Comments

શિક્ષણમાં ‘સેલ્ફ ફાઇનાન્સ’ નો સાચો અર્થ અમલમાં મૂકવા જેવો ખરો

શિક્ષણ ક્ષેત્રે ખાનગી સંચાલકો સંચાલિત ‘સ્વનિર્ભર’ શાળા – કોલેજો – યુનિવર્સિટીનો દબદબો છે. સ્વતંત્ર ભારતમાં સરકારે શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી, વીજળી જેવી પાયાની અને સામુહિક સેવાઓ જાહેર ક્ષેત્ર દ્વારા આપવાનું નકકી કર્યું! સ્વતંત્રતાની લડતમાં જોડાનારાં નાગરિકોની એ અપેક્ષા પણ હતી કે આઝાદીના લાભ તેમને પણ મળે! 1991 માં પ્રવાહ પલટાયો તે પહેલાં શિક્ષણ ક્ષેત્રે મુખ્યત્વે બે પ્રકારની સંસ્થાઓ હતી. સરકારી અને સરકારના આર્થિક સહયોગથી ચાલતી અનુદાનિત. સરકારી શાળા કોલેજોનું સંચાલન પણ સરકારના અધિકારીઓ દ્વારા જ થતું જયારે અનુદાનિત શાળા કોલેજોમાં સંચાલન ટ્રસ્ટ દ્વારા થતું. સરકાર માત્ર આર્થિક સંસાધનો પૂરાં પાડતી. સરકાર દ્વારા મુખ્યત્વે બે પ્રકારની ગ્રાંટ અપાય છે. એક સંસ્થાના નિભાવ માટેની અને બે સંસ્થામાં રોકવામાં આવેલા વહીવટીય તથા શૈક્ષણિક સ્ટાફના પગાર ખર્ચની ગ્રાન્ટ.

પહેલાંના સમયમાં સમાજમાં શિક્ષણની સુવિધાઓ વિકસે તે માટે શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો નાણાંભંડોળ ભેગું કરી શાળા કોલેજની સ્થાપના કરતા. જમીન ખરીદતા. મકાન બાંધતા, શૈક્ષણિક સામગ્રી ખરીદતા અને કર્મચારીઓને નોકરીએ રાખતા. જાહેર ટ્રસ્ટ તરીકે નોંધાયેલાં ટ્રસ્ટો જ આ સંસ્થાનું સંચાલન કરતાં અને સમાજમાંથી આર્થિક સહાય મેળવી ખર્ચને પહોંચી વળતા! સરકાર આ સંસ્થાઓને નિભાવ ખર્ચ માટે ગ્રાન્ટ આપતી! સમય જતાં સરકારે આ ટ્રસ્ટની શાળા કોલેજોમાં શિક્ષકો, અધ્યાપકોને પગાર આપવાનું શરૂ કર્યું! જે અત્યાર સુધી ટ્રસ્ટ ચુકવતું.

આજે પણ ગ્રાન્ટ ઇન એઇડ શાળા કોલેજોમાં શિક્ષકો અધ્યાપકોનો પગાર થાય છે તે સરકાર કરે છે. પણ ટેકનીકલી તો સરકાર જે તે ટ્રસ્ટને પગાર ગ્રાન્ટ જ ચૂકવે છે. ડાયરેકટ પેમેન્ટ સિસ્ટમના લીધે શિક્ષક અધ્યાપકના ખાતામાં જમા થાય છે, પણ મૂળમાં તે અપાય છે ટ્રસ્ટને! હવે વસ્તી વધતાં અને શિક્ષણની માંગ વધતાં સરકારી શાળાઓ કે ગ્રાન્ટ ઇન એઇડ શાળા કોલેજો પહોંચી વળે તેમ ન હતાં. વળી સમાજમાં થોડી આર્થિક સમૃધ્ધિ પણ વધી હતી. સંપન્ન અને રૂપિયા ખર્ચીને વસ્તુઓ, સેવાઓ ખરીદી શકે તે વર્ગને પૈસા ખર્ચીને શિક્ષણ મેળવવું હોય તો પણ વિકલ્પ મળવો જોઇએ.

આ વિચાર વહેતા થયા. આ સમયમાં 1991 માં સરકારે ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિનો સ્વીકાર કર્યો, જેના પગલે શિક્ષણનીતિમાં પણ 1992 માં સુધારો થયો. હવે સરકારની આર્થિક સહાય વગર જે સંસ્થા કે વ્યકિત શિક્ષણ સંસ્થા ચલાવવા માંગે છે તેને પણ મંજૂરી આપવાની નીતિ આવી. આ નીતિને લીધે મહારાષ્ટ્ર કે દક્ષિણનાં રાજયોમાં મોટા પાયે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ખાનગી ટ્રસ્ટ દ્વારા શરૂ થઇ. ‘ગુજરાતના છોકરાઓ બીજા રાજયમાં લૂંટાય છે એ ફરિયાદ દૂર કરવા ગુજરાતમાં પણ શિક્ષણ ક્ષેત્રે ખાનગી – શાળા કોલેજો શરૂ થઇ. વર્ષ ૨૦૦૦ પછી ગુજરાતમાં એન્જિનિયરીંગ, પી.ટી.સી., બી.એડ., બી.બી.એ., બી.એ. જેવી અનેક સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થઇ.

શરૂઆતમાં ગુજરાતના ઉચ્ચ મધ્યમ વર્ગને આ ખાનગી શાળા કોલેજો ખૂબ ગમી. જેના સામાજિક માનસિક કારણો હતાં અને છે અને આ ‘સ્ટેટસ સિમ્બોલ’ બનતું સેલ્ફ ફાયનાન્સ કલ્ચર હવે બોજારૂપ લાગવા લાગ્યું. ખાસ તો ઉચ્ચ વર્ગની દેખાદેખીથી સેલ્ફ ફાયનાન્સ તરફ દોડતો મધ્યમ વર્ગ હવે બરાબર ભરાયો છે અને દિલ્હીના સરકારી મોડલની ચર્ચા વધ્યા પછી ગુજરાતના શિક્ષણ જગતમાં ‘સેલ્ફ ફાયનાન્સ’ મોડલ ખાસું ટીકાસ્પદ બન્યું છે.

હવે મૂળ વાત એ છે કે આ ટીકા કેમ છે? ટીકા એટલા માટે છે કે ‘સેલ્ફ ફાયનાન્સ’નો ખરો અર્થ આ સંસ્થાના સંચાલકો, તેમાં જેમનાં બાળકો ભણે છે તેનાં માતા-પિતાઓ સમજયાં નથી. સત્તાવાળાએ આ સાચો અર્થ સમજવા દીધો નથી, સમજાવ્યો નથી અને સમજવાના પ્રયત્નો પણ કરવા દીધા નથી. ‘સ્વનિર્ભર સંસ્થા’ છે. વિદ્યાર્થી નહીં…. મતલબ કે શિક્ષણ સંસ્થા, નિર્માણ, નિભાવ કે કર્મચારીના પગાર માટે સરકાર પાસે આર્થિક સહાય માંગશે નહીં! શિક્ષણ સંસ્થાના કુલ ખર્ચ માટે નાનાં સાધનો જાતે જ ઊભાં કરશે!

સેલ્ફ ફાયનાન્સનો મતલબ એવો નથી કે બધો જ ખર્ચ વિદ્યાર્થી પાસેથી વસુલ કરવામાં આવશે! હા, વિદ્યાર્થી પાસેથી વાજબી ફી વસુલ કરી શકાય જે સરકારી શિક્ષણ ફી કરતાં વધારે હોય, પણ શિક્ષણ સંસ્થા બાંધકામના, જમીનની કીંમતના, સ્ટાફના, પગારના અને સંચાલકોના એશ આરામના તમામ ખર્ચા વિદ્યાર્થી ફીમાંથી વસુલ નથી કરવાના! કમનસીબે ભારતમાં ખાસ તો ગુજરાતમાં આ ન થયું! સંચાલકોએ પહેલાં બે – ત્રણ વર્ષમાં જ શિક્ષણ સંસ્થા શરૂ કરવાનો તમામ ખર્ચ વિદ્યાર્થીઓ પાસેથી વસુલી લીધો. સરકારે પણ કોઇ ધ્યાન ન આપ્યું. શિક્ષણ સંસ્થાઓ ‘નફો’ કરવા લાગી કારણ શિક્ષણનો વેપાર થયો!

ખેર, સમય છે. સેલ્ફ ફાયનાન્સ શિક્ષણ સંસ્થાઓ તેના સાચા અર્થને ચરિતાર્થ કરે! જો ગુજરાતનાં પ્રતિષ્ઠિત ટ્રસ્ટો જે સેલ્ફ ફાયનાન્સ કોલેજો, શાળાઓ ચલાવે છે તે બે કામ કરી શકે. એક તો વિદ્યાર્થી પાસેથી વાજબી ફી લે! અને બે, ઉત્તમ શિક્ષકો, અધ્યાપકો રાખે અને યોગ્ય વેતન ચૂકવે! જો આ મંડળો ધારે તો સમાજમાંથી કરોડોનાં દાન મેળવી શકે તેમ છે. આપણે ત્યાં અનેક ધર્મ, સંપ્રદાયો પાસે અબજોની મિલકત છે. તેઓ શાળા કોલેજો પણ ચલાવે છે. ઓછામાં ઓછું આ ટ્રસ્ટો ખરું ‘ધર્મકાર્ય’ કરે અને વાજબી દરે શિક્ષણ આપે!

જો વર્તમાન ટ્રસ્ટો આ કરવા તૈયાર ન હોય તો ખરેખર સમાજમાં વાજબી દરે શિક્ષણ આપવા માંગતા હોય તેવાં લોકોએ આગળ આવવું જોઇએ. ટ્રસ્ટ સ્થાપી, સમાજમાંથી નાણાં મેળવી બાળકોને શિક્ષણ અને શિક્ષકોને પગાર આપી બતાવવો! યાદ રાખો ભારતમાં જયાં નિષ્ઠા અને નિસ્બતપૂર્વક કામ થાય છે ત્યાં નાણાંપ્રવાહ આપોઆપ આવે છે!નવા ભારતનું નિર્માણ કરવું હશે તો શિક્ષણમાંથી પણ કમાઇ લેવાની વૃત્તિ છોડવી પડશે… સરકારે છોડાવવી પડશે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top