Madhya Gujarat

સોજિત્રા પાલિકાનું બજેટ પસાર કરાવવા કવાયત

સોજિત્રા : આણંદ જીલ્લામાં ભાજપ શાસિત ઉમરેઠ અને સોજીત્રા નગરપાલિકાના બજેટ ગત દિવસોમાં નામંજૂર થયા હતા. જેથી આ બંન્ને પાલિકાના અસંતુષ્ટ સભ્યોને મનાવવા જીલ્લા નેતાગીરીએ કમર કસી હતી. જેના ફળસ્વરૂપે ઉમરેઠ પાલિકાનું બજેટ મંજૂર કરાવી દીધું છે. જ્યારે સોજીત્રા પાલિકાનું બજેટ મંજૂર કરાવવા જીલ્લાના નેતાઓ હજીપણ ધમપછાડા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. જોવાનું એ રહેશે કે અસંતુષ્ટ સભ્યોની નારાજગી પાલિકામાં કેવો નવો વળાંક લાવે છે ?

સોજીત્રા નગરપાલિકાની બજેટ બેઠક ગત 24મી માર્ચના રોજ સવારે 11 કલાકે પાલિકાના સભાખંડમાં મળી હતી. જેમાં કાર્યસૂચી મુજબ 16 કામો રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ આ પૈકી કામ નં.1, 2, 3, 4 અને 13 નંબરના કામોમાં ભાજપના જ ચાર સભ્યો વિરોધપક્ષની ભૂમિકામાં આવી જતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. તેમાંય બજેટનું કામ નામંજૂર થતાં પ્રમુખ સહિત અન્ય સભ્યોના મુખ ઉપર ભારે ગમગીની જોવા મળી હતી. પાલિકાના પ્રમુખની તાનાશાહી અને એકહથ્થુ શાસન ચલાવવાની નિતીરિતીને કારણે ભાજપના જ ચાર સભ્યોમાં અસંતોષનો ચરૂ ઉકળ્યો હતો.

જેને કારણે જ આ ચાર સભ્યોએ બજેટ બેઠકમાં વિરોધ કરી આડકતરી રીતે પ્રમુખને જવાબ આપ્યો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. આ બજેટ નામંજૂર થયા બાદ જો 31મી માર્ચ સુધીમાં મંજૂર ના થાય તો પાલિકા સુપરસીડ થવાનો ભય સ્થાનિક નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેથી સોજીત્રા પાલિકાનું બજેટ યેનકેન પ્રકારે મંજૂર કરવા જીલ્લા નેતાગીરીએ કમાન સંભાળી છે. છેલ્લા પાંચ દિવસથી અસંતુષ્ટ સભ્યોને મનાવવા જીલ્લાના નેતાઓએ ફાર્મ હાઉસ કે અન્ય અજ્ઞાત સ્થળોએ મિટીંગોનો દોર શરૂ કર્યો છે.

જો કે એક તબક્કે અસંતુષ્ટોએ આ નેતાઓને ભૂતકાળમાં આપેલા રાજીનામાં સંદર્ભે પરખાવી દેતાં કહ્યું હતું કે, પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યા હતા અને સંગઠનના સ્થાનિક મહામંત્રીએ સ્વીકાર્યા હતા, તો હવે અમે સ્વતંત્ર છે ! છતાં જીલ્લાના નેતાઓની દરમ્યાનગીરીને કારણે કદાચ ઘીના ઠામમાં ઘી પડે તો નવાઈ નહીં ! પરંતુ જીલ્લા નેતાગીરી અસંતુષ્ટોને સંતોષ આપવા પાલિકા પ્રમુખ સામે શું પગલાં લે છે ? તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી રહેશે ! અત્રે ઉલ્લેખનીય છે કે 31મી માર્ચની બજેટ બેઠકમાં ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા સભ્યોને વ્હીપ આપવામાં આવનાર હોવાની શક્યતા છે.

કરાર આધારિત ચીફ ઓફિસરને બદલે કાયમી ચીફ ઓફિસર મળ્યાં
સોજીત્રા નગરપાલિકામાં ચીફ ઓફિસરોની વારંવાર બદલીઓનો મુદ્દો ચર્ચામાં પહેલેથી જ છે. છેલ્લા બે વર્ષમાં પાંચ જેટલા ચીફ ઓફિસરોની બદલી થઈ ચૂકી છે. આ બદલીઓ વચ્ચે તાજેતરમાં 11 માસના કરાર આધારિત ચીફ ઓફિસર તરીકે કિરણ શુક્લાને મુકવામાં આવ્યા હતા. જેઓની ઉપસ્થિતીમાં જ પહેલી વખત 24મી માર્ચના રોજ વર્ષ 2023-24નું અંદાજપત્ર રજૂ થયું હતું. પરંતુ માત્ર 14 દિવસમાં જ તેઓની જગ્યાએ ચીફ ઓફિસર તરીકે નિલમ રોયની નિમણૂંક થઈ હતી. જેઓએ ચાર્જ સંભાળી લીધો છે. જેથી હવે નામંજૂર થયેલુ બજેટ આવતીકાલે નવા ચીફ ઓફિસર નિલમ રોયની ઉપસ્થિતીમાં રજૂ થનાર છે.

Most Popular

To Top