World

હિજાબ મામલે ફરી વિવાદ છેડાયો! ઈરાનના ઈમામે કહ્યું મહિલાઓ હિજાબ નથી પહેરતી એટલે વરસાદ…

નવી દિલ્હી: છેલ્લા કેટલાય સમયથી ઈરાનમાં (Iran) હિજાબનો (Hijab) મામલો છેડાયો છે. મંગળવારના રોજ પણ ઈરાનમાં એક વિવાદાસ્પદ નિવેદનના કારણે હંગામો થયો છે. ઈરાનમાં એક ઈમામે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઈરાનમાં મહિલાઓ હિજાબ નથી પહેરતી જેના કારણે દેશ જળ સંકટનો સામનો કરી રહ્યો છે. તેણે કહ્યું મહિલાઓ હિજાબ પહેરી રહી નથી જેના કારણે ઓછો વરસાદ થઈ રહ્યો છે. આ ઉપરાંત તેણે ભવિષ્યવાણી પણ કરી છે.

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનીના નજીકના સહયોગી મોહમ્મદ મેહદી હોસેની હમેદાની કહે છે કે દેશમાં મહિલાઓ ફરજિયાત હિજાબના નિયમનો ભંગ કરી રહી છે, જેના કારણે દેશમાં ઓછો વરસાદ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે કોઈ પણ શોપિંગ મોલ, સંસ્થા કે ફાર્મસીમાં જઈને આપણે ઈસ્લામિક દેશમાં રહીએ છીએ તેની કલ્પના કરવી અશક્ય છે. તેમણે વહીવટીતંત્રને કહ્યું કે તેઓ દુકાનો અને શોપિંગ મોલ્સને ચેતવણી આપે કે કોઈ પણ મહિલાને હિજાબ વગર પ્રવેશવાની મંજૂરી ન હોય.

બે અઠવાડિયા પહેલા, ઈરાન સરકારે પુષ્ટિ કરી હતી કે દેશના 270 થી વધુ શહેરો જળ સંકટનો સામનો કરી રહ્યા છે. દેશના ઘણા ડેમના જળ સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઈરાન વોટર કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે ચેતવણી પણ આપી હતી કે આગામી વર્ષોમાં પાણીના ભાવ વધશે. દેશમાં જળ સંકટને જોતા ઈરાન છેલ્લા પચાસ વર્ષમાં સૌથી ખરાબ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે, જેના કારણે ખેતી સહિત સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

જણાવી દઈએ કે આ વર્ષે સપ્ટેમ્બરથી ઈરાનમાં હિજાબ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ ચાલી રહ્યો છે. 22 વર્ષીય મહસા અમીનીનું 16 સપ્ટેમ્બરે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. પોલીસે 13 સપ્ટેમ્બરે તેની ધરપકડ કરી હતી. આરોપ હતો કે અમીની તેહરાનમાં યોગ્ય રીતે હિજાબ નથી પહેરતી, જ્યારે ઈરાનમાં હિજાબ પહેરવું જરૂરી છે. અમીનીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેની તબિયત બગડતાં અમીનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્રણ દિવસ પછી સમાચાર આવ્યા કે તેમનું અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે હિજાબના વિરોધમાં ઈરાનમાં શરૂ થયેલ વિરોધની આ આગ દુનિયાના ઘણા દેશોમાં ફેલાઈ ગઈ અને લોકો હિજાબ વિરુદ્ધ ખુલ્લેઆમ સામે આવ્યા. મહસા અમીનીને આ ચળવળનો પવન માનવામાં આવતો હતો અને પોલીસ કસ્ટડીમાં તેની હત્યા સામે વૈશ્વિક મંચ પર ઈરાનની નિંદા કરવામાં આવી હતી.

Most Popular

To Top