SURAT

કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને રાખી સતત બીજા વર્ષે રાંદેર ઇદગાહમાં ઇદની નમાઝ થશે નહીં

સુરત: (Surat) સુરત શહેરમાં અને ખાસ કરીને રાંદેર ઝોનમાં કોરોનાના સંક્રમણની વકરી રહેલી સ્થિતિ અને રાજ્ય સરકારની કોવિડ-19ને લગતી ગાઇડલાઇનને ધ્યાને લઇ રાંદેર ઇદગાહનું સંચાલન કરનાર ટ્રસ્ટ રાંદેર મહેફિલે ઇસ્લામ કુતુબખાના દ્વારા ઇદની (Eid Ul Fitra) નમાજ ઇદગાહ (Eidgaah) મેદાન ખાતે નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. રાંદેર મહેફિલે ઇસ્લામના મંત્રી ઐયુબ મોહમ્મદ યાકુબ અલીએ જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિ અને સરકારની ગાઇડલાઇનને ધ્યાને લેતાં આ વર્ષે રાંદેર ઇદગાહમાં ઇદુલ ફિત્રની નમાજ થશે નહીં.

  • કોરોના સંક્રમણને લઈ સરકારની ગાઇડલાઇનને ધ્યાનમાં લેતાં રાંદેર ઇદગાહ ટ્રસ્ટે ઇદુલ ફિત્રની નમાજ ઇદગાહ મેદાનમાં નહીં યોજવા નિર્ણય લીધો
  • સતત બે વર્ષે ઇદની નમાઝ ઇદગાહમાં નહીં થાય

રાંદેર ઇદગાહ ખાતે દર વર્ષે 50 હજારથી 70 હજાર લોકો એકત્રિત થઈ ઇદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરતા હોય છે. ગયા વર્ષે પણ કોરોનાને લીધે ઇદની નમાજ યોજાઇ ન હતી. સરકારે 12મી મે સુધી સામૂહિક, ધાર્મિક મેળાવડા ઉપર પ્રતિબંધ મૂક્યો હોવાથી ટ્રસ્ટે સરકારના નિર્ણયને માન આપવાનું નક્કી કર્યું છે. ભૂતકાળમાં રમજાન ઇદની આગલી રાતે ભારે વરસાદ થયો હોય તેવા સંજોગોમાં ઇદની નમાજ ઇદગાહમાં થઇ ન હતી. પરંતુ વરસાદ સિવાયની ઋતુમાં સતત બે વર્ષે ઇદની નમાઝ કોરોના સંક્રમણને લીધે નહીં કરવાનો નિર્ણય વર્ષ-2020 અને 2021માં લેવામાં આવ્યો હતો. રાંદેર ઇદગાહ ખાતે સુરત તેમજ જિલ્લાનાં ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં નમાઝ અદા કરવા માટે આવતા હોય છે. કોરોના સંક્રમણની ભીતિને કારણે વહીવટી તંત્ર સાથે સંકલન કરી આ નિર્ણય લીધો છે.

સુરત શહેરમાં રાંદેર, ઝાંપા બજાર, ચોક બજાર વિસ્તારમાં રમઝાનનાં દિવસોમાં જબરજસ્ત રોનક હોય છે. કુલ્ફી અને પરાઠાનો સ્વાદ માણવા સુરતીઓ ઉમટી પડે છે. પરંતુ હાલ મીની લોકડાઉનને કારણે રમઝાનમાં ધમધમતા શહેરના આ બજારો સુનસાન છે. સાંજે પણ નહીંવત્ દુકાનોમાં પાર્સલ સેવા અપાય છે. કોરોના સંક્રમણને કારણે ગાઈડલાઈનનું પાલન કરાતા મસ્જીદો પણ સુનસાન છે. ત્યારે હવે ઇદની નમાઝ પણ ઇદગાહમાં નહીં પઢવાનો નિર્ણય કરાયો છે. 13 અથવા 14 એપ્રિલના રોજ ચાંદ પ્રમાણે ઇદ ઉલ ફિત્ર મનાવવામાં આવશે. જોકે આ વર્ષે પણ સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદનો તહેવાર સાદગીથી મનાવાશે.

Most Popular

To Top