Columns

સુરતનું પૌરાણિક સિદ્ધનાથ મહાદેવનું મંદિર:
નિર્માણ અને મહાત્મ્ય

આ સમસ્ત બ્રહ્માંડ વિશ્વનો રચયિતા એક પરબ્રહ્મ – શિવ છે. જગત શિવમય છે. જગતનો આકાર, પ્રકાર ઉદ્દગાર અને આવિષ્કાર શિવથી છે, શિવનો છે, શિવભક્તો માટે છે. શિવસ્વરૂપ લોકોપકારી, લોકહિતવાદી અને લોકસિદ્ધિ માટે છે. પ્રાચીન કાળથી ભારતમાં ચારો દિશામાં ઉત્તુંગ, પ્રશસ્ત, પવિત્ર શિવધામો છે, જે વિલક્ષણ, પ્રભાવી, ચમત્કારી અને દૈવીબોધ આપનારા પ્રસિદ્ધ સિધ્ધ સ્થાનો છે. સુરત શહેર પાસે પણ એક ઓલપાડ ક્ષેત્રમાં કુદીયાણા પંચાયત હદમાં ‘સરસ’ ગામમાં પવિત્ર, ભવ્ય – દિવ્ય શિવધામ છે. જેનું નામ છે – ‘સિદ્ધેશ્વર મહાદેવ’ પણ એક કથાના આધારે હવે એ ધામને ‘સિદ્ધનાથ મહાદેવનું મંદિર’ તરીકે ઓળખવામાં આવે છે.

‘માતશ્ર્ય પાર્વતીદેવી પિતા દેવો મહેશ્વર:|
બાંધવા શૈવ ભકતાશ્ર્ય સ્વદેશ ભુવનત્રયમ્ ||’
મોકર્ણ મુનિએ શ્રીરામચંદ્રજીને કહ્યું હતું, ‘હે રામ! તાપી તટના 5 કોશમાં પાપી જીવો મરણ પામીને સત્યલોકમાં પરમ પદને પામે છે કારણ અહીં પાપનો નાશ કરનારા સિદ્ધેશ્વર મહાદેવ છે, જે મારી ભક્તિ અને તપોબળથી પ્રસન્ન થઇને સ્વયંભૂ અહીં પ્રગટ થયા છે. જે સંસાર બંધનમાંથી છોડાવે છે. શતાનિક રાજાએ પણ પૂર્વજોના ઉદ્ધાર માટે અહીં દાન યજ્ઞ કર્યો હતો અને પિતૃગણ કૃતાર્થ બન્યો હતો. શ્રી તાપી પુરાણમાં શ્લોક 174 – 178માં એનો ઉલ્લેખ છે. મોકર્ણ ઋષિની ઉપસ્થિતિમાં શ્રીરામે અને ભાઈ લક્ષ્મણે ફળફૂલાદિ સામગ્રીથી શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું યથાર્થ પૂજન કર્યું છે. શિવ સિદ્ધનાથનો મહિમા છે.

મકર રાશિમાં સૂર્ય હોય ત્યારે સિદ્ધનાથ મહાદેવનું દર્શન કરવાથી માણસ જન્મમરણના ફેરાથી મુકત બને છે. પ્રભુ રામચંદ્રે એ દિવસે ત્યાંના રામકુંડમાં સ્નાન કરીને શિવનું પૂજન કર્યું હતું. તે રામકુંડમાં એ દિવસે સ્નાન કરવાથી અનન્ય પુણ્યનો લાભ થાય છે. ગીતા જયંતી એટલે માગશર સુદ અગિયારસ. તે દિવસે અહીં પિતૃશ્રાદ્ધ કરવાથી ક્ષેત્ર ગયામાં પિંડદાન કરવાનો લાભ થાય છે. માગસર સુદ એકાદશી મહાપર્વ કાળ છે. એ દિવસે સિદ્ધનાથ મહાદેવનું પૂજન – અર્ચન, દર્શન અનેક પ્રકારનું પુણ્ય ફળ આપે છે તથા મોક્ષ સાથે શિવલોકમાં પદ પ્રાપ્ત થાય છે.

આ પવિત્ર મંદિર 1795ની સાલમાં શિવભક્ત રાજા દામાજી પિલાજી ગાયકવાડે બંધાવ્યું છે. 8 વર્ષની સખત કારીગીરીથી આ ભવ્ય – દિવ્ય વિશાલ મંદિરની દેવી વાસ્તુ સુરતના આંગણે નિર્માણ થઇ છે. તે જ સમયે પેશવા સરકારે દક્ષિણ પ્રદેશમાંના રાજ્યો સર કર્યા હતા. તે સમયે પિંઢારા જાતિનો ખૂબ ત્રાસ હતો. તેઓ લૂંટફાટ અને ચોરી કરતા હતા. રાજા દ્વારા બનાવેલ મંદિરમાં શિવલિંગની નીચે ખૂબ સોના – ચાંદી રત્નોનો ખજાનો હશે જ. તેથી પિંઢારાઓએ મંદિરમાં પ્રવેશ કરીને ગણચૂલ કુહાડીથી લિંગ પર પગ મૂકીને શિવલિંગ પર ઘા કર્યા.

સિદ્ધેશ્વર મહાદેવના લિંગ પર ઘા થવાથી લિંગને જ છિદ્રો પડયા. તેમાંથી લાખોની સંખ્યામાં ભિંગારા સ્વરૂપની મોટી વિષારી માખીઓ નીકળીને પિંઢારાઓને કરડવા લાગી. કોઈના પગે, હાથે, કોઈની આંખોમાં. તેથી તે પિંઢારા આંધળા થયા. કોઇ ભાગી ના શકે એવી કરૂણ અવસ્થા પિંઢારાઓની થઇ. ત્યારે એના મુખિયાએ ભગવાન સિદ્ધનાથની માફી માગી, શરણે ગયા ત્યારે શિવકૃપાથી ભિંગારા શાંત થયા અને પોતાના સ્થાને ગયા. પિંઢારાઓ મરણથી બચી ગયા. આજે પણ સિદ્ધનાથ મહાદેવના દર્શન સમયે લિંગ પર પિંઢારાઓના પગનો પંજો અને કુહાડીથી થયેલા ઘાનાં છિદ્રો દેખાય છે. લિંગની મહત્તા, પવિત્રતા જાળવવા માટે શિવલિંગમાંથી ગુપ્તગંગા પ્રગટ થયેલ છે, તેથી લિંગ જલમય લાગે છે.

મોકર્ણ મુનિના સર્વસંકલ્પ સિદ્ધ થવાથી સિદ્ધેશ્વર નામક આ મહાદેવનું નામ ગીતાજયંતીના દિવસે સિદ્ધનાથ મહાદેવ તરીકે શાસ્ત્રીય પદ્ધતિથી કરવામાં આવ્યું છે. માગસર સુદ એકાદશીએ અને શ્રાવણ માસે અહીં મોટો મેળો ભરાય છે.
શ્રદ્ધાળુઓ તાપી માતાજીનું પાણી કાવડમાં ભરીને લાવી મહાદેવને ચઢાવે છે. અભિષેક કરે છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક નાસિક પાસે જે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ છે, તેના ઉપલિંગ તરીકે એની ઓળખ પુરાણોમાં છે. આ મંદિરની મહત્તા, શ્રેષ્ઠતા સ્વચ્છતા બહુ જ ઉત્તમ છે અને સંપૂર્ણ વહીવટ ગુજરાત સરકાર દ્વારા સુરત કલેકટરના હસ્તક છે. એક ભક્તે લખ્યું છે,

‘કૈલાસ રાજા શિવ તું મુરારે|
સર્પોની માળા ગંગાજી શીરે|
કરુણાકર સિંધુ તું દુ:ખો નિવારે|
તારા વિન શંભો મને કોણ તારે|
નમ: શિવાય બોલો સ્વચિત્તે|
નામાભિષેક કરજો શિવાતે|
નંદીશ્વર ગિરજાવર દોડીને આવે|
તારા વિન શંભો મને કોણ તારે||’
શિવમહાત્મ્ય||

Most Popular

To Top