Sports

અશ્વિન-ચહલે રાજસ્થાનને ચેન્નાઇ સામે જીતાડ્યું

ચેન્નાઇ, તા. 12 : આઇપીએલમાં આજે અહીના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જોસ બટલરની અર્ધસદી ઉપરાંત તેની પડ્ડીકલ, અશ્વિન સાથેની ટૂંકી ભાગીદારીઓ અને અંતિમ ઓવરોમાં હેટમાયરની 18 બોલમાં 30 રનની ઇનિંગથી રાજસ્થાન રોયલ્સે 8 વિકેટે 175 રનનો સ્કોર બનાવીને મૂકેલા 176 રનના લક્ષ્યાંક સામે મિડલ ઓવરમાં યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિને કસેલા ગાળિયાને કારણે છેલ્લા બોલ સુધી ખેંચાયેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ 3 રને હાર્યું હતું.

  • બટલરની અર્ધસદી ઉપરાંત પડ્ડીકલ, અશ્વિન સાથે કરેલી ટૂંકી ભાગીદારી અને હેટમાયરની 30 રનની ઇનિંગથી રાજસ્થાને 8 વિકેટે 175 રન બનાવ્યા
  • છેલ્લા બોલ સુધી ખેંચાયેલી મેચમાં ચહલ અને અશ્વિને મિડલ ઓવરમાં ગાળિયો કસતા સીએસકે ત્રણ રને મેચ હાર્યું


લક્ષ્યાંક આંબવા માટે મેદાને પડેલી સીએસકેની પણ શરૂઆત સારી રહી નહોતી અને ઋતુરાજ ગાયકવાડ માત્ર 8 રન કરીને આઉટ થયો હતો. ડેવોન કોનવે અને અજિંક્ય રહાણે વચ્ચે તે પછી 68 રનની ભાગીદારી થઇ હતી, રહાણે 31 રન કરીને આઉટ થયો તે પછી શિવમ દુબે, મોઇન અલી, અંબાતી રાયડુ અને કોનવેની વિકેટ નજીકના ગાળામાં પડવાના કારણે સીએસકેનો સ્કોર 15 ઓવરમાં 6 વિકેટે 113 રન થયો હતો. અંતિમ બે ઓવરમાં કરવાના આવેલા 40 રન સામે 19મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ 2 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે 19 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં 21 રન કરવાના આવ્યા તે પછી ધોનીએ બે છગ્ગા ફટકારતા રોમાંચ વધ્યો હતો, છેલ્લા બોલે પાંચ રન કરવાના આવ્યા હતા પણ માત્ર એક રન આવતા રાજસ્થાન 3 રને મેચ જીત્યું હતું.

આ પહેલા ટોસ હારીને બેટીંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને વિસ્ફોટક શરૂઆત અપાવતો આવેલો યશસ્વી જયસ્વાલ બીજી ઓવરમાં જ બોર્ડ પર માત્ર 11 રન હતા ત્યારે પેવેલિયન ભેગો થતાં તેમની શરૂઆત ખરાબ રહી હતી. જો કે અર્ધસદી કરનારા જોસ બટલો દેવદત્ત પડ્ડીકલ સાથે 77 અને રવિચંદ્રન અશ્વિન સાથે 47 રનની ભાગીદારી કરી હતી. અંતિમ ઓવરોમાં શિમરોન હેટમાયરે 19 બોલમાં 29 રનની રમેલી ઇનિંગને પ્રતાપે રાજસ્થાન રોયલ્સે 8 વિકેટે 175 રન બનાવ્યા હતા. ચેન્નાઇ વતી રવિન્દ્ર જાડેજા, આકાશ સિંહ, તુષાર દેશપાંડેએ 2-2 જ્યારે મોઇન અલીએ 1 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top