SURAT

સુરત રેલ્વે સ્ટેશન પર માતા પાસે સુતેલી બાળકીને કોઈ ઉઠાવી ગયું

સુરત: સુરત રેલવે સ્ટેશને (Surat Railway Station) થી 6 વર્ષિય બાળકીનું અપહણ (Abduction) કરવામાં આવ્યું હતું. આ મામલે રેલ્વે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસે આ મામલે સીસીટીવી (CCTV) ફૂટેજની મદદ લીધી હતી. જેમાં એક મહિલા બાળકીને લઇ જતી કેદ થઈ હતી. જેના આધારે પોલીસે તપાસ શરુ કરી ગણતરીનાં સમયમાં જ મહિલાને ઝડપી પાડી હતી તેમજ અપહ્યત બાળકીને હેમખેમ તેના માતા પિતાને પરત કરવામાં આવી હતી.

કડોદરાથી અપહ્યત બાળકીને મુક્ત કરાવી
રેલવે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર એક દંપતિ 6 વર્ષિય બાળકી સાથે અમદાવાદથી ભરૂચ જતી મેમુ ટ્રેનમાં બેઠું હતું. પરંતુ ઉંઘ આવી જવાને કારણે ભરૂચને બદલે દંપતિ સુરત સુધી પહોંચી ગયું હતું. જ્યાં ઉતરીને બીજી ટ્રેનની પ્લેટફોર્મ નં.1 ઉપર રાહ જોતું દંપતિ બેઠું હતું. આ સમયે ફરથી ઉંઘ આવી જતા દંપતિ પ્લેટફોર્મ ઉપર સુતું હતું તે જ સમયે એક મહિલા બાળકીનું અપહરણ કરી ગઇ હતી. ડિટેકશન અંગે વધુ માહિતી આપતા રેલવે ડીવાએસપી ડી.એચ.ગોરે જણાવ્યું હતું કે, સુરત રેલવે સ્ટેશનના સીસીટીવીમાં કેદ થયેલી એક મહિલાની આખી રાત રેલવે પોલીસની ટીમોએ શોધ ખોળ કરી હતી. સીસીટીવીમાં મહિલા માતા પિતા પાસે ઉંઘતી બાળકી પાસે આંટા ફેરા મારતી નજરે પડી હતી. ત્યારબાદ પિતા પાસેથી બાળકીને ઉંચકીને મહિલા રેલવે સ્ટેશન બહાર નિકળી ગઇ હતી. જ્યાંથી તેણી એક રિક્ષામાં બેસતા નજરે પડી હતી. જેને આધારે રિક્ષા ડ્રાઇવરનો સંપર્ક શોધી તેની પૂછપરછ કરાતા પરવટ પાટિયા પાસે મહિલા બાળકીને લઇને ઉતરી ગયા બાદ બીજી રિક્ષામાં બેઠી હતી. આ રિક્ષા કડોદરા વિસ્તારમાં ઉભી રહી હતી. આ સગડને આધારે રેલવે પોલીસે કડોદરા પહોંચી હતી જ્યાંથી અપહ્યત બાળકીને મુક્ત કરાવાઇ હતી.

આરોપી રેણુકાદેવીએ બેરોજગારીને કારણે એક યુવક સાથે મળી અપહરણ કર્યાની કબુલાત
કડોદરા વિસ્તારમાંથી ઝડપાયેલી અપહરણકાર મહિલા રેણુકાદેવીની સાથે પોલીસે યોગેશ ચૌહાણ નામના આરોપીને પણ ઝડપી પાડ્યો હતો. રેણુકાદેવી ત્રણ ચાર મહિનાથી યોગેશ ચૌહાણના સંપર્કમાં આવી હતી. આ બંને બેરોજગાર છે. તેમણે બાળકીને વતન લઇ જઇ વેચી દેવાના ઇરાદે અપહરણ કર્યું કે કેમ તે અંગે રેલવે પોલીસ બંનેની પુછપરછ કરી રહી છે. અપહ્યત બાળકીને તેના પરિવારને સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top