Editorial

સૌર ઉર્જાને વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે

પેટ્રોલ, ડીઝલ જેવા અશ્મિજન્ય ઇંધણોના વધેલા ભાવ અને ખાસ તો આ ઇંધણોને કારણે થતા ભારે પ્રદૂષણને કારણે અશ્મિજન્ય ઇંધણોના વિકલ્પો શોધવાની કવાયત ઘણા સમયથી શરૂ થઇ ગઇ હતી. ખનિજ તેલો અને કોલસા જેવા ઇંધણો અશ્મિજન્ય ઇંધણોનું સ્થાન લઇ શકે તેવા વિકલ્પોમાં એક અગત્યનો વિકલ્પ સોલાર પાવર કે સૌર ઉર્જા છે અને આ સૌર ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ નવા સંશોધનો સાથે શક્ય બનવા માંડ્યો તે પછી તેના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. સૂર્યમાંથી મળતી ઉર્જાને વિજળીમાં રૂપાંતરિત કરવાનું અને સાથો સાથ આ વિજળીનું સોલાર બેટરીમાં સંગ્રહ કરવાનું શક્ય બન્યું પછી સૌર ઉર્જાનો મોટે પાયે ઉપયોગ શક્ય બનવા માંડ્યો.

રાત્રીના સમયે કે દિવસ દરમ્યાન જ્યારે વાદળો છવાયેલા હોય તેવા સમયે પણ સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનું શક્ય બન્યું તેના પછી આ વિજળીનો વપરાશ વધુ સરળ બન્યો અને તેની ઉપલબ્ધિ પણ સરળ થઇ. ભારતે પણ સૌર ઉર્જાનો વપરાશ વધારવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. હમણા કેટલીક સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં ભારતવાસીઓ માટે આનંદ પ્રેરે તેવા સમાચાર બહાર આવ્યા છે અને તે એ છે કે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ૪.૨ અબજ ડોલર જેટલો ઇંધણનો ખર્ચ અને ૧૯.૪ મિલિયન ટન કોલસો બચાવ્યો હતો, જે કોલસો વપરાયો હોત તો ઘરઆંગણે આ ઇંધણની આમ પણ તંગી વર્તાય છે તેમાં વધુ ઉમેરો થયો હોત એમ આજે જારી કરવામાં આવેલ એક નવો અહેવાલ જણાવે છે.

એનર્જી થિંક ટેન્ક એમ્બર, ધ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ક્લિન એર અને ઇન્સ્ટિટ્યુટ ફોર એનર્જી ઇકોનોમિક્સ એન્ડ ફાયનાન્શ્યલ એનાલિસિસટ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ હેવાલમાં છેલ્લા એક દાયકામાં સૌર ઉર્જાના ક્ષેત્રે થયેલા વિકાસનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તેમાં જણાયું છે કે સોલાર કેપેસિટી સાથેના ટોચના દસ અર્થતંત્રોમાંથી પાંચ એશિયાની અંદર છે જેમાં ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને વિયેટનામનો સમાવેશ થાય છે. સાત મહત્વના એશિયન દેશો – ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, વિયેટનામ, ફિલિપાઇન્સ અને થાઇલેન્ડમાં સૌર વિજળી ઉત્પાદનના ફાળાએ જાન્યુઆરીથી જૂન ૨૦૨૨ સુધીમાં પેટ્રોલ-ડીઝલ જેવા ઇંધણના સંભવિત ઉપયોગનો અંદાજિત ખર્ચ ૩૪ અબજ ડોલર જેટલો બચાવ્યો હતો એમ આ અહેવાલ જણાવે છે.

આ બચત આ સમયગાળામાં કુલ અશ્મિજન્ય ઇંધણના ખર્ચના ૯ ટકા જેટલી થાય છે. આ અહેવાલ જણાવે છે કે ભારતમાં સૌર વિજળીના ઉત્પાદને ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં ૪.૨ અબજ ડોલર જેટલો અશ્મિજન્ય ઇંધણો પાછળનો ખર્ચ બચાવ્યો છે. તેણે ભારતમાં ૧૯.૪ મિલિયન ટન જેટલા કોલસાનો વપરાશ પણ આ સમયગાળામાં ઘટાડ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે સૌર ઉર્જાનો વપરાશ કરીને જે બચતો કરવામાં આવી છે તેમાંથી મોટા ભાગની બચતો અંદાજે ૩૪ અબજ ડોલર જેટલી બચત ચીનમાં કરવામાં આવી છે જ્યાં સોલાર પાવરે કુલ વિજળીની માગના પ ટકા જેટલી માગ પુરી કરી છે અને આ સમયગાળા દરમ્યાન અંદાજે ૨૧ અબજ ડોલર જેટલી કિંમતના કોલસા અને ગેસની આયાત ઘટાડી છે. જાપાનનો બીજો ક્રમ છે જેણે પ.૬ અબજ ડોલર જેટલો ખર્ચ બચાવ્યો છે. સોલાર પાવર કે સૌર ઉર્જાથી આ ખર્ચ તો બચે જ છે પરંતુ પ્રદૂષણ પણ થતું નથી એ ઘણો મોટો લાભ છે.

પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા અશ્મિજન્ય ખનિજ તેલો કે અશ્મિજન્ય ઘન ઇંધણ કોલસો એ ઘણા પ્રદૂષણકારી ઇંધણો પુરવાર થયા છે. ઔદ્યોગિક પ્રગતિમાં અને વાહન વ્યવહારના વિકાસમાં આ ઇંધણોએ ઘણો ફાળો આપ્યો છે અને વપરાશની સરળતાની દષ્ટિએ આજે પણ આ ઇંધણો જ સૌથી વ્યવહારુ છે પરંતુ આ ઇંધણોનો વપરાશ વધતા અને તેનો જથ્થો મર્યાદિત હોવાને કારણે તથા તેમને ઉલેચવાનો ખર્ચ પણ મોટો આવતો હોવાના કારણે તથા અન્ય પરિબળોની અસરથી તેમની કિંમતો ઘણી વધી ગઇ છે. વળી આ ઇંધણો પ્રદૂષણકારી છે અને તેમનો વપરાશ વધવાની સાથે પૃથ્વી પર પ્રદૂષણ પણ ખૂબ વધી ગયું છે. ગ્લોબલ વૉર્મિંગ માટે આ ઇંધણોને મુખ્ય જવાબદાર પરિબળ માનવામાં આવે છે.

ખનિજતેલોનું જ્યાં મોટા પાયે ઉત્પાદન થાય છે તેવા દેશો પણ વૈકલ્પિક ઉર્જા પર ધ્યાન આપવા માંડ્યા છે. વિજળી ઉત્પન્ન કરવા માટે થર્મલ પાવર સ્ટેશનોમાં મોટા પાયે કોલસો કે ગેસ વપરાય છે, કોલસો તો ખૂબ પ્રદૂષણ કરે છે અને નેચરલ ગેસ પણ અમુક હદે પ્રદૂષણ તો કરે જ છે. આવા સંજોગોમાં આ ઇંધણોનો વિકલ્પ શોધવો જરૂરી છે અને પવન ચક્કી અને સૌર ઉર્જા જેવા વિકલ્પો હાલ સરળતાથી ઉપલબ્ધ છે. જો કે પવન ચક્કીઓથી વિજળીનું ઉત્પાદન બહુ વ્યવહારિક જણાયું નથી, જ્યારે સૌર ઉર્જા એકંદરે વ્યવહારૂ છે. હાલમાં આપણા ગુજરાતનું મોઢેરા ભારતનું પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત ગામ બન્યું છે. હાલના સંજોગોમાં સૌર ઉર્જાના વપરાશને વધુને વધુ વેગ આપવાની જરૂર છે.

Most Popular

To Top