SURAT

જહાંગીરપુરા જીન મિલ કંપાઉન્ડમાં ખેડૂત સમાજની ઓફિસ સીલ, અનેક આગેવાનોની અટકાયત

સુરત: જહાંગીરપુરામાં (Jahangirpura) પુરૂષોત્તમ ફામર્સ કોટન એન્ડ જિનિંગ મંડળના કેમ્પસમાં ચાલતી ખેડૂત સમાજ (Farmer Society) ગુજરાતની ઓફિસને (Office) આજે પોલીસ (Police) બંદોબસ્ત વચ્ચે સીલ મારવામાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. ખેડૂત સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવતા પોલીસે તમામની અટકાયત કરી હતી. જો કે, બીજી તરફ આ ઘટનાને પગલે ખેડૂત સમાજના આગેવાનો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને ખેડૂત સમાજની ઓફિસ સીલ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાતા ચર્ચાનો વિષય બન્યો હતો. આ સંદર્ભે મંડળીના હોદ્દેદારો દ્વારા મહાનગર પાલિકાની નોટિસને (Notice) પગલે ઓફિસ જર્જરિત હોવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો.

જહાંગીરપુર ખાતે આવેલ પુરૂષોત્તમ ફામર્સ કોટન એન્ડ જિનિંગ મંડળનીના કેમ્પસમાં છ વર્ષ પૂર્વે ખેડૂત સમાજ દ્વારા 51 વર્ષના ભાડા પટ્ટે મંડળી પાસેથી ઓફિસ ભાડા પટ્ટે લેવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી મંડળી અને ગુજરાત ખેડૂત સમાજ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ દરમિયાન સુરત મહાનગર પાલિકા દ્વારા આ ઈમારત જર્જરિત હોવા અંગેની નોટિસ ફટકારવામાં આવી હતી. જેને પગલે આજે ખેડૂત આગેવાનોના ભારે વિરોધ વચ્ચે વહેલી સવારથી જ ખેડૂત સમાજની ઓફિસ બંધ કરવા માટેની પાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી.

ખેડૂત સમાજના આગેવાનોને આ બાબતની જાણ થતાં જ મોટી સંખ્યામાં જીન મિલ કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા. જેને લઈ વાતાવરણ તંગ બનતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ત્યારબાદ ખેડૂત સમાજની ઓફિસ સીલ કરી દેવામાં આવતાં ખેડૂત આગેવાનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

પુરૂષોત્તમ ફામર્સ કોટેન એન્ડ જિનિંગકોટન મંડળી દ્વારા સને 2017માં ગુજરાત ખેડુત સમાજને કેમ્પસમાં જ 51 વર્ષના ભાડા પટ્ટા માટે ઓફિસ ભાડે આપવામાં આવી હતી. જો કે, ખેડૂત સમાજની ઓફિસવાળી મિલ્કત જર્જરિત બનતાં સુરત મહાનગર પાલિકા દ્વારા આ મિલ્કતને ખાલી કરી દેવા માટે ત્રણ – ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. બીજી તરફ હાલમાં જ મંડળીની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોદ્દેદારો દ્વારા ઈમારત જોખમી હોવાીથી ખેડૂત સમાજને આપવામાં આવેલી મિલ્કતનો ભાડા કરાર રદ્દ કરીને ઓફિસ ખાલી કરાવવા માટેનો ઠરાવ મંજુર કરાવવામાં આવ્યો હતો. ખેડૂત સમાજ ગુજરાતના આગેવાનોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી.

આજે વહેલી સવારથી જ જહાંગીરપુરા પોલીસનો કાફલો જહાંગીરપુરા જીન મિલ કંમ્પાઉન્ડ ખાતે પહોંચ્યો હતો. મંડળીના કર્મચારીઓ દ્વારા ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતાં જ ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલ, ખેડૂત અગ્રણી દર્શન નાયક, દક્ષિણ ગુજરાત સમાજના પ્રમુખ રમેશ ઓરમા સહિત જયેન્દ્ર દેસાઈ, હેમલ પટેલ, એ એલ પટેલ, હનીફ હાંસોટ, હિરેન પટેલ અને વિરેલ પટેલ સહિતના આગેવાનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે નાછૂટકે આ તમામ આગેવાનોને ટીંગાટોળી કરીને કચેરીને બહાર કાઢવામાં આવ્યા બાદ ખેડૂત સમાજની ઓફિસને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોબાળો કરતાં તમામ આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ જર્જરિત ઓફીસ તોડી પાડવામાં આવી હતો.

આ અંગે ખેડૂત સમાજ ગુજરાતના આગેવાનોએ જણાવ્યું હતું કે, ઓફિસ સંદર્ભે હાલમાં સુરતની નામદાર સિવિલ કોર્ટમાં બે દાવાઓ પેન્ડિંગ છે અને તેમ છતાં પુરૂષોત્તમ ફામર્સ કોટન એન્ડ જીનિંગ પ્રોસિંગ મંડળીના વહીવટકર્તાઓ દ્વારા રાજકીય હસ્તેક્ષેપથી ઓફિસ ખાલી કરાવવામાં આવી છે. પોલીસના મેળાપીપણામાં ઓફિસ ખાલી કરાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે ખેડૂત સમાજના આગેવાનો દ્વારા આ ઘટનાને પગલે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જબરદસ્તી ઓફિસમાં કબ્જો લેવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

ખેડૂત સમાજ ગુજરાત સાથે સંકળાયેલા અને સામાજીક અગ્રણી દર્શન નાયક દ્વારા આ ઘટનાના વિરોધમાં ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા અન્ય આગેવાનોની સાથે તેમની પણ અટકાયત કરવામાં આવી હતી. જો કે, તેઓએ આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, રાજકીય પીઠબળને આધારે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. લોકશાહીમાં બંધારણીય અધિકારોના હનન સમાન આ ઘટનાને જણાવતાં તેઓએ કહ્યું હતું કે, હાલમાં કોર્ટમાં દાવા પેન્ડીંગ હોવા છતાં ઓફિસ ખાલી કરાવવાની ઘટના ખરેખર સરમુખત્યારશાહી સમાન છે. આગામી દિવસોમાં તેઓએ ઓફિસનો કબ્જો પુનઃ મેળવવા અંગે ખેડૂત સમાજ દ્વારા નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top