SURAT

પોતાનાં જ લગ્નની કંકોતરી આપવા નીકળેલા સુરતના યુવકનું ટ્રક અડફેટે મોત

સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાં રહેતા અને કપડાંની દુકાનમાં (Shop) નોકરી કરતા યુવકનાં લગ્ન નક્કી થયાં હતાં. તે સગાં અને મિત્રોને પોતાનાં લગ્નની (Marriage) આમંત્રણ પત્રિકા આપવા ગયો ત્યારે પરવટ પાટિયા વિસ્તારમાં ટ્રક ડ્રાઇવરે (Truck Driver) યુવકને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું.

  • પોતાનાં જ લગ્નની કંકોતરી આપવા નીકળેલા યુવકનું ટ્રક અડફેટે મોત
  • ગોડાદરાના યુવાનના ચાર દિવસ બાદ લગ્ન હતાં

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોડાદરા વિસ્તારમાં આસપાસનગર પાસે આવેલી લક્ષ્મીપાર્ક સોસાયટીમાં જીતેન્દ્રદાન દોલતદાન ચારણ (ઉં.વ.26) પરિવાર સાથે રહેતો હતો. તે કપડાંની દુકાનમાં નોકરી કરી પરિવારને ભરણપોષણમાં મદદ કરતો હતો. 22 ફેબ્રુઆરીના રોજ જીતેન્દ્રદાનનાં લગ્ન થવાનાં હતાં. આથી સગાસંબંધીઓ તથા મિત્રોને આમંત્રણ પત્રિકા આપવા પણ તે જ જતો હતો. શુક્રવારે સવારે પણ તે સગાંને આમંત્રણ પત્રિકા આપવા માટે બાઇક પર નીકળ્યો હતો.

દરમિયાન પરવટ પાટિયા તરફથી સરકાર માર્કેટ તરફ જતી વેળા સિમેન્ટ ભરેલા ટ્રકના ડ્રાઇવરે જીતેન્દ્રદાનની બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેથી જીતેન્દ્રદાન નીચે પડકાતાં ગંભીર ઇજા થઈ હતી. જીતેન્દ્રદાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડોક્ટરે જીતેન્દ્રદાનના પરિવારજનોને કહ્યું કે, જીતેન્દ્રદાનનો જમણો પગ કાપવો પડશે અને ડાબા પગના થાપના ભાગે ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરે ઓપરેશન કર્યુ તેના થોડા કલાકોમાં જ જીતેન્દ્રદાનનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં પુણા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

પૌત્રીનાં લગ્ન હોવાથી દીકરાના ઘરે રહેવા આવેલા વૃદ્ધનું સાતમા માળેથી પડી જવાથી મોત
સુરત: પૌત્રીનાં લગ્ન હોવાથી પુત્રના ઘરે રહેવા આવેલા વૃદ્ધનું સાતમા માળેથી નીચે પડી જવાથી મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ જૂનાગઢના ચંપકભાઈ નરસિંહભાઈ પરમાર હાલમાં પુણા ગામ વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે આવેલી સરિતાવિહાર સોસાયટીમાં રહેતા હતા. ચંપકભાઈને સંતાનમાં બે પુત્ર છે. ચંપકભાઈનો એક પુત્ર પુણા ગામ વિસ્તારમાં આવેલી અભિષેક રેસિડેન્સીમાં રહે છે. આગામી દિવસોમાં અભિષેક રેસિડેન્સીમાં રહેતા પુત્રની દીકરીનાં લગ્ન છે. તેથી ચંપકભાઈ થોડા દિવસો પહેલાં અભિષેક રેસિડેન્સીમાં રહેવા ગયા હતા. ચંપકભાઈ શનિવારે સવારના સમયે ઘરના સાતમા માળની ગેલેરીમાંથી કોઈક રીતે નીચે પડી ગયા હતા. આથી પરિવારજનો સારવાર માટે તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપકભાઈને કેન્સરની બીમારી હતી. તેમની સારવાર પણ કરાવવામાં આવી હતી. તેવામાં આવી રીતે મોત થતાં તેમણે આત્મહત્યા કરી છે કે અકસ્માતે પડ્યા છે તેની તપાસ પોલીસ કરી રહી છે.

Most Popular

To Top