Madhya Gujarat

ઉમરેઠના ઓડ બજારમાં ગેસ બોટલ ફાટતાં છ જણ દાઝ્યાં

આણંદ : ઉમરેઠના ઓડ બજારમાં આવેલા રહેણાંક મકાનમાં શુક્રવારના રોજ રસોઇ બનાવતા એકાએક ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં આગ ભડકી હતી. આ આગમાં ઘરના સભ્યો ઉપરાંત એક ફાયર મેન સહિત છ વ્યક્તિ દાઝી ગયાં હતાં. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાના પગલે પહોંચેલા ફાયર બ્રિગેડે આગ બુઝાવવા કોશિષ કરી હતી. પરંતુ તે પહેલા ઘરવખરી ખાખ થઇ ગઈ હતી.

ઉમરેઠ નગરના ઓડ બજાર વિસ્તારમાં હવાલદારના ખાંચામાં રહેતા નુરમહંમદ ગુલામનબી બેલીમના ઘરે શુક્રવાર સવારે 8-30 વાગ્યાની આસપાસ રસોઇ બનાવવામાં આવી રહી હતી. આ સમયે એકાએક બોટલ ફાટતાં ઘરમાં આગ ભડકી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ઘરમાં હાજર સભ્યોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, તેઓ કોઇ પગલા ભરે તે પહેલા પાંચ સભ્ય દાઝી ગયાં હતાં. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. આગને કાબુમાં લેતા સમયે એક કર્મચારી પણ દાઝી ગયો હતો. બીજી તરફ ઘરવખરી આગમાં ખાખ થઇ ગઈ હતી. આ દૂર્ઘટનામાં દાઝી ગયાં તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ આગમાં બીસ્મીલ્લાબીબી નુરમહંમદભાઈ બેલીમ, ઈરફાન મહેમુદભાઈ બેલીમ, ફારૂક મહેમુદભાઈ બેલીમ, સમીનાબીબી આશીફખાન પઠાણ અને ઈરશાદ સાબીરભાઈ બેલીમ વત્તા ઓછા પ્રમાણમાં દાઝી ગયાં હતાં. આ ઉપરાંત ઉમરેઠ ફાયરની ટીમ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરતી હતી. આ દરમિયાન સમગ્ર ઘર આગની અગ્નિ જ્વાળાઓથી ઘેરાઈ ચૂક્યું હતું. આગ ઓલવવા સખ્ત જોખમ લઈ રહેલ છેક અંદર સુધી જઈને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયત્નો કરી રહેલ ફાયર કર્મી જબસિંહ ઝાલા પણ આગની ઝપેટમાં આવી ગયા હતા.

Most Popular

To Top