SURAT

સુરતમાં 12 ડિગ્રી પારો, સુરતીઓએ હજી ઠંડી સહન કરવી પડશે

સુરતઃ (Surat) સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠંડી (Cold) હવે તેના અંતિમ તબક્કામાં વધુ તીવ્ર બની રહી છે. આજે લઘુત્તમ તાપમાનનો પારો (Temperature) આંશિક ગગડીને ૧૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જેના કારણે ઠંડીએ (Winter) છેલ્લા બે વર્ષના રેકોર્ડને તોડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાન ૧૨.૨ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે, આજે રાત્રે પારો હજી આંશિક ગગડી જતાં તાપમાન ૧૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જેની સામે મહત્તમ તાપમાનમાં આજે અડધા ડિગ્રીનો વધારો નોંધાયો છે. મહત્તમ તાપમાન ૨૮.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાન 50 ટકા ભેજની સાથે છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પૂર્વનો પવન ફૂંકાયો હતો. શહેરમાં ઠંડીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. અત્યારે જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતનાં રાજ્યોમાં હિમવર્ષા ચાલું છે. જેને કારણે ઠંડા પવનો ફૂંકાવાની કારણે ઠંડીમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી સુરત શહેરમાં સતત ઠંડા પવનો ફૂંકાતા રાત્રે તો ઠીક બપોરે પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે તેવી નોબત આવી છે. આગામી અઠવાડિયા સુધી તીવ્ર ઠંડીનો દોર યથાવત રહેશે.

પાંડેસરામાં તાપણું કરતી વખતે તાપણા પર પેટ્રોલ પડવાથી ભડકો થતાં યુવક દાઝ્યો
સુરત: પાંડેસરાના વડોદ ગામ વિસ્તારમાં સોમવારે રાત્રે તાપણું કરતી વખતે પેટ્રોલ પડતાં ભડકો થવાથી એક યુવક શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. નવી સિવિલ હોસ્પિટલ અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરામાં વડોદ ગામમાં એસએમસી આવાસમાં વિશાલ ભરત રાઠોડ (ઉં.વ.18) પરિવાર સાથે રહે છે. સોમવારે રાત્રે ઘર પાસે તે તેના મિત્રો સાથે તાપણું કરીને બેસેલો હતો. બાજુમાં થોડા અંતરે તેની બાઇક હતી. તેનો મિત્ર પણ તેની બાઇક લઈ ત્યાં આવ્યો હતો.

વિશાલની બાઇકમાં પેટ્રોલ ન હોવાથી તેને તેના મિત્રની બાઇકમાંથી પેટ્રોલ કાઢ્યું હતું. પેટ્રોલ એક નાની બાટલીમાં ભર્યું હતું. બાટલીને ઢાંકણું લગાવ્યું ન હતું. તે ઉતાવળમાં તાપણા પાસેથી પેટ્રોલની બોટલ લઈને જતો હતો. બરાબર તાપણા પાસે જ બાટલીમાંથી પેટ્રોલ ઊછળીને તાપણા પર પડ્યું હતું. તેના કારણે ભડકો થતાં તે મોં અને છાતીના ભાગે દાઝી ગયો હતો. તેની સાથે તેનો કોઈપણ મિત્ર દાઝ્યો ન હતો. આ બનાવમાં મિત્ર કમલેશ તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. વિશાલની તબિયત હાલ સુધારા પર છે.

Most Popular

To Top