Entertainment

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત ભારતના સૌથી મોંઘા અભિનેતા બન્યા, ફિલ્મ ‘જેલર’એ કરી દમદાર કમાઇ

મુંબઇ: સાઉથના (South) સુપરસ્ટાર (Superstar) રજનીકાંતની (Rajnikant) ફિલ્મને લઇને દર વખતની જેમ આ વખતે પણ ચાહકોમાં ઘણો ક્રેઝ છે. ‘જેલર’ (Jailer) એ વિશ્વભરમાં હલચલ મચાવી છે. 10 ઓગસ્ટે રિલીઝ થયેલી જેલરની શાનદાર કમાણી હજુ પણ બોક્સ ઓફિસ (Box office) પર અકબંધ છે. રજનીકાંતની ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને વિશ્વભરમાં લગભગ 600 કરોડની કમાણી કરી. આ દરમિયાન ફિલ્મના હીરો રજનીકાંતની ફી અંગે એક મોટો ખુલાસો થયો છે.

રજનીકાંતને જેટલી ફી જેલર ફિલ્મ માટે મળી કદાચ બોલીવુડમાં આટલી ફી કોઇ વસૂલતા નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટ્રેકર મનોબાલા વિજયને આ જાણકારી આપી છે. તેમણે રજનીકાંતનો જેલર ફિલ્મના નિર્માતા સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. રજનીકાંતની જેલરની ફી અંગે મનોબાલા વિજયને લખ્યું છે કે, ‘માહિતી આવી રહી છે કે કલાનિધિ મારન દ્વારા સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવેલા એન્વલપમાં ચેન્નાઈની સિટી યુનિયન બેંકની મંડાવલી શાખાનો 100 કરોડ રૂપિયાનો ચેક છે.’ તેમણે વધુમાં લખ્યું કે આ જેલરનો પ્રોફિટ શેરિંગ ચેક છે જ્યારે સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મ માટે 110 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. આ રીતે કુલ 210 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, આ રીતે આ ફી રજનીકાંતને ભારતના સૌથી મોંઘા કલાકાર બનાવે છે. જો કે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

જેલરના કલેક્શને ફિલ્મને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ ક્ષેત્રમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર દક્ષિણ ભારતીય ફિલ્મ બનાવી છે. જો કે KGF 2 અને બાહુબલી 2 આ લિસ્ટમાં ટોપ પર છે. 10 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.

નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત જેલર બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરી રહી છે. જેલર બહુ ધામધૂમ વિના રિલીઝ થયેલી ‘જેલર’એ અક્ષય કુમારની ‘ઓહ માય ગોડ 2’ અને સની દેઓલની ‘ગદર 2’ને પણ પછાડી દીધી છે. આ બંને ફિલ્મોના એક દિવસ પહેલા રિલીઝ થયેલી જેલર અત્યાર સુધીમાં ભારતમાં કુલ 328.20 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 572.8 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં રજનીકાંત સિવાય તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, વસંત રવિ અને વિનાયકન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જેલરમાં મોહનલાલ, જેકી શ્રોફ અને શિવ રાજકુમાર કેમિયો રોલમાં છે.

Most Popular

To Top