SURAT

પ્લોટ વેચનારનું અવસાન થયું છે, તમારે નાણા લેવા ઉપર જવું પડશે- કતારગામ વિસ્તારની ઘટના

સુરત: (Surat) કતારગામ ખાતે આવેલી જમીન ઉપર વર્ષ 1996માં પ્લોટિંગ કરીને બે પ્લોટના રૂપિયા 85 હજાર લઇ લીધા બાદ જમીન અન્યને વેચી દેનાર આરોપી સામે ઠગાઇની (Fraud) ફરિયાદ નોંધાઇ છે.

  • પ્લોટ વેચનારનું અવસાન થયું હોવાથી તમારે નાણા લેવા ઉપર જવું પડશે
  • કતારગામમાં બે પ્લોટના નાણા લઇ ઠગાઇ કરનાર સામે ઠગાઇનો ગુનો નોંધાયો

કતારગામ ખાતે કંતારેશ્વર મહાદેવ મંદિરની પાસે રણછોડજી પાર્ક સોસાયટીમાં રહેતા અને ગૃહઉદ્યોગ ચલાવતા 40 વર્ષીય ધર્મેન્દ્રસિંહ કનુભાઈ ચૌહાણે આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. તેમણે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મનસુખભાઈ રવજીભાઈ (રહે. ગુ.હા.બોર્ડ, બોમ્બે માર્કેટ ઉમરવાડા) ની સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કતારગામ ખાતે સર્વે નંબર 230, 231, 234, 235 વાળી જમીન ઉપર વર્ષ 1996 માં મારૂતિધામ સોસાયટી (સુચિત) ની પાછળ આરોપી મનસુખભાઈ તથા ધીરૂભાઈ રવજીભાઈએ અલગ અલગ પ્લોટોનું આયોજન કર્યું હતું. ધર્મેન્દ્રસિંહના પિતાએ તે સમયે રોકાણ કરવા માટે મનસુખભાઈ તથા ધીરૂભાઈ પાસેથી પ્લોટ નંબર 260 અને 261 ખરીદ્યા હતા. એક પ્લોટ 1.35 લાખમાં રાખ્યો હતો. જે પૈકી પ્લોટ નંબર 260 ના પૈસા ટુકડે ટુકડે કુલ 45 હજાર અને પ્લોટ નંબર 261 ના 40 હજાર આપ્યા હતા.

આરોપીએ તેમને જે રસીદ આપી હતી તેમાં પ્લોટ નંબર 260 ની જગ્યાએ 187 અને 261 ની જગ્યાએ 188 લખ્યો હતો. થોડા સમય પછી જાણવા મળ્યું હતું કે આ જમીન મનસુખભાઇએ કોઈ બીજાને વેચી દીધી છે. જેથી કનુભાઈએ પ્લોટની માંગણી કરતા આરોપીઓએ બે માંથી એક પ્લોટ આપવાનું કહ્યું હતું. પાંચેક વર્ષ પહેલા કનુભાઈનું અવસાન થયું હતું. જેથી તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ પ્લોટના પૈસા લેવા માટે મનસુખભાઈના ઘરે ગયા હતા. ત્યારે મનસુખભાઈની પત્નીએ પ્લોટ વેચનાર ધીરૂભાઈનું અવસાન થયું છે હવે તમારે પૈસા એમની પાસેથી ઉપર જઈને લેવા પડશે તેવું કહ્યું હતું. આ રીતે પ્લોટિંગ કરીને પૈસા પડાવી પ્લોટ કે પૈસા પરત નહી આપી છેતરપિંડી કરી હતી.

Most Popular

To Top