SURAT

ગુલાબી નોટથી સુરતની બેંકોના સ્ટ્રોંગ રૂમ ઊભરાયા

સુરત: (Surat) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા એક નોટિફિકેશન બહાર પાડી તા. 23મી મે થી 30મી સપ્ટેમ્બર 2023 સુધી 2000 રૂપિયાની નોટ બદલી આપવા અથવા એકાઉન્ટમાં જમા લેવા આદેશ આપતા છેલ્લા 8 દિવસમાં સુરતની સહકારી, પ્રાઇવેટ,નેશનલાઇઝ અને સ્મોલ માઇક્રો બેંકની (Bank) તિજોરીઓ 2000ની ગુલાબી નોટથી ઊભરાઈ છે.

સહકારી બેંકો જે રાષ્ટ્રીય કૃત બેંકની કરન્સી ચેસ્ટ સાથે સંકળાયેલી હોય ત્યાં 2000ની નોટનો જથ્થો જમા કરી 500ની નોટ એની અવેજમાં લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રારંભિક 2 દિવસ આ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત રહી હતી. બેંકોમાં આવેલી 2000 રૂપિયાની નોટ કરન્સી ચેસ્ટમાં જમા થઈ રિઝર્વ બેન્ક અમદાવાદ મોકલી આપવામાં આવી હતી. આરબીઆઇ અમદાવાદ દ્વારા એની અવેજમાં કરન્સી ચેસ્ટમાં 500 રૂપિયાની નવી નોટના બંડલ મોકલી આપવા આવ્યા હતા. પણ હવે રિઝર્વ બેંકે એક સાથે જથ્થો જમા કરાવવાને બદલે થોડો થોડો જથ્થો મોકલવા અને એ રીતે 500,200,100 રૂપિયા અને સિક્કાઓ લઈ જવા જણાવ્યું છે. એને લીધે સુરતની રાષ્ટ્રીયકૃત અને પ્રાઈવેટ મળી સાતે કરન્સી ચેસ્ટમાં 2000ની નોટનો મોટો જથ્થો ભેગો થઈ ગયો છે.

સુરતની એક અગ્રણી સહકારી બેંકમાં 8 દિવસમાં 100 કરોડ અને બીજી બેંકમાં 80 કરોડની 2000ની નોટ બદલી થવા સાથે ડિપોઝીટ થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. 300 કરોડથી વધુની રકમ એસબીઆઈની શાખાઓમાં ડિપોઝીટ થઈ છે. સુરતમાં 4 રાષ્ટ્રીયકૃત અને 3 પ્રાઇવેટ બેંકોની કરન્સી ચેસ્ટ બહાર રોજ બેંકોના મેનેજર 2000ની નોટ લઈ 500ની નોટનું એલોકેશન કરાવવા લાઇન લગાવી રહ્યાં છે. બીજી તરફ રિઝર્વ બેન્કે 2000ની નોટનો જથ્થો સ્વીકારવામાં સમય લેતા સુરતમાં બેંકોની કરન્સી ચેસ્ટ ઓછી નોટ સ્વીકારી રહી છે. કરન્સી ચેસ્ટમાં 80 કરોડની નોટ મુકવા ગયેલી સુરતની એક જાણીતી બેંક પાસે કરન્સી ચેસ્ટએ માત્ર 9 કરોડની જ 2000ની નોટ લઈ 500ની નોટ આપી હતી. એને લીધે બેંકોની સિસ્ટમ ખોરવાઈ રહી છે. બેંકોના સ્ટ્રોંગ રૂમ 2000 રૂપિયાની નોટથી ઊભરાઈ ગયા છે.

RBI એ કરન્સી ચેસ્ટને 500 ની નોટનો પૂરતો જથ્થો નહીં આપતાં બેંકો 200,100, ની નોટના બંડલ પધરાવી રહી છે.
રિઝર્વ બેંકે (અમદાવાદ) કરન્સી ચેસ્ટમાં આવેલી 2000ની નોટ બધી જ સ્વીકારી લેવાને બદલે 40% જેટલી નોટ જ સ્વીકારતા 500 ની નોટના બંડલની ઓછી ફાળવણી થઈ રહી છે. એને લીધે કરન્સી ચેસ્ટ બેંકોને 200,100,50,10 રૂપિયાની જૂની નોટના બંડલ અને 10 રૂપિયાના સિક્કાઓ પધરાવી રહી છે. 2000ની નોટ કરન્સી ચેસ્ટમાં ડિપોઝીટ કરવાની સામે લોખંડની એટેચિઓ ભરી ઢગલો રૂપિયા મળી રહ્યાં છે. બેંકો ગ્રાહકોને 200,100 અને 10નાં બંડલ થકી થેલા ભરી રૂપિયા ચૂકવી રહી છે.

નોટ બદલવાને બદલે ડિપોઝીટ કરાવવાનો બેંકોનો આગ્રહ
બેંકોનાં કેશિયર એવી સાયકોલીજી ચલાવી રહ્યાં છે કે જો ગ્રાહક 2000ની નોટ બદલાવશે તો સરકારમાં એનો ડેટા મોકલવો પડશે. ભવિષ્યમાં નાહકની હેરાનગતિ થશે,એવો ભય બતાવી ખૂબ ઓછી નોટ બદલી આપી રહ્યાં છે.મોટાભાગે ગ્રાહકને નોટ ખાતાઓમાં ડિપોઝીટ કરવાનો આગ્રહ કરી ટર્ન ઓવરનો આંક વધારવામાં આવી રહ્યો છે. સેવિંગ્સ એકાઉન્ટમાં મોટી જમા રકમ સામે બેંકે માત્ર સાદું વ્યાજ ચૂકવવું પડે છે. એની સામે ઊંચા વ્યાજદર સાથેની લોન મંજૂરી વધી ગઈ છે. કેટલીક બેંકોએ ફિક્સ ડિપોઝીટ પર વ્યાજદર એક ટકો જેટલો ઘટાડી દીધો છે. એ રીતે 2000ની નોટ થકી બેંકો તગડી કમાણી કરી રહી છે. સુરતની એક સહકારી બેન્ક નોટ બદલી પહેલા 125 દિવસની એફડી.પર 8 ટકા વ્યાજ ચૂકવી રહી હતી. તેણે આરબીઆઇનાં આ નિર્ણય પછી સ્કીમ જ બંધ કરી દઈ નવી ડિપોઝીટ લેવાનું બંધ કર્યું હતું. ઝડપી નાણાંનું પ્રોવિઝન કરવા અને આગળ ચૂકવવા બેંકો આવી ટૂંકા ગાળાની સ્કીમો મુકતી હોય છે.

Most Popular

To Top