SURAT

લંબેહનુમાન રોડ પરના એસટી ડેપોને ખસેડાયો, હવે ઉત્તર ગુજરાત રૂટની બસો અહીંથી દોડશે

સુરત(Surat): સુરત રેલવે સ્ટેશનને (SuratRailwayStation) વર્લ્ડ કલાસ બનાવવાની તૈયારી વચ્ચે હવે સુરત રેલવે સ્ટેશનની પાછળ લંબે હનુમાન રોડ પર આવેલા એસટી ડેપોને (ST) અન્યત્ર ખસેડવાનો નિર્ણય લેવાયો છે. હવે લંબે હનુમાન રોડના એસટી ડેપોને અડાજણના ડેપો ખાતેથી ઓપરેટ કરાશે. તેથી લંબે હનુમાન રોડ પર જે રૂટની બસો આવતી હતી તે હવે અડાજણથી દોડશે.

સુરત રેલવે સ્ટેશન પર લંબે હનુમાન ગરનાળા તરફથી મહુવા, મુન્દ્રા, સાવરકુંડલા, અંબાજી, મોરબી, દાહોદ, ઝાલોદ, પાટણ, મોડાસા, સંજેલી, કવાંટ, બોડેલી, અમદાવાદ તરફની એક્સપ્રેસ બસ ઉપાડવામાં આવતી હતી, પરંતુ સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની ચાલી રહેલી કામગીરીને પગલે સુરત સિટી ડેપોને અડાજણ ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે.

સિટી ડેપો શિફ્ટ થતાં અહીંયાની તમામ એક્સપ્રેસ બસને હવે અડાજણ ડેપો પરથી ઉપાડવામાં આવશે. જોકે, આ તમામ બસ સુરત લિનિયર બસ સ્ટેશને પણ થોભશે. જેથી મુસાફરો આ રૂટની બસ લિનિયર બસ સ્ટેશન પરથી પણ પકડી શકશે. વધુમાં લિનિયર બસ સ્ટેશન પરથી ઉપાડવામાં આવતી બસને રાબેતા મુજબ જ ઉપાડાશે.

સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં રેલવેની સાથે પાલિકા અને સુરત બસ ડેપોને આવરી લેવાશે. મુસાફરો ટ્રેનમાંથી ઊતરીને બસમાં બેસી શકે તેવી રીતે કનેક્ટિવિટી આપવામાં આવશે. તેમજ સુરત એસટીનો ડેપો પણ અદ્યતન બનાવાશે. દરમિયાન કન્ટ્રાક્શનની કામગીરી શરૂ થઈ ગઈ હોવાથી સુરત સિટી બસ ડેપોને તબક્કાવાર રીતે સ્થળાંતર કરવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી.

દરમિયાન સુરત સિટી ડેપો પરથી સંચાલન થતી તમામ બસને અડાજણ ડેપો પરથી ઉપાડવા નિર્ણય લેવાયો છે. સિટી ડેપોને અડાજણ ડેપો ખાતે સ્થળાંતર કરી દેવાયો છે. તેથી સિટી ડેપો પરથી ઉપડતી તમામ એક્સપ્રેસ બસ અડાજણ ડેપો પરથી ઉપડશે.

ખાસ કરીને મહુવા, મુન્દ્રા, સાવરકુંડલા, અંબાજી, દાહોદ, ઝાલોદ, પાટણ, મોડાસા, સંજેલી, અમદાવાદ, કવાંટ, બોડેલી, સેલવાસા તરફની એકસપ્રેસ બસને અડાજણ ડેપો પરથી ઉપાડવામાં આવશે. અડાજણ ડેપો પરથી ઉપડીને આ બસ સ્ટેશન સ્થિત લિનિયર બસ સ્ટેશન પર થોભશે. લિનિયર બસ સ્ટેશન પર સ્ટોપેજ આપ્યું હોવાથી વરાછા વિસ્તારના મુસાફરો અહીંયાથી બેસી શકશે. ઉપરાંત લિનિયર બસ સ્ટેશન પરથી ઉપડતી બસે રાબેતા મુજબ જ દોડાવાશે.

Most Popular

To Top