National

હિંડનબર્ગના અદાણી અંગેના રિપોર્ટ પર વિપક્ષની તપાસની માંગ

નવી દિલ્હી: ગઈકાલે તા. 1 ફેબ્રુઆરી 2023ના રોજ દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24 માટે કેન્દ્રીય અંદાજ પત્ર રજૂ કર્યું, ત્યાર બાદ આજે સંસદના બજેટ સત્રના ત્રીજા દિવસે સંસદના બંને સદનમાં જ્યારે મહત્ત્વના વિષયો પર ચર્ચા થવાની હતી ત્યારે હોબાળો મચ્યો છે. રાજ્યસભામાં હિંડનબર્ગના રિપોર્ટ પર વિપક્ષી સાંસદોએ હંગામો કર્યો હતો. વિપક્ષી સાસંદોએ અડાણી ગ્રુપના કૌભાંડો અંગેના હિંડનબર્ગના રિપોર્ટ પર ચર્ચાની માંગણી કરી હતી. જેના લીધે કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે.

આજે ત્રીજા દિવસે સંસદની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. સરકારને ઘેરવાના ઈરાદા સાથે કોંગ્રેસના નેતાઓનું વલણ આક્રમક જણાયું હતું. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે એક બેઠક કરી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે નીતિન ગડકરી, પિયૂષ ગોયલ, અશ્વિની વૈષણ્વ, અનુરાગ ઠાકુર હાજર રહ્યાં હતાં.

સંસદથી રસ્તા સુધી વિપક્ષનો હોબાળો
અદાણીના કૌભાંડ મામલે હવે રાજકીય માહોલ ગરમાયો છે. આજે સંસદમાં હોબાળો કર્યા બાદ 13 વિપક્ષી જૂથોએ એકજૂટ થઈ રસ્તા પર પણ વિરોધ શરૂ કર્યો છે. આજે તમામ વિપક્ષોએ એકજૂટ થઈ હિંડનબર્ગના રિપોર્ટ મામલે ચર્ચાની માંગ કરી હતી. વિપક્ષોએ આ લડાઈને સંસદથઈ લઈ રસ્તા પર લઈજવાનો નિર્ણય કર્યો હતો. ગૃહ સ્થગિત થયા બાદ વિપક્ષી નેતાઓએ વિજય ચોક ખાતે ધરણાં, વિરોધ પ્રદર્શન કર્યા હતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેની આગેવાનીમાં વિપક્ષોની બેઠક મળી હતી, જેમાં સપાના નેતા રામ ગોપાલ યાદવ, આપના સાંસદ સંજ્ય સિંહ, શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી સહિત અનેક સાંસદો હાજર રહ્યાં હતાં. વિપક્ષી નેતાઓએ અદાણીના આર્થિક કૌભાંડની તપાસની માંગ કરી છે. સીપીઆઈના સાંસદે કહ્યું કે, જનતાના રૂપિયા જોખમમાં છે. લોકોના મહેનતની કમાણી ડૂબી રહી છે. આ ગંભીર મુદ્દો છે તાત્કાલિક ચર્ચા થવી જોઈએ.

સંસદ અથવા સુપ્રીમ કોર્ટની કમિટી તપાસ કરે તેવી વિપક્ષોની માંગ
સંસદમાં હોબાળો મચાવ્યા બાદ વિપક્ષની 13 પાર્ટીઓએ એકજૂટ થઈ અદાણી મામલામાં તપાસની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે 13 પક્ષોના નેતાઓએ ગુરુવારે સંસદ બહાર પ્રેસકોન્ફરન્સ યોજી હતી અને અદાણી ગ્રુપ સામે તપાસની માંગણી કરી હતી. સંસદ અથવા સુપ્રીમ કોર્ટની કમિટી બનાવાય અને તે તટસ્થ કમિટી દ્વારા હિંડનબર્ગના અદાણી અંગેના રિપોર્ટ પર તપાસ કરાય તેવી માંગણી આ વિપક્ષી નેતાઓએ કરી હતી.

Most Popular

To Top