Entertainment

સૂર કે બિના જીવન સૂના!

સપ્તાહમાં ખૂબ બધા ‘ડે’ની ઉજવણીની ભરમાર આવી રહી છે. ‘ફાધર્સ ડે’, ‘યોગ ડે’, ‘મ્યુઝિક ડે’ તો આજે આપણે ‘મ્યુઝિક ડે’ મનાવીએ! જે માણસ પાસે સાહિત્ય નથી, સંગીત નથી અને કલા નથી તે માણસ પૂંછડા અને શિંગડા વગરનો પશુ જ છે. વળી ઘાસ ન ખાઇને તે જીવે છે, તે તો પશુઓનું પરમ ભાગ્ય છે. સંગીત મનુષ્ય જાતિ સાથે જન્મકાળથી સંકળાયેલું છે, પરમાત્માની પ્રસાદી છે. શબ્દ તો પછી આવ્યો, પહેલાં તો નાદ હતો. કેવળ નાદ, કેવળ ધ્વનિ એટલે તો નાદબ્રહ્મ, નાદ નિનાદ, કલનાદ, કલરવ, કૂંજન, પર્ણોની મર્મર, વર્ષાની ઝરમર, સમુદ્રનો ઘુઘવાટ, દિવસ અને રાત, સૂર્ય – ચંદ્ર, તારા, પવનના સુસવાટા, હૃદયના ધબકારા આ બધામાં લયનું વર્ચસ્વ રહેલું છે. લય સંગીતમાં સર્વોચ્ચ છે.

સંગીતની ઉત્પત્તિ વિશે દુનિયામાં જુદા જુદા મતો અને માન્યતાઓ છે પણ એક વાત તો નિશ્ચિત છે કે માણસે સૌ પ્રથમ સંગીતનો અનુભવ પ્રકૃતિમાંથી કર્યો હશે. ભારતીય સંગીત પરંપરામાં એક એવી માન્યતા છે કે સંગીતના 7 સ્વરોની ઉત્પત્તિ પશુ – પક્ષીઓના અવાજમાંથી થઇ. જેમ કે સા – મોરનો ટહુકો, રે – બકરીનો અવાજ, ગ – વૃષભનો અવાજ, મ – બુલબુલનો અવાજ, પ – કોયલનો અવાજ, ધ – અશ્વનો અવાજ, ની – હાથીનો અવાજ. આ સ્વરો આપણને પ્રકૃતિ પાસેથી પ્રાપ્ત થયા.
માનવીએ આ અવાજનું અનુકરણ કર્યું અને સંગીતની ઉત્પત્તિ થઇ.

કાળક્રમે સ્વરોની વિવિધ ગોઠવણી કરી. સંગીતમાં વિવિધ રસ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કર્યો. આજે સંગીત એ માનવજીવનનું અમૂલ્ય અને અવિભાજય અંગ બની ગયું છે. દુનિયાના તમામ ધર્મોમાં સંગીતનું પ્રાધાન્ય છે. પરમ તત્ત્વની આરાધના કરવાનું અને માનસિક શાંતિ માટેનું શ્રેષ્ઠ સાધન છે. સાહિત્ય માણસને સમજદારીનું વરદાન બક્ષે છે. સંગીત તેના જીવનમાં સંવાદ સર્જે છે, તો કલા દ્વારા તે સૌંદર્યનો સાક્ષાત્કાર પામે છે. સંગીત માત્ર ગાવા, વગાડવા કે સાંભળવા પૂરતું નથી. સંગીત આત્માને આનંદ આપે છે. સંગીતથી કામ કર્યાનો થાક ઊતરે છે.

દર શનિ – રવિ સારેગમપ સુપર સ્ટાર સીંગર નાના છોકરાઓનો સંગીતમય ગીત ગાવાના પ્રોગ્રામની સાધના દાદ માંગે એવી હોય છે. તે સાંભળીને આપણું મન પ્રફુલ્લિત થઇ ઊઠે છે. મનોચિકિત્સકોના મતાનુસાર શારીરિક તથા માનસિક ચિકિત્સા માટે સંગીત આવશ્યક છે. ગાયકના ફેફસાના વિકાર દૂર તથા સાંસ્કૃતિ કાર્યક્રમો – મેળાવડા, યુવાનીમાં પ્રણયગાન, લગ્નમાં લગ્નગીતો – ઢોલ – શરણાઇ, હોળીમાં ફાગગીતો, નવરાત્રિમાં ગરબા, ધાર્મિક ઉત્સવોમાં મંત્રો – સ્ત્રોતો, ભજનો, લશ્કરમાં બેન્ડ વગેરે માનવીય અંતરાયો દૂર કરી એકમેક બનાવે છે.

સંગીતથી મનની તેમજ શરીરની પીડાઓ શાંત થવાનો અનુભવ તો બહુ જૂનો અનુભવ છે. સંગીતના વિવિધ રાગ – રાગિણીઓ માત્ર સાંભળવાથી પણ વિવિધ રોગો મટતા કે હળવા થતા હોવાના પુરાવાઓ પણ હવે સાંપડયા છે.
ફૂટબોલની રમતનો ખેલાડી જુલિયો ઇગ્લેસિયાસ એક વાર કાર અકસ્માતમાં બહુ ખરાબ રીતે ઇજાગ્રસ્ત બન્યો. દોઢ વરસ હોસ્પિટલમાં રહેવું પડયું. ફૂટબોલના નિપુણ ખેલાડી બનવાનું સપનું ભાંગી પડયું.

ખૂબ વિમાસણમાં હતો. એક ભલી નર્સે તેની મુંઝવણનો ઉકેલ શોધ્યો. તેને શરીરના દુખાવામાં રાહત થાય અને સમય સુખેથી પસાર થાય તે માટે ગિટાર ભેટ આપી. તેને સંગીતનું કોઇ જ્ઞાન કે અનુભવ નહોતા પરંતુ એણે અકસ્માતથી લથડેલા શરીરનો બળાપો કર્યા વગર એક સ્થિતિમાં પડી રહ્યા વગર જાતને સંગીતના માધ્યમ દ્વારા પ્રફુલ્લિત કરી. ફૂટબોલનો ખેલાડી પોતાના દુખાવા વિસરી પોપ સંગીતનો સફળ સંગીતકાર બન્યો.

આપણો આ દેશ એ દેશ છે, જ્યાં હજારો વર્ષથી સંગીતને એક દિવ્ય પ્રસાદ ગણવામાં આવે છે. યુગોથી સંગીતને એક પવિત્ર ચીજ અને આત્મોન્નતિનું સાધન ગણી પૂર્ણ નિષ્ઠાપૂર્વક તેની સાધના કરવામાં આવે છે. તેથી જ તેના અદ્‌ભુત રાગો અને રાગિણીઓ આજે પણ દુનિયામાં સર્વત્ર લોકોને ડોલાવે છે. સીધા જ ચિત્રને જકડી લે છે અને એક અજબ પ્રકારની શાંતિનો અનુભવ કરાવે છે. મધુરતા, સંવાદિતા અને લયબધ્ધતા એ આપણા સંગીતની ઓળખ છે.

ભારતીય શાસ્ત્રીય સંગીતમાં 200થી પણ વધારે રાગ – રાગિણી છે. દરેક રાગની અલગ અલગ અસર હોય છે. જેમ મલ્હાર રાગ ગાવાથી વરસાદ આવે અને દીપક રાગ ગાવાથી અગ્નિ પ્રગટે. તાનસેને સમ્રાટ અકબરની જીદ ઉપર રાગ દીપક ગાઇને દીવા પ્રજવલિત કરીને શરીરમાં બળતરા પેદા કરી હતી. ગુજરાતના વડનગરની નાગર કન્યાઓ તાના – રીરીએ રાગ મેઘ મલ્હાર ગાઇને વરસાદ પાડીને તાનસેનની બળતરાને શાંત કરી હતી.

માનવ આરોગ્ય પર સંગીતની રહસ્યમય અસર હોય છે. સંગીતને મન સાથે ખૂબ સંબંધ છે. સંગીતનો દૂત લય ઉત્તેજના ફેલાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા કે તરત જ વૃંદાવનની ગાયો દોડી આવતી હતી. વાંસળીનું સંગીત સાંભળતાં ગાયો વધારે દૂધ દેતી. સંગીતને માધ્યમ બનાવીને સંગીતકારોએ વૃક્ષ ઉછેરનો પ્રયોગ કર્યો. ફૂલો પર પ્રયોગ કર્યો. સંગીત સાંભળીને વિકસેલા ફૂલોની આભા જુદી જ હોય છે. માનવીના માનસપરિવર્તન માટે પણ સંગીત એટલું જ જરૂરી છે.

સંગીત એક એવી કેડી છે જે તમને સાક્ષાત્કાર તરફ લઇ જાય છે. મીરાંની કલ્પના સંગીત વિના થઇ શકતી નથી. કૃષ્ણની કલ્પના વાંસળીના સૂર વગર થઇ શકતી નથી. સંગીત સૌ કોઇને પ્રિય હોય છે. સંગીત માણવાની ખરી મજા મનના એકાંતની મહેફિલમાં માણી શકાય. આજે મોબાઇલ દ્વારા આપણે ગમે ત્યારે સુંદર કર્ણપ્રિય ગીત – સંગીતની મજા માણી શકીએ છીએ. રવિશંકરના સિતાર કે બિસ્મિલ્લાની શહનાઇ કે પન્નાલાલ ઘોષ કે હરિપ્રસાદ ચોરસિયાનું બાંસુરીવાદન સુરીલા કાનથી સાંભળી આનંદ લૂંટી શકીએ છીએ.

આજે લોકપ્રિયતાના શિખરે બિરાજતા ફિલ્મી સંગીતમાં પણ ખાસ કરીને 1960 – 70 સુધીના દાયકાઓથી ફિલ્મોનું સંગીત ખૂબ જ મોટા ભાગે શાસ્ત્રીય રોગો પર આધારિત એટલે કે અર્ધશાસ્ત્રીય હતું. છતાં આજની 21મી સદીના જુવાનિયાઓને પણ તે સંગીત આંખો બંધ કરીને ડોલતા કરી દે છે. સાથોસાથ જૂની પેઢીના તથા સંગીતના અર્થ અને કદર જાણનારા સૌને તો તે અવર્ણનીય આનંદ અને શાંતિનો અનુભવ કરાવે છે. એ જ સંગીતનું કાર્ય છે. તેથી જ સ્વ. K.L. સાયગલ, સ્વ. K.C. ડે,. સ્વ. મોહમ્મદ રફી, સ્વ. મુકેશ, સ્વ. લતા મંગેશકર, આશા ભોંસલે, સ્વ. ગીતા દત્ત, શ્રી મન્ના ડે વગેરેના સાધક કંઠે ગવાયેલ શાસ્ત્રીય રાગો આધારિત ગીતો આજે પણ એવા ને એવા જ સદાબહાર છે.

આમ તો સંગીતના ઘણા પ્રકારો છે. લોકસંગીત, ભકિતસંગીત, હવેલીસંગીત, કવ્વાલી, હરિકીર્તન, ગીત, ગઝલ, સૂફીસંગીત પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીત જેના વગર કોઇ પણ પ્રકારના સંગીતની ઉત્પત્તિ સંભવ નથી. સંગીત વિશ્વને જીવંત રાખે છે. મનને પાંખો આપે છે. કલ્પનાને ગતિમાન કરે છે. મન પ્રફુલ્લિત કરે છે. જીવનમાં તનાવ દૂર કરી આનંદ ભરે છે.
પરમાત્મામાં રૂપાંતર કરી આપે છે. તો વાચક મિત્રો! સૂર કે બિના જીવન સૂના! સંગીત થેરાપીના ઉપયોગથી સંગીતના તરંગો મન અને મગજ પર અસર કરે છે. તેથી સ્પંદન પેદા થાય છે. જુદા જુદા સ્પંદન જુદી જુદી અસર કરે છે. સંગીત રોગનાશક છે અને રોગશામક છે. તો મિત્રો રાગો ગાતા, વગાડતાં કે સાંભળતી વખતે મન સ્થિર અને એકાગ્ર હોવું જરૂરી છે. તો જ રાગની અસર થાય છે. બસ, તો ‘મ્યુઝક ડે’ના દિવસે સૌના દિલમાં સંગીતની સરગમ બજતી રહે. 7 સૂરોના સરગમના માધ્યમથી જીવન ભર્યું – ભર્યું, છલોછલ રહે એવી શુભેચ્છા! હેપી મ્યુઝિક ડે!

Most Popular

To Top