Editorial

રિઅલ ડાયમંડ અને ટેક્સટાઈલને રાહતો નહીં હોવાથી દ.ગુ. માટે બજેટ ‘કભી ખુશી કભી ગમ’ સમાન

મોદી સરકારની બીજી ટર્મ પુરી થવાને હવે માત્ર દોઢેક વર્ષનો જ સમય બાકી છે ત્યારે મોદી સરકારે બીજી ટર્મ માટેનું પોતાનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું. આવતા વર્ષે ચૂંટણી હોવાથી મોદી સરકાર દ્વારા લેખાનુદાન રજૂ કરાશે. જ્યારે ફુલફ્લેજ બજેટ બાદમાં નવી સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા આ છેલ્લા બજેટમાં દ.ગુ. માટે ‘કભી ખુશી કભી ગમ’ જેવો ઘાટ થયો છે. દક્ષિણ ગુજરાતમાં મુખ્ય રીતે જોવામાં આવે તો સહકારી ક્ષેત્ર, ટેક્સટાઈલ ક્ષેત્ર તેમજ ડાયમંડ ક્ષેત્રની બોલબાલા છે. આ એવા ક્ષેત્રો છે કે જે સંગઠિત છે અને 70 ટકાથી વધુ લોકો તેની સાથે સંકળાયેલા છે. બજેટમાં રિઅલ ડાયમંડ ક્ષેત્ર તેમજ ટેક્સટાઈલ ક્ષેત્રને એવી કોઈ જ મોટી રાહત મળી નથી.

ટેક્સટાઈલ ક્ષેત્રમાં પીએમ મિત્રા યોજના માટે 200 કરોડ અને ટફ માટે 900 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીજી તરફ આયાતી મશીનો પર લાગુ પડતી ડ્યૂટી હટાવવાની માંગણી સંતોષાઈ નથી અને યાર્ન પરની ડ્યૂટીમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બંને જે રાહતો આપવામાં આવી છે તે ખૂબ ઓછી છે. આ સંજોગોમાં તેનો કેટલો લાભ લોકોને મળશે તેની સામે શંકા છે. બીજી તરફ એરજેટ, વોટરજેટ જેવી મોંઘી આયાતી મશીનરીઓ પર સાડા સાત ટકા જેટલી ઊંચી ડ્યૂટી અને ઉપરથી 10 ટકા સરચાર્જ લગાડવામાં આવતાં ટેક્સટાઈલ ઉદ્યોગને માર પડે તેમ છે.

ટેક્સટાઈલની સાથે સાથે રિઅલ ડાયમંડને પણ કોઈ રાહત સરકાર દ્વારા બજેટમાં જાહેર કરવામાં આવી નથી. બજેટમાં લેબગ્રોન ડાયમંડ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે લેબગ્રોન ડાયમંડને પ્રોત્સાહન આપશે પરંતુ રિઅલ ડાયમંડ માટે ઠનઠન ગોપાલ જેવો ઘાટ થયો છે. લેબગ્રોન ડાયમંડનો સુરતમાં વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. સુરતની સાથે સાથે આખા દેશમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન વધી રહ્યું છે. આ સંજોગોમાં તેને જોઈને સરકારે રાહતો જાહેર કરી છે.

લેબગ્રોન ડાયમંડની ફિલ્ડમાં ચીન આગળ વધી નહીં જાય તે હેતુથી નાણામંત્રીએ ભારતમાં જ લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટેની મશીનરી બને તે માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે આઈટીઆઈ મદ્રાસને 5 વર્ષ માટે ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત લેબગ્રોન ડાયમંડના સીડ્સ અને મશીનરી પરની કસ્મટ ડ્યૂટી જે અઢી ટકા હતી તે દૂર કરી છે. અત્યાર સુધી ભારતના ખાસ કરીને સુરતના હીરા ઉદ્યોગકારો જાપાનથી મશીનરી અને સીડ્સ આયાત કરતા હતા. તેઓને હવે ફાયદો થશે. ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં તેઓ લેબગ્રોન ડાયમંડના યુનિટ સ્થાપી શકશે. ભારતીય કૃત્રિમ હીરા ઉદ્યોગો ચીન સાથે સ્પર્ધા કરી શકશે.

એક તરફ રિઅલ ડાયમંડ અને ટેક્સટાઈલ માટે બજેટ એટલું પ્રોત્સાહક રહ્યું નથી તો બીજી તરફ સહકારી ક્ષેત્ર માટે બજેટ અનેક રાહતો લઈને આવ્યું છે. સૌથી મોટી રાહત આઈટીને લગતી છે. સુગર ફેકટરીના ખેડૂતોને મળતી આઈટીની નોટિસનો મુદ્દો છેક કોંગ્રેસ સરકારના સમયથી ચાલતો આવતો હતો. આ વખતે બજેટમાં સુગર ફેક્ટરીઓ પર ઉભી કરવામાં આવેલી ઈન્કમટેક્સની જવાબદારીને નાબૂદ કરી દેવામાં આવી છે. જેને કારણે દ.ગુ.ની 13 જેટલી સુગર ફેકટરીના ખેડૂતો ચિંતામુક્ત થઈ ગયા છે. આશરે 10 હજાર કરોડના કેસ નાબૂદ કરી દેવાને કારણે સુગર ફેકટરી અને તેના ખેડૂતોને મોટી રાહત થઈ છે.

આ ઉપરાંત 3 કરોડથી વધુના રોડ ઉપાડ પર ટીડીએસ લાગુ નહીં પાડવાની જોગવાઈને કારણે સહકારી મંડળીઓને ટીડીએસમાંથી મુક્તિ મળી ગઈ છે. આ જ રીતે પ્રાયમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસા. કે પ્રાયમરી કો.ઓ. એગ્રિકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક સભ્યો પાસેથી 2 લાખથી ઓછી રકમની રોકડ ડિપોઝીટ સ્વીકારે અથવા રોકડ લોન ધીરે તો પેનલ્ટી લાગશે નહીં. ઉત્પાદન ક્ષેત્રે રોકાયેલી નવી સહકારી મંડળીઓને પ્રોત્સાહિત કરવા ઈન્કમટેક્સના કાયદામાં 115-બીએઈ દાખલ કરાઈ. તે મુજબ 1-4-2023 બાદની મંડળીઓ 15 ટકાના કન્સેશનલ ઈન્કમટેક્સના દરથી આવક પર ટેક્સ ભરી શકશે. જેને કારણે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ આખા ગુજરાતને તેનો સીધો ફાયદો થશે. આ વખતના બજેટની ખાસ વાત એ છે કે તેની જોગવાઈઓ ભલે સુખી કરે તેવી ઓછી છે પરંતુ દુ:ખી કરે તેવી પણ નથી તે મોટી રાહત સમાન છે.

Most Popular

To Top