SURAT

સુરત: ઉધના હરિનગરમાં બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી: વીડિયો વાયરલ

સુરત: (Surat) સુરત ઉધનામાં બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી (Fighting) થતા અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો. હરીનગર-2 પાસે થયેલી મારામારી પાછળ જૂની અદાવત ને લઈ બન્ને જૂથો આમને સામને આવી ગયાં હોવાનું સામે આવ્યું છે. જાહેરમાં થયેલી આ મારામારીમાં 3ને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘટના ઉધના હરીનગર-2 પાસે બની હતી. કોઈ બાબતને લઈ બે જૂથ સામ સામે આવી ગયા બાદ મારામારી પર ઉતરી પડ્યા હતા. બન્ને જૂથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. હરીનગરમાં પાનનો ગલ્લો ચલાવતા ચિરાગ જોડે બે દિવસ પહેલા આકાશ નામના યુવકની પૈસાને લઈ ઝઘડો થયો હોવાની વાતને લઈ જાહેરમાં મારામારી થઈ હોવાની ચર્ચા સામે આવી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય વાતને લઈ ઝઘડાની અદાવત રાખી આકાશ અને તેના મિત્રોએ મળી 5 લોકો પર લાકડાના ફટકાથી હુમલો કર્યો હતો. હુમલામાં 3 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો. ઇજાગ્રસ્ત ત્રણેય ને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ઘટનાની જાણ બાદ પોલીસે મારામારીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top