Columns

સુમતિ અને કુમતિ

એક કથાકાર રામચરિત માનસનું ગીત પારાયણ કરાવે. આખું રામચરિત માનસ સંગીત સાથે ગાય અને ગવડાવે અને વચ્ચે વચ્ચે ચોપાઈઓની સુંદર સમજાવટ પણ આપે.એક દિવસ એક ભક્તે પૂછ્યું, ‘શાસ્ત્રીજી, આપને તો રામચરિત માનસની દરેક ચોપાઈ કંઠસ્થ હશે અને બધી ચોપાઈઓનો અર્થ તમે બરાબર સમજયા હશો તો આખા માનસ પાઠમાં તમારી મનગમતી ચોપાઈ કઈ છે અને શા માટે?’ શાસ્ત્રીજીએ કહ્યું, ‘ભાઈ, બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો…મને તો રામ ચરિત માનસ જ બહુ પ્રિય છે એટલે તુલસીદાસજીએ તેમાં લખેલો એક એક શબ્દ મારા હ્રદયની નજીક છે, પણ તમે પ્રિય ચોપાઈ પૂછો તો હું એક એવી ચોપાઈની વાત કરીશ કે જે ચોપાઈમાં ગોસ્વામી તુલસીદાસજીએ પોતે આખા રામાયણનો સાર રજૂ કર્યો છે.

અને જે વ્યક્તિ આ ચોપાઈ વાંચી ,જાણી અને સમજી લે છે અને જીવનમાં ઉતારે છે તેનો બેડો પાર થઇ જાય છે..’ બધા ભક્તજનો આ ચોપાઈ જાણવા આતુર બન્યા…સ્વામીજીએ ચોપાઈ ગાઈને સંભળાવી … “જહાં સુમતિ તહાં સંપત્તિ નાના જહાં કુમતિ ટહાં વિપત્તિ આના ” બે વાર ચોપાઈનું ગાન કરીને શાસ્ત્રીજીએ સમજાવ્યું, ‘આ ચોપાઈમાં તુલસીદાસજી આપણને બધાને જીવનમાં ગાંઠે બાંધી લેવા જેવી સમજ આપે છે કે જ્યાં સુમતિ હોય છે ત્યાં સમૃધ્ધિની છોળો ઊડે છે અને ઊડતી રહે છે.મિથિલામાં ભગવાન જનકની સુમતિ હતી.

જાહોજહાલી સદા હતી.અયોધ્યામાં પતિ પત્નીમાં પ્રેમ હતો…પિતા પુત્રમાં વ્હાલ હતું ..ભાઈ ભાઈમાં પ્રેમ હતો …ત્રણ રાણીઓ સાથે ખુશ હતી ..સાસુ વહુમાં આદર સ્નેહ હતો તો એવી સમૃધ્ધિ હતી કે આખી અયોધ્યામાં કોઈ દુઃખી નથી અને જ્યાં કુમતિ હોય છે ત્યાં દુઃખ ..કષ્ટ ..પીડા અને વિપત્તિ એક પછી એક આવતી જ રહે છે…જેવું અયોધ્યામાં મંથરા અને કૈકેયીની મતિ ફરી અને સુમતિનું સ્થાન કુમતિએ લીધું અને એક પછી એક દુઃખ આવવા લાગ્યાં …રામ-લક્ષ્મણ-જાનકી વનમાં ગયાં ..ભરત માતાથી વિમુખ થઇ ગયો …દશરથ રાજા પુત્રવિયોગમાં મૃત્યુ પામ્યા …

રાણીઓએ વૈધવ્યનું દુઃખ સહન કરવાનો સમય આવ્યો …ઊર્મિલાને પતિવિયોગ થયો..ભરત અયોધ્યા છોડી ગયા વગેરે વગેરે અને પીડાદાયક ઘટનાઓ થઇ. દરેક અયોધ્યાવાસી દુઃખી થઇ ગયા…..રામાયણની કથા તો તમે જાણો જ છો …અને પછી જયારે સુરપંખાએ પોતાના ભાઈ રાવણને ઉશ્કેર્યો અને રાવણની મતિ ફરી. કુમતિને કારણે સીતા માતાનું હરણ કર્યું…હનુમાનજીની પૂંછ બાળી તો સોનાની લંકા ભડકે બળી ..ભગવાન રામ સાથે યુદ્ધ કરી રાવણ અને રાક્ષસોનો નાશ થયો……આમ સુમતિ સમૃદ્ધિદાયક અને વિપત્તિ દુઃખકારક..એટલે હંમેશા સજાગ રહેવું. સુમતિ સાથે બધા માટે સારો ભાવ રાખવો અને કુમતિનો પ્રવેશ ન થાય તેનું સદા ધ્યાન રાખવું.’શાસ્ત્રીજીએ સુંદર સમજ આપી રામાયણનો સાર સમજાવ્યો.

Most Popular

To Top