Madhya Gujarat

સંતરામપુરમાં તસ્કરોએ ત્રણ મકાનનાં તાળાં તોડ્યાં

સંતરામપુર : સંતરામપુરમાં રહેતા નિવૃત્ત તલાટી કમ મંત્રીના ઘરમાં ત્રાટકેલા તસ્કરો રૂ.1.96 લાખની રોકડ, દાગીના સહિતની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ચોરીમાં તસ્કરોએ કુલ ત્રણ મકાનને નિશાન બનાવ્યાં હતાં. જેમાં નિવૃત્ત તલાટી ઉપરાંત શિક્ષકના ઘરના પણ તાળા તોડ્યાં હતાં. આ ઘટનાથી સોસાયટીવાસીઓમાં ભારે રોષ જન્મ્યો હતો.

સંતરામપુરમાં મરઘા કેન્દ્રની પાછળ રહેતા નારણભાઈ પરાગભાઈ 2016માં નાની રેલ (પ) ગામેથી તલાટી કમ મંત્રી તરીકે નિવૃત્ત થયાં હતાં. તેઓ તેમના પત્ની અને પુત્રના પરિવાર સાથે રહે છે. દરમિયાનમાં 16મી મે,22ના રોજ રાત્રિના સાડા દસેક વાગે નારણભાઈ અને તેમના પરિવારજનો જમી પરવારી રાત્રિના મકાનના દરવાજા બંધ કરી તાળા મારી ધાબા પર સુવા ગયાં હતાં. જોકે, તેમનો પુત્ર તથા પુત્રવધુ પહેલા માળે રૂમમાં સુઇ ગયાં હતાં. વ્હેલી સવારે પાંચ વાગે ઉઠતાં મકાનના દરવાજાના મારેલા તાળા તુટેલા હતા અને જાળી ખુલ્લી હતી.

મકાનના મુખ્ય દરવાજાને મારેલું તાળું નકુચા સાથે તુટેલું હતું. આથી, ચોરી થયાનું જણાતા મકાનની અંદર તપાસ કરી હતી. જેમાં બેઠકરૂમમાં લોખંડની તિજોરી તુટેલી હાલતમાં હતી. જેમાંથી કપડાં લત્તા, પલંગના ગાદલા ગોદડા વેર વિખેર હાલતમાં જોવા મળ્યાં હતાં. જ્યારે અંદરથી સોના ચાંદીના દાગીના જોવા મળ્યાં નહતાં. તસ્કરો મંગળસુત્ર, બંગડી, ચેઇન, વીંટી, છડા સહિત સોના ચાંદીના કુલ રૂ.1,96,500ની મત્તા ચોરી ગયાં હતાં. આ ઘટનાથી હતપ્રભ નારણભાઈએ આસપાસમાં તપાસ કરતાં શેખ ઝોએબ મુસ્તાક અહેમદ તથા ચાવડા દીપકકુમાર હીરાલાલના મકાનના પણ તાળા તોડી કોઇ તસ્કરો ચોરી ગયાનું જાણવા મળ્યું હતું. આ અંગે સંતરામપુર પોલીસે ગુનો નોંધી ડોગ સ્કવોર્ડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદથી તસ્કરનું પગેરૂ મેળવવા ચક્રોગતિમાન કર્યાં છે.

શિક્ષકના ઘરમાં ત્રણ વર્ષ અગાઉ પણ રોકડ રકમની ચોરી થઇ હતી
દિપકભાઈ ચાવડા પોતાનાં પરિવાર સાથે લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હતા. જેથી તેઓના ઘરનું પણ લોક તૂટેલ હાલતમાં જોવા મળ્યું હતું. જેની જાણ આજુ બાજુના રહીશો દ્વારા તેઓને ટેલિફોન દ્રારા જાણ કરવામાં આવી હતી કે  તમારા ઘરનું લોક બહારનું તૂટેલ છે. જેથી મકાન માલિક પોતે તાત્કાલિક પોતાનાં ઘરે આવી  શક જતા ઘરમાં જઈ ચેક કરતા આખા ઘરમાં મુકેલ સામાન વેર વિખેરહાલતમાં પડેલ જોવા મળ્યો હતો અને તસકરો  દ્વારા તિજોરીના લોકરમાં મૂકેલ રોકડ રૂપિયા 10000 લઈ ફરાર થઈ ગયાં હતાં. દીપકભાઈ ચાવડાના ઘરમાં ત્રણ વર્ષ અગાઉ પણ રોકડ 15000ની ચોરી થઇ હતી.

Most Popular

To Top