Charchapatra

ધીમું ઝેર

ચલચિત્રોમાં ક્યારેક એવા દ્રશ્યો બતાવવામાં આવે કે સંપત્તિ મેળવવામાં કે આડા સંબંધોમાં  જીત મેળવવા માટે વ્યક્તિને તેની ખાવા-પીવાની ચીજોમાં ધીમું ઝેર આપવામાં આવે અને જે તે વ્યક્તિ ધીરેધીરે મોતને ભેટે છે. અને ઝેર આપનાર  પોતાનું લક્ષમાં સફળ થાય છે અને અપરાધમાં તેનું નામ પણ આવતું નથી. કોઈકના કડવાં શબ્દો પણ ધીમા ઝેરનું કામ કરે છે. કોઈ શોખ જ્યારે વ્યસન બને જે લાંબે ગાળે ઝેરનુ સમાન  છે. આજે એવું પણ બને છે કે વ્યક્તિ સાદો ખોરાક આરોગે અને એકપણ વ્યસન ન હોય તો પણ મૃત્યુને ભેટે ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આમ થવાનું કારણ શું? 

કોઈપણ તણાવ-ચિંતા ન હોય, જીવનગાડી સુખમય દોડતી હોય ત્યાં અચાનક માંદગી આવે ને મૃત્યુનો ભેટો થઈ જાય. સૌ કોઈ વિચારતા જ રહી જાય. આમ બનવાનું કારણ ધીમું ઝેર છે જે આપણાં ખોરાકમાં સામેલ હોય છે,  અને એ માટે જવાબદાર છે ભેળસેળ કરનારા- માનવનતાને નેવે મૂકી કમાણી કરનારા નર રાક્ષસો. દૂધ સંપૂર્ણ ખોરાક છે પણ તેમાં યુરિયા ખાતર ઉમેરવામાં આવે અને આ સિન્થેટિક દૂધને કારણે લાંબા સમયે આસાધ્ય રોગો આવે છે. ખાદ્યપદાર્થોમાં અખાદ્ય રંગો, ચીંજોની ભેળસેળથી રોગો થવાનાં જ.

અરે વોશિંગ સોડા-પાવડરથી  વાસણ-કપડાં ધોવાના કે ખાવાની ચીજો બનાવવાની ?- આ રીતે બનતી ચીજો પણ ધીમું ઝેર છે. આ માટે નમૂના લેવામાં આવે તેના રિપોર્ટ આવતાં દિવસો નીકળી જાય અને લોકો ખાઈને પરવારી જાય! આ કામ કરનારાઓ જ ભેળસેળ કરનારાઓ સાથે ભળી જાય તો? તંત્રની સાથે લોકજાગૃતિ પણ જરૂરી. તહેવારોમાં આ ભેળસેળ કરનારાઓથી ચેતી જવાની તાતી જરૂર છે.
નવસારી – કિશોર આર. ટંડેલ           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top