Dakshin Gujarat

કાળ બનીને આવેલી કાર માસુમ બાળકનો જીવ ભરખી ગઈ

વ્યારા: સોનગઢના (Songhar) ટોકરવાથી જામણકૂવા તરફ જતા રસ્તા ઉપર ધોઝરો અકસ્માત (Accident) બન્યો હતો. ધસમસતી કાર કાળ બનીને આવી હતી અને એક માસુમ બાળકને અડફેટમાં લીધો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા આ બાળકનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલ (Hospital) મોત થતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. બનાવની સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર સોનગઢના ટોકરવાથી જામણકૂવા માર્ગે પોતાના માતા-પિતા સાથે પગપાળા ચાલીને જતા 4 વર્ષના બાળકને પૂરપાટ ઝડપે દોડતી ઇકો કારે અડફેટે લઈ લેતાં 4 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટોકરવાથી જામણકૂવા ગામ તરફ પાઇપ લાઇન ખોદકામનું કામ ચાલતું હોવાથી અહીં મજૂરો ટોકરવા ગામની સીમમાં પડાવ નાંખી આ કામગીરી કરી રહ્યા છે. તેમાં દાહોદના આગાવાડ ગામના જાનુ બાબુ કળમી પોતાની પત્ની જાનાબેન તથા ૪ વર્ષના પુત્ર યુવરાજ સાથે પડાવ સ્થળે રહેતા હતા.

કાર ચાલાક બેલગામ બની કાર હાંકી રહ્યો હતો
ઘટના શુક્રવારે સવારે બની હતી. સવારે મજૂરો સાથે જાનુ કળમી પોતાની પત્ની અને પુત્ર યુવરાજ કામ સ્થળે પગપાળા ટોકરવા ચાર રસ્તાથી જામણકૂવા તરફ જઇ રહ્યા હતા. ત્યારે વહેલી સવારે લગભગ 8 વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે એક ઇકો કારના ચાલકે રસ્તાના કિનારા પર માતા-પિતા સાથે પગપાળા ચાલતા યુવરાજ )ને અડફેટે લઇ કચડી નાંખ્યો હતો. તેના પેટ પરથી કારના વ્હીલ ફરી વળતાં યુવરાજ ગંભીર રીતે ઘવાયો હતો. તેને સોનગઢ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકની ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યાનું જણાવ્યું હતું.

બાઇક પુલ સાથે અથડાતાં ચાલકનું મોત, એક ઘવાયો
વ્યારા: ડોલવણના મંગળીયા ગામના બે યુવક મજૂરી કામેથી મોટરસાઇકલ પર ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે વ્યારાના કપુરા ગામની સીમમાં મોટરસાઇકલ પુલની દીવાલ સાથે અથડાતાં બાઇકચાલક ઘવાયો હતો. હોસ્પિટલની વધુ સારવાર મળે એ પહેલાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પાછળ બેસેલો યુવક ગંભીર રીતે ઘવાયેલો હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

બને યુવકો ગંભીર રીતે ઘવાયા હતા
ડોલવણના મંગળીયા ગામે તળાવ ફળિયાના વિજય રામુ ભીલ અને રાહુલ ચીમન પવાર મજૂરીકામ કરી ગતરોજ મોટરસાઇકલ પર રાહુલ પવારને બેસાડી પલસાણા ખાતે ગયા હતા. સાંજે ઘરે મંગળિયા પરત ફરી રહ્યા હતા ત્યારે વ્યારાના કપુરા ગામની સીમમાં પસાર થતી વેળા વિજયે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવી દેતાં કેનાલની પાસે આવેલા નાના પુલની જમણી બાજુની દીવાલમાં મોટરસાઇકલ અથડાતાં આ અકસ્માતમાં વિજય રામુ ભીલને માથા તેમજ શરીરના ભાગે ઇજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રાહુલ પવારને ડાબા હાથે ફેક્ચર‌ તેમજ ખભામાં ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. રાહુલ પવારની ફરિયાદને આધારે વ્યારા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top