Sports

IPLની મેચો સ્ટેડિયમમાં જઇને જોવાની ઇચ્છા ચાહકોના ખિસ્સાને ઘણી ભારે પડી શકે

નવી દિલ્હી : આગામી શુક્રવારે 31 માર્ચથી શરૂ થઇ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કેટલીક મોટી ટીમોની મેચ (Match) સ્ટેડિયમમાં (Stadium) જઇને જોવાની ક્રિકેટ ચાહકોની ઇચ્છા તેમના ખિસ્સાને ઘણી ભારે પડી શકે છે.
જો તમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફેન છો અને તમારે તેની મેચ જો સ્ટેડિયમમાં જઇને જોવી હોય તો તમારે બે વાર વિચાર કરવો પડશે. કારણ કે જો તમે 6 મિત્રો મળીને આરસીબીની આઇપીએલ મેચ સ્ટેડિયમમાં બેસીનેએકસાથે જોવા માંગો છો, તો તેના માટે તમારે રૂ. 3 લાખ ખર્ચવા પડી શકે છે અને એટલામાં તો એક અલ્ટો કાર તમે ખરીદી શકો તેમ છો.

આરસીબીએ પોતાની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે 2 એપ્રિલે તેમના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવાની છે. આ મેચની સૌથી મોંઘી ટિકિટનો ભાવ રૂ. 50,820 છે. એટલે કે લગભગ 51 હજાર થાય છે. આવી સ્થિતિમાં જો 6 મિત્રો એકસાથે મેચ જોવા માંગતા હોય તો તેમને લગભગ 3 લાખ રૂપિયા ખર્ચવા પડશે.આ મેચની સૌથી સસ્તી ટિકિટ રૂ.2772 છે. જેની સંપૂર્ણ વિગતો રોયલચેલેન્જર્સ.કોમ પર ઉપલબ્ધ છે. જો કે આટલી મોંઘી ટિકીટ હોવા છતાં આરસીબીની સાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 2 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આ જ ગ્રાઉન્ડ પર આરસીબી બીજી મેચ 10 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમશે. આ મેચની સૌથી સસ્તી ટિકિટ 2118 રૂપિયા છે અને સૌથી મોંઘી ટિકિટ 30,801 રૂપિયા છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કુલ 7 મેચો રમાવાની છે.

મુંબઈ-કેકેઆર વચ્ચેની મેચની ટિકિટનો ભાવ 50,000, તેની પણ તમામ ટિકીટ વેચાઇ
મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મેચની પણ તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. આ મેચ માટેની ટિકીટનો ભાવ લગભગ 50 હજાર રૂપિયા છે. આ મેચની ટિકિટ પણ પૂરી થઈ ગઈ છે. બુક માય શોની મુલાકાત લઈને ટિકિટ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. પેટીએમ પર ઘણી ટીમોની ટિકિટ પણ ઉપલબ્ધ છે.

ઓપનિંગ મેચ માટે સૌથી મોંઘી ટિકીટનો ભાવ રૂ. 20,000 સૌથી સસ્તી રૂ.700
આઇપીએલ 2023ની પ્રથમ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 31 માર્ચના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. આ મેચની ઘણી ટિકિટ હજુ બાકી છે. જેમાં સૌથી મોંઘી ટિકિટ 20 હજાર રૂપિયાની છે. જ્યારે સૌથી સસ્તી ટિકીટ 700 રૂપિયાની છે. જો ઓવરઓલ સમગ્ર આઇપીએલ ટૂર્નામેન્ટની વાત કરવામાં આવે તો તેમાં સૌથી સસ્તી ટિકીટ લગભગ રૂ.500ની છે.

Most Popular

To Top