા. જ્યારે ક્રેનના તોતિંગ ટાયર પિતાના જમણા પગ અને પુત્રના ડાબા પગ પરથી ફળી વળ્યા હતા. જેથી તેમના પગના ચિંથડા ઊડી ગયા હતા, આ દશ્ય નજરે જોનારા તો હોશકોશ ઉડી ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતા પુત્રને પહેલા ઘરની પાસે આવેલ જૈનબ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ અન્ય હોસ્પિટલ માટે કહેતા પરિવારજનો પર્વતપાટીયા સ્થિત યુનિટી હોસ્પિટલમાં સારવાર માટે લઈને દોડ્યા હતા.

રફીકભાઈ ચોકબજારમાં એક ઓફિસમાં નાનું મોટું કામકાજ કરે છે. તેમજ તેમને બે દીકરાઓ છે. જેમાં મોટો દીકરો પાર્લે પોઇન્ટ ખાતે ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરે છે. અને નાનો દીકરો છૂટક કામકાજ કરે છે. રકિફભાઈ અને અબ્દુલ કાદીર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થાય બાદ તેમની સંભાળ કરવામાં નાનો દીકરો પણ ખબર નહીં કેટલા દિવસ નોકરી પર જઈ શકશે નહિ? મેટ્રોના ક્રેન ચાલકની અક્ષમ્ય બેદરકારીના કારણે આખો પરિવાર બેહાલ થઈ ગયો છે. બંનેની હાલત જોઈ શકાય તેવી નથી.

દાદા પ્રત્યે ખાસ લગાવ ધરાવતો પૌત્ર વારંવાર પૂછે છે કે દાદા ક્યાં છે?
ઇજાગ્રસ્ત અબ્દૂલ કાદરનો 7 વર્ષનો દીકરાને તેના દાદા પ્રત્યે અપાર લગાવ છે તેથી વારંવાર તેની માતાને પૂછે છે કે દાદાજી અને પિતા ક્યાં છે? મારે તેમને મળવું છે? તે દાદાને નહીં જોતા સતત રડ્યાં કરે છે, આ સ્થિતિમાં પરિવાર પણ રડી રડીને પરેશાન છે, પણ સાત વર્ષના આ માસુમને કહેવું કઈ રીતે કે તેઓ બધા મેટ્રોના પાપે બેહાલ બની ગયા છે. હોસ્પિટલમાં દાખલ છે. મેટ્રોના ક્રેન ચાલકની બેદરકારીના કારણે પિતા-પુત્રના પગમાંથી માંસના લોચા બહાર નીકળી ગયા છે, આ એક જ અકસ્માતે એક આખા પરિવાર અને તેની પેઢીને જાણે અપંગ કરી નાંખી છે.

શું કહે છે પોલીસ ?
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે દોડી ગઈ હતી. અને ડ્રાઈવરની અટક કરી તેને જામીન મુક્ત કરવામાં આવ્યો છે. ડ્રાઈવરની મેડિકલ તપાસ કરવામાં આવી હતી જેમાં તેણે નશો નથી કર્યો તેવું સામે આવ્યું છે. અમે ગુનો નોંધી આ અકસ્માતની તપાસ કરીએ છીએ. બે દિવસથી વાહન ચેકીંગ તેમજ અન્ય કામને પગલે વધુ તપાસ કરવા મળી નથી.

Most Popular

To Top