Madhya Gujarat

નડિયાદના દેગામના ખેતરમાં જુગારના અડ્ડા પર SMC ત્રાટકી

નડિયાદ: ખેડા જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી દારૂ-જુગારની બદી ફુલીફાલી છે. સ્થાનિક પોલીસતંત્રની રહેમનજર હેઠળ જિલ્લાના તમામ નાના-મોટાં ગામ-શહેરોમાં મોટાપાયે જુગારના અડ્ડા ધમધમી રહ્યાં છે. જેની નોંધ છેક ગાંધીનગર કક્ષાએ પણ લેવાઈ છે. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC), ગાંધીનગરની ટીમ અવારનવાર ખેડા જિલ્લામાં દરોડા પાડતી હોય છે. ત્યારે, SMC ની ટીમે વધુ એક વખત ખેડા જિલ્લામાં વસો પોલીસમથકની હદમાં ચાલતાં જુગારધામ ઉપર દરોડો પાડી કુલ રૂપિયા 1.77 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓને રંગેહાથે ઝડપી પાડી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં રહેતો મોબીન ઉફે બોડો યુનુસભાઈ વ્હોરા નજીકમાં આવેલ દેગામ ગામની સીમમાં કેનાલ પાસેના પ્રભાતભાઈ ઠાકોરના ખેતરમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC), ગાંધીનગરની ટીમને મળી હતી. જેથી SMC ની ટીમે મંગળવારના રોજ સાંજના સમયે દેગામ ગામની સીમમાં બાતમી મુજબના ખેતર નજીક પહોંચી હતી. દરમિયાન ખેતરની બહાર ઉભેલો એક ઈસમે પોલીસ-પોલીસની બુમાબુમ કરી મુકી હતી. જેથી જુગાર રમતાં ઈસમોમાં નાસમભાગ મચી હતી. જેમાં જુગારધામ ચલાવનાર મુખ્ય સુત્રધાર મોબીન ઉર્ફે બોડો વ્હોરા સહિત કેટલાક ઈસમો SMC ની ટીમને ચકમો આપી ભાગી છુટવામાં સફળ રહ્યાં હતાં.

જોકે, SMC ની ટીમે પીછો કરી, ફિરોજ મુબારકખાન પઠાણ, ઈબાદુલ્લા ઝાફરખાન પઠાણ, જીગર રાધેશ્યામ બારોટ, ઘનશ્યામ ડાહ્યાભાઈ પટેલ, ઈમરાન સફીમીયાં મલેક, મોઈનુદ્દીન નસીરૂદ્દીન સૈયદ, રીયાજ શફીભાઈ વોરા અને ભગત ઉર્ફે ભગો નટવરભાઈ ઉર્ફે નટુભાઈ સોલંકીને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. પકડાયેલાં આ આઠેય ઈસમો પાસે અંગજડતીમાંથી રૂ.48,820, દાવ પરથી રૂ.2800, છ મોબાઈલ કિંમત રૂ.25,500, તેમજ 4 દ્રિચક્રી વાહનો કિંમત રૂ.1,00,000 મળી કુલ રૂ.1,77,120 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કર્યો હતો અને પકડાયેલાં આઠેય શખ્સો ઉપરાંત જુગાર રમવા માટે ખેતર ભાડે આપનાર પ્રભાતભાઈ રામાભાઈ ઠાકોર તેમજ ત્રણ વાહનોના ચાલક સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડાથી પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

દૈનિક એક હજારના ભાડા પેટે ખેતર રાખ્યું
ડભાણ ગામના મોબીન ઉર્ફે બોડાએ જુગારધામ ચલાવવા માટે દેગામ ગામની સીમમાં આવેલ પ્રભાતભાઈ રામાભાઈ ઠાકોરનું ખેતર ભાડે રાખ્યું હતું. જ્યાં છેલ્લાં વીસેક દિવસથી લોકોને ભેગાં કરીને મોબીન જુગાર રમાડતો હતો. જગ્યાના ભાડા પેટે મોબીન ખેતરમાલિક પ્રભાતભાઈને દૈનિક 1000 રૂપિયા ચુકવતો હોવાનું પણ બહાર આવ્યું છે.

ખેલીઓને જુગારના સ્થળ સુધી લાવવા-મુકવા માટે ખાસ વાહનની વ્યવસ્થા પણ કરી હતી
મોબીન ઉર્ફે બોડો દેગામ ગામની સીમમાં એક ખેતર ભાડે રાખી તેમાં જુગારધામ ચલાવતો હતો. જ્યાં નજીકના ગામો ઉપરાંત, ખેડા, મહેમદાવાદ, માતર અને ચકલાસી પંથકમાંથી મોટી સંખ્યામાં ઈસમો જુગાર રમવા માટે આવતાં હતાં. રીક્ષા, શટલ કે અન્ય વાહનોમાં આવતાં જુગારીઓને લાવવા-મુકવા માટે મોબીને ખાસ વાહનની વ્યવસ્થા પણ કરી હતી. મોબીનનો માણસ આવા જુગારીઓને ડભાણ નજીક આવેલ એક હોટલેથી પોતાના બાઈક કે રીક્ષામાં બેસાડીને જુગારધામ સુધી લાવવા-મુકવાનું કામ કરતો હતો.

ભગત સોલંકી દૈનિક 500 રૂપિયાના પગાર ઉપર ખેતરની બહાર વોચમાં ઉભા રહેતાં હતાં
પોલીસ પુછપરછમાં ભગત ઉર્ફે ભગો સોલંકીએ જણાવ્યું હતું કે, મોબીન છેલ્લાં વીસેક દિવસથી આ જગ્યા ઉપર જુગારધામ ચલાવે છે. હું આ જુગારના ધંધામાં દેખરેખ રાખવાનું તેમજ જુગારની જગ્યાએ કોઈ પોલીસ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો ફોન કરીને મોબીનને જાણ કરવાનું કામ મને સોંપવામાં આવ્યું હતું. આ કામ માટે મને દૈનિક રૂ.500 પગાર આપવામાં આવતો હતો.

Most Popular

To Top