National

શરદ પવારે કરી બે કાર્યકારી પ્રમુખોની જાહેરાત, સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને સોંપી જવાબદારી

એનસીપીમાં (NCP) સંગઠનમાં શનિવારે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. NCPમાં શરદ પવાર વતી બે કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જેમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેનું નામ પણ સામેલ છે. જ્યારે બીજું નામ પ્રફુલ પટેલનું (Prafull Patel) છે. તો બીજી તરફ તેમણે પોતાના ભત્રીજા અજીત પવારને આ જવાબદારીમાંથી બાકાત રાખ્યા છે. એનસીપીમાં શરદ પવારના ભત્રીજા અજિત પવારને (Ajit Pawar) આ મહત્વપૂર્ણ પદ ન આપવું એ પોતાનામાં ઘણા રાજકીય સંકેતો આપે છે. પવારે આ જાહેરાત NCPની સ્થાપનાની 25મી વર્ષગાંઠના અવસર પર કરી હતી.

જણાવી દઈએ કે ગયા મહિને શરદ પવારે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં હોબાળો થયો હતો. જે તેમના રાજીનામું પાછું ખેંચી લીધા પછી જ શમી ગયો હતો. જો કે તેના કારણે પાર્ટીમાં આંતરિક હિતો સાથે જોડાયેલા મુદ્દા સપાટી પર આવ્યા હતા.

એનસીપીમાં શરદ પવારના ભત્રીજા અજિત પવારને કાર્યકારી પ્રમુખનું મહત્વપૂર્ણ પદ ન આપવું આવનારા સમયમાં રાજકીય ઉથલપાથલ સર્જી શકે છે. શરદ પવારે આ જાહેરાત NCPની સ્થાપનાની 25મી વર્ષગાંઠના અવસર પર કરી હતી. આ દરમિયાન અજિત પવાર મંચ પર જ હાજર હતા. પવારે પ્રફુલ્લ પટેલને રાજ્યસભા ઉપરાંત મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ, ગોવા રાજ્યોની જવાબદારી સોંપી હતી. સાથે જ સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, યુપી અને લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે.

એનસીપી વડા શરદ પવારે 2024ની લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી એકતા પર ભાર મૂકતા કહ્યું કે તમામ વિપક્ષી દળોએ સાથે આવવું પડશે. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે આ દેશના લોકો આપણને મદદ કરશે. 23 જૂને આપણે બધા બિહારમાં મળી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે ચર્ચા કર્યા પછી એક કાર્યક્રમ લઈને આવીશું અને દેશભરમાં ફરીને તેને લોકો સમક્ષ રજૂ કરીશું.

Most Popular

To Top