SURAT

દેશ-દુનિયાના વેપારીઓને એકબીજા સાથે કનેક્ટ કરવા સુરત ચેમ્બર ઓફ કોમર્સનું અનોખું ‘મિશન 84’

સુરત: દેશ દુનિયાના ઉદ્યોગકાર, વેપારી, નિકાસકારો એકબીજા સાથે જોડાઈ અને વેપાર વધે તે હેતુથી સુરતના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન 84 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ચેમ્બર દ્વારા એક ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવાયું છે, જેના મેમ્બર્સ એકબીજા સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ પોતાની આવશ્યકતા અનુસાર વેપાર કરી શકશે. આ પ્લેટફોર્મનું આગામી તા. 21મી નવેમ્બરના રોજ ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના 84માં સ્થાપના દિને ભારતના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે લોન્ચીંગ કરવામાં આવશે.

  • 21મી ઓકટોબરે SGCCIના 84માં સ્થાપના દિને ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીના વરદ હસ્તે મિશન 84 અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મનું લોન્ચીંગ કરવામાં આવશે
  • કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીની હાજરીમાં તેમના વિભાગ સંબંધિત અને અન્ય ઉદ્યોગકારો હજારો કરોડનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2027 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેના માટે ઉદ્યોગકારોને 1 ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન 84 પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરતના ઇતિહાસ પર એક નજર કરીએ તો સુરતના માધ્યમથી ગુજરાત અને ભારત સાથે વિશ્વના 84 દેશો/બંદરોના વેપારીઓ 16મી અને 17મી સદીમાં વ્યાપાર કરતા હતા. તે સમયે ટેકનોલોજીના અભાવ વચ્ચે પણ જુદા–જુદા પ્રકારના ફેબ્રિકસ અને મરી મસાલા સુરતના બંદરેથી એક્ષ્પોર્ટ થતા હતા. હવે તો ઘણી ટેકનોલોજી આવી ગઇ છે. સુરતના બંદરે 84 જેટલા દેશો/બંદરોના વાવટા ફરકતા હતા અને આખા ભારતમાં, સુરતમાં જ એક એવો તાલુકો છે કે જેનું નામ આંકડા પરથી પડયું છે અને એ ચોર્યાસી તાલુકા તરીકે ઓળખાય છે.

ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, સુરતનો નાતો 84 નંબરથી રહ્યો છે અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો તા. 21 ઓકટોબર, 2023ના રોજ 84મો સ્થાપના દિવસ છે. આથી ચેમ્બર ઓફ કોમર્સ, ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત કરવાના હેતુથી મિશન 84 પ્રોજેકટ હાથ ધર્યો છે. જે અંતર્ગત ઉદ્યોગકારો માટે ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જેનું લોન્ચીંગ 21મી ઓકટોબરે ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીના વરદ હસ્તે કરાશે.

મિશન 84ના લોન્ચિંગમાં દેશ વિદેશના બિઝનેસમેનોને ઓનબોર્ડ કરાશે
આ ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાત ઉપરાંત સમગ્ર દેશના 84,000 ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા 84,000 બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવશે. આ ઉદ્યોગકારોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની એક્ષ્પોર્ટ સંબંધિત પ્રોત્સાહક યોજનાઓની જાણકારી તેમજ એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં તેઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.

આ ઉપરાંત ભારતની 84થી વધુ ચેમ્બર ઓફ કોમર્સ અને જુદા–જુદા દેશોની 84થી વધુ ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરવામાં આવશે. એવી જ રીતે ભારતમાં કાર્યરત 84 દેશોના કોન્સુલ જનરલ તથા વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા 84 જેટલા એમ્બેસેડરોને ઓનબોર્ડ કરવામાં આવશે. 21મી ઓકટોબરે દેશની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ એક પ્લેટફોર્મ પર આવશે તથા વ્યાપાર – ઉદ્યોગના વિચારોનું આદાન પ્રદાન કરી ઉદ્યોગકારોને માર્ગદર્શન આપશે

દેશની 84થી વધુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓને આમંત્રણ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 84મા સ્થાપના દિવસે 21મી ઓક્ટોબરે નવા વિચારો, નવી દિશા અને નવું પ્રયાણના ભાગ રૂપે મિશન 84 પ્રોજેકટ અંતર્ગત આખા દિવસનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભારતની 84થી વધુ ચેમ્બર ઓફ કોમર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્લેટિનમ હોલ, SIECC, સરસાણા, સુરત ખાતે સવારે10:00 કલાકે C TO C એટલે કે ‘ચેમ્બર ટુ ચેમ્બર’ કાર્યક્રમ યોજાશે. જેમાં તમામ ચેમ્બર ઓફ કોમર્સ એક પ્લેટફોર્મ પર આવશે અને એકબીજાને વ્યાપાર – ઉદ્યોગના વિચારોનું આદાન – પ્રદાન કરશે. ત્યારબાદ બપોરે 2:00થી સાંજે 4:00 કલાક દરમ્યાન C TO M એટલે કે ‘ચેમ્બર ટુ મેમ્બર’ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉદ્યોગકારોને જુદી–જુદી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતપોતાના પ્રાદેશિક વિસ્તારમાં વ્યાપાર – ઉદ્યોગની તકોથી માહિતગાર કરવામાં આવશે.

નિકાસકારો નિકાસ વધારવાનો સંકલ્પ લેશે
ભારતના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજી સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાશે. જેમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ તથા ટેક્ષ્ટાઇલ, ડાયમંડ વગેરે અન્ય ઉદ્યોગની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાનો સ્વયંભૂ સંકલ્પ લેશે.

Most Popular

To Top