SURAT

ગ્રીષ્માની જેમ ભવિષ્યમાં કોઈ બહેન, દીકરી સાથે અપ્રિય ઘટના નહીં બને તે માટે સુરત પોલીસે સ્પેશ્યિલ ટીમને સક્રિય કરી

સુરત: સરાજાહેર તાલીબાની સ્ટાઈલમાં 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયાની હત્યાના વાયરલ થયેલા વીડિયોએ લોકોને હલાવી મૂક્યા છે. પોલીસ અને રાજકારણીઓ પણ અંદરથી હચમચી ઉઠ્યા છે. આવા ગુન્હાને કોઈ કાળે સાંખી નહીં લેવાય તેવો ઈરાદો તંત્રએ કરી લીધો છે અને એટલે જ ભવિષ્યમાં ગ્રીષ્માની જેમ કોઈ બહેન, દીકરી સાથે અપ્રિય ઘટના નહીં બને તે માટે સુરત પોલીસ દ્વારા એક સ્પેશ્યિલ ફોર્સને સક્રિય કરવામાં આવી છે.

ગ્રીષ્મા હત્યાકાંડને (Grishma Murder) પગલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસની ‘‘શી’’ ટીમને (She Team) એક્ટિવ (Active) કરી છે. દરેક પોલીસ સ્ટેશનમાં ચારથી છ મહિલાઓને સ્પેશયલ ટ્રેનિંગ આપવામાં આવી છે. તેઓ મહિલાઓને અને બાળકીઓને શાળાઓમાં અને સેમિનારમાં સમજણ આપશે. આ ઉપરાંત આ ‘‘શી’’ ટીમ મંદિરો, થિયેટર હાઉસ, કોલેજ અને સ્કૂલની આસપાસ ફરશે. તેમાં રોમિયોને શોધીને તેઓને ઠેકાણે પડશે. આમ તો ‘શી’ ટીમ પહેલેથી જ કાગળ પર બોલે છે. પરંતુ લાંબા સમય પછી કમિ અજય તોમરે આ ‘શી’ ટીમને એક્ટિવ થવા માટે આદેશ આપ્યો છે. આ ટીમો દ્વારા શાળાઓમાં બાળકી અને કોલેજોમાં યુવતીઓને કેવી રીતે પ્રોટેકશન મેળવવુ તે માટે ટ્રેનિંગ આપવા જણાવ્યું છે. છેલ્લા બે દિવસમાં સાત જેટલી સ્કૂલોમાં આ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે.

  • ભવિષ્યમાં કોઈ બહેન, દીકરી સાથે અપ્રિય ઘટના નહીં બને તે માટે સુરત પોલીસની સકારાત્મક પહેલ
  • ગ્રીષ્મા હત્યાકાંડ બાદ દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ એક્ટિવ
  • દરેક પોલીસ સ્ટેશનમાં છ જેટલી મહિલા પોલીસને જવાબદારી સોંપાઇ
  • બચ્ચા બચ્ચા જાનતા હૈ એક ફોન દૂર હું મૈં, સુરત પોલીસનો નવો વીડિયો વાયરલ

આ માટે સુરત પોલીસે એક વીડિયો બનાવ્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયોમાં અલગ-અલગ ઈમરજન્સી સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે 100 નંબર પર ફોન કરવામાં આવે છે. અને પોલીસ તરત જ દોડી જઈ તે લોકોને મુશ્કેલીમાંથી ઉગારે છે. આ વીડિયોમાં પોલીસ મેસેજ આપે છે કે ‘બચ્ચા બચ્ચા જાનતા હૈ એક ફોન દૂર હું મૈં, તું ક્યોં હોંસલા હારતા હૈ..’આ વીડિયોના માધ્યમથી પોલીસ શહેરના નાગરિકોને મેસેજ આપે છે કે તેઓ 100 નંબર પર ડાયલ કરી પોલીસની મદદ મેળવે. પોલીસ માત્ર 5થી 8 મિનીટમાં જ રિસ્પોન્સ કરશે. ઘટનાસ્થળે પહોંચી તમને કોઈ પણ મુશ્કેલીમાંથી બચાશે.

ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ બાદ સુરત પોલીસ સફાળી જાગી છે. હત્યારો ફેનિલ ગ્રીષ્મા જ્યાં રહેતી હતી તે સોસાયટીની બહાર બે રેમ્બો ચપ્પુ લઈને ફરી રહ્યો હતો. ગ્રીષ્માના કાકાના પેટમાં ચપ્પુ હુલાવ્યું અને પછી ગ્રીષ્માને પકડી લીધી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન જો કોઈએ પણ પોલીસને ફોન કરી દીધો હોત તો કદાચ ગ્રીષ્મા આજે આપણી વચ્ચે હયાત હોત, પરંતુ ત્યારે એવું બન્યું નહીં. પરંતુ હવે ભવિષ્યમાં કોઈ બહેન, દીકરી કે શહેરના નાગરિકો સાથે કોઈ અપ્રિય ઘટના નહીં બને તે માટે સુરત પોલીસે એક સકારાત્મક પહેલ હાથ ધરી છે.

Most Popular

To Top