Surat Main

સુરતમાં એક કલાકમાં સવા બે ઇંચ વરસાદ, 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

સુરત: સુરત શહેરમાં બપોરે એક કલાકમાં જ સવા બે ઇંચ વરસાદ ખાબકતાં અડધું શહેર પાણી પાણી થઈ ગયું હતું. જોકે, શહેરના અન્ય કેટલાંક વિસ્તારમાં સામાન્ય વરસાદ જ નોંધાયો હતો. હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ લો પ્રેશર સર્ક્યુલેશન હાલ છત્તીસગઢ ઉપર મંડરાઈ રહ્યું છે. જે આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ અને ત્યારબાદ ગુજરાત તરફ આગળ વધશે. જેને કારણે દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બપોરે એક જ કલાકમાં સવા બેથી અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ચોર્યાસી તાલુકાનાં 10 મી.મી વરસાદ નોંધાયો છે અને ઓલપાડમાં પણ બપોરે 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ના તાલુકાઓ કોરાકટ રહ્યાં હતાં. મધ્યપ્રદેશ પર આવતી કાલે જ્યારે વરસાદી સિસ્ટમ હશે ત્યારે મધ્યપ્રદેશમાં સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. એટલે કે આગામી ૨૪ થી ૪૮ કલાક બાદ ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થશે તેવી આશા બંધાઈ છે.

(Surat) શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. બપોરે લગભગ 2 કલાકે શહેરનાં સેન્ટ્રલ ઝોન, વરાછા, અઠવા વિસ્તારમાં જોરદાર ઝાપટાં પડતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. જોકે છેલ્લા કેટલાય દિવસથી ભારે ગરમી અને બફારાથી હેરાન થઈ ગયેલા સુરતીઓએ વરસાદના કારણે રાહત મેળવી હતી. વરસાદ પડતા લોકોએ ચોમાસાની (Monsoon) મોસમનો આનંદ માણ્યો હતો. વરસાદને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. હવે ફરી બંગાળમાં વરસાદી સિસ્ટમ્સ સક્રિય બનતા વરસાદની શકયતાઓમાં વધારો થયો છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. શુક્રવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું. જોકે વરસાદ પોતાની બેટિંગ શનિવાર બપોરથી શરૂ કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છત્તીસગઢ તરફ એક લો પ્રેશર સિસ્ટમ ડેવલોપ થઈ છે. જે ધીમે ધીમે ઉત્તરપ્રદેશ બાદ મધ્ય પ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેની અસરને પગલે આગામી બે-ત્રણ દિવસ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદ ખાબકશે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે શહેરમાં બપોર સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે બપોર બાદ વાદળોની ગર્જના સાથે વરસાદ શરૂ થયો હતો.

Most Popular

To Top