Comments

શરાબ ચીજ હી ઐસી હૈ…

મુંબઇનાં પરાં અને ગુજરાતનાં નગરો (ખાસ કરીને પાલઘરથી અમદાવાદ સુધીનાં શહેરો) વચ્ચે કોઇ ખાસ ફરક હોય તો તે એ કે મુંબઇમાં દારૂબંધી નથી. ગુજરાતમાં છે. તળ અથવા બ્રિટિશરો સમયનું મુંબઇ થોડું અલગ દેખાય, ત્યાં પણ હવે હિન્દુસ્તાની કલ્ચર, ગંદકી અને ગીરદી કરવાનું કલ્ચર ફેલાઇ ચૂક્યું છે. છતાં એક ખૂબ મોટો વર્ગ ગુજરાતમાં રહેવા કે ફરવા માટે આવવાનું પસંદ કરતો નથી. તેઓને ગુજરાતની દારૂબંધી નડે છે અને ખુદ ગુજરાતને પણ નડે છે. અમારા એક સુરતી મિત્ર પેઢીઓથી મુંબઇમાં વસે છે. સુરતમાં તેઓનો ઔદ્યોગિક કારોબાર છે. એ હંમેશા કહે કે, ‘ગુજરાતમાં દારૂબંધી ન હોય તો હું સુરતમાં રહેવા આવી જાઉં.’ હવે ગુજરાત સરકારે જે વ્યવહારુ નિર્ણય, આંશિક તો આંશિક લીધો છે તે ઘણાં વરસો પૂર્વે લેવાની જરૂર હતી. એક દારૂબંધી ન હોવાથી દમણ, દીવ, દાદરા નગર હવેલી (સેલવાસ), આબુ રોડ જેવાં શહેરોની શકલ નખશિખ બદલી જાય તો ગુજરાતમાં શરાબબંધી ન હોય તો વિચારો કે કેવડો મોટો ફરક પડે?

એ કોઇ નવી વાત નથી કે શરાબ કોઇના પણ આરોગ્ય માટે ખૂબ ખરાબ ચીજ છે અને કોઇ તેનો ઇન્કાર કરતું નથી. પરંતુ શરાબબંધી તેનો કોઇ ઉપાય નથી. તેના થકી તો અનેક લોકો તત્કાળ માર્યા જાય છે. ઘણી બાબતો આદર્શ તરીકે ખૂબ સારી જણાય. પણ વ્યવહારમાં કે અમલમાં મૂકો ત્યારે તેના સારાંને બદલે માઠાં પરિણામો આવવા લાગે. જમાનાઓ અને યુગોથી વપરાતી આ ચીજ ઘરે બનાવી શકાતી હોય ત્યારે પોલીસને એ જવાબદારી સોંપી ન શકાય કે દરેકના ઘરે જઇને તપાસ કરે. પોલીસની ઇચ્છા હશે કે દરેકના ઘરે જઇને તપાસ કરે, દરેકને યોગ્ય જીવન જીવવા માટે મજબૂર કરે, કારણ કે ઘણા તેમાંથી જ અદ્યતન બંગલાઓના માલિક બન્યા છે.

નવસારી પોલીસ સ્ટેશનના એક હવાલદાર રજા લઇને ખાનગી ધોરણે, યુનિફોર્મ ધારણ કરીને દમણ ચેકનાકા નજીક ઊભા રહી જતા અને હપ્તાવસૂલી કરતા. એમની પોલીસસેવામાં એમનું સઘળું ધ્યાન, તમામ જીવન એમણે દારૂબંધી દ્વારા મળનારી બેસુમાર આવકને સમર્પિત કરી દીધું હતું. એક ખરેખર ફરજનિષ્ઠ પોલીસ અધિકારીની ચબરાક નજરમાં એ હવાલદાર પકડાઈ ગયો. કાર્યવાહી કરી. પણ વાસ્તવમાં આ દારૂબંધીની કમાણી બાબતે આભ ફાટ્યું ત્યાં થીંગડું દેવાની વાત છે. ગુજરાતનો સમગ્ર પોલીસ વિભાગ દારૂબંધીની લપેટમાં નહીં, પણ દારૂબંધીની માયામાં લપેટાઈ ગયો હતો અને હજી છે. માત્ર ગાંધીનગરના ગિફટ સિટી પૂરતી જ હમણાં શરાબબંધી દૂર કરાઈ છે. દારૂબંધીએ જે કમાણીની, કાળાધંધાની નવતર રસમો  કરી છે તે બાબતની મનોહર કહાનિયાંથી ગુજરાતના લગભગ તમામ લોકો વાકેફ છે.

દારૂબંધીના ફાયદા પણ જરૂર હશે. નવા વ્યસનીઓ પેદા થતા અટકે છે. છતાં એ પણ ખરું છે કે જેમને પીવો હોય એ શોધી લે છે. મોટી રકમ, બેવડી કે ત્રણ ગણી ચૂકવીને મેળવે છે. પોલીસને રાજી રાખીને મેળવી લે છે અને જેઓને નથી પીવો તેઓ રેલમછેલ હશે તો પણ નથી પીવાના. દારૂબંધીને કારણે પીનારાઓને હલકી કક્ષાનો, નુકસાનકારક શરાબ પીવાની પણ ફરજ પડે છે. વળી તેઓ એક સાથે પીને મરી ન જાય તે જોવાની જવાબદારી પોલીસની રહે છે. ભારત જેવડા એક જ કલ્ચર, સંસ્કૃતિના દેશમાં દમણમાં પીવાય, વાપીમાં ન પીવાય.

દીવમાં પીઓ તો સ્ટેટસ ગણાય અને બાજુના ઊનામાં પીઓ તો ગુનો ગણાય. આ પ્રકારનો અવાસ્તવિક ભેદભાવ ગુજરાત જેવા સહનશીલ રાજ્યમાં જ આટઆટલાં વરસો સુધી ચાલે અને ટકી શકે. જૂના કોંગ્રેસીઓ જેવા કે મોરારજી દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ, ડો. જીવરાજ મહેતાની ઇચ્છા મુજબ ગુજરાતનાં લોકો મને કમને હજી જીવી રહ્યાં છે. મોરારજીભાઈ વડા પ્રધાન બન્યા ત્યારે એમની ઇચ્છા તો આખા ભારતમાં શરાબબંધી લાદવાની હતી. ગુજરાતનાં પરિણામો બતાવે છે કે લાદી હોત તો તેઓ કશું (ગેરકાયદે દારૂ સિવાય) ખાસ ઉકાળી શકવા ન હોત.

ઊલટાના અનેક લોકો વહેલાસર મરી ગયા હોત. મોરારજીભાઈએ એ વાતનો અભ્યાસ નહીં કર્યો હોય કે તંબાકુ સેવનને કારણે પણ પુષ્કળ લોકો માર્યા જાય છે. શરાબબંધી લટકી ગુજરાત સરકારે આર્થિક વિકાસને કુંઠિત કર્યો હતો. જ્યારે એ સમજાયું કે વિદેશોના કે દેશના બિઝનેસમેન પ્રવાસીઓ ગુજરાતમાં શરાબબંધીને કારણે આવતાં સંકોચાય છે ત્યારે આ નિર્ણય લેવો પડ્યો છે. આગાહી પછી ભારતના જે માત્ર બે રાજ્યોમાં શરાબબંધી લાગુ પડી હતી તેમાં ગુજરાત અને તામિલનાડુ હતા. દશકો અગાઉ તામિલનાડુ એ ખોટા વળગણમાંથી નીકળી ગયું અને દારૂબંધી દૂર કરી. ગુજરાત હજી સુધી વળગી રહ્યું છે.

દારૂબંધી દૂર થશે તો દેશી ભઠ્ઠીઓવાળા અને પોલીસ તેમજ નેતાઓની આવક ઓછી થશે, પણ રાજ્યની તિજોરી છલકાઇ જશે. ઔદ્યોગિક વિકાસ ઝડપી બનશે. રાજ્યમાં હોટેલો અને પ્રવાસન ઉદ્યોગ ખીલશે. અમુક પીનારાઓનાં આરોગ્ય બગડશે અને અમુકનાં સુધરશે. તેઓ સારા માલ પીતાં થશે. શરાબ બંધીના ફાયદા અને ગેરફાયદા સચોઢપણે જાણવા માટે મશીન બુદ્ધિ અર્થાત એઆઇ આધારિત અલ્ગોરિધમની જરૂર પડે તેમ છે.

એમ જ ઉપર ઉપરથી કહી ન શકાય કે ફાયદો થાય છે કે નુકસાન જાય છે? પણ એટલું જરૂર કહી શકાય કે જેનો અસરકારક અમલ શક્ય નથી તેની પાછળ પોલીસનો સમય બરબાદ કરવો તેમાં ડહાપણ નથી. અમુક દૂષણોનું નિયમન થઈ શકે અને એ રીતે શરાબના યોગ્ય ફાયદા મળે તે મુજબ તેનું નિયમન થવું જોઇએ. જો શરાબ પીવાથી પાયમાલ થવાનું હોય તો અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ચીન, રશિયા, જપાને આટલી પ્રગતિ કરી ન હોત અને કોઇક પાયમાલ થાય કે બગડી જાય તેને દરેકની બાબતમાં સાચું માની ન લેવું જોઇએ. જો સંસ્કારોની પાયમાલી થતી હોય તો યુરોપ, અમેરિકાનાં લોકો કરતાં ભારતનાં લોકો ખૂબ વધુ ભ્રષ્ટાચાર કરે છે. ખૂબ ખોટું બોલે છે.

વાસ્તવમાં આ બંને અલગ અલગ બાબતો છે. માણસ તરીકે ઉત્તમ હોય એવા શરાબીઓ પણ જોવા મળે છે અને શરાબ પીધા વગર નિમ્નતમ હોય એવાં લોકો પણ છે. છતાં શરાબ પીને વિવેકભાન ગુમાવવું, અકસ્માતો કરવા, છેડખાની-બળાત્કાર વગેરેને અંજામ આપવો વગેરે ઘટનાઓનું પ્રમાણ વધી શકે છે. તે માટે યોગ્ય નિયમન હોવું ઘટે. ગુજરાતમાં તો અકસ્માતો સમથાયે ક્યાં ઓછા થાય છે? જેઓની પાસે રેવાળ દોડતી મોટી મોટરકારો છે તેઓને શરાબ પીવી હોય તો મળી પણ રહે છે. દારૂબંધી એ રીતે નિષ્ફળ ગયેલી જ છે. દારૂબંધી દૂર કરવાથી પોલીસની અન્ય કામગીરીઓમાં સુધારો થશે. પકડેલાં વાહનો પોલીસ સ્ટેશનની આસપાસ ધૂળ ખાતા અને ગીરદી કરતાં ઓછા થશે.

વલસાડ રૂરલ અને સિટી પોલીસની કચેરીઓ વચ્ચેની ગલીઓમાં મોટરગાડીઓ ભંગારમાં ફેરવાઈ જાય એટલાં વરસો એમ જ પડી રહે છે. જો સરકાર પાસે તેને પાર્ક કરવાની જગ્યા ન હોય તો પકડતાં શું કામે છો? જો કે બધાં વાહનો દારૂની હેરફેર માટે પકડાયેલાં નથી હોતાં. છતાં મોટા પ્રમાણમાં હોય છે. દારૂબંધી બાબતે ગુજરાત સરકારે એક સમિતિનું ગઠન કરી, કોઇક વ્યવહારુ અને પ્રજાને ગળે ઊતરે એવો નિર્ણય લેવો જોઇએ. બિહારમાં નીતિશકુમારે લાદતાં તો લાદી દીધી છે, પણ હવે સારાંને બદલે ખરાબ પરિણામો વધુ સામે આવી રહ્યાં છે. જો આખું જગત શરાબમય હોય તો ગુજરાત નહીં પીએ તો પણ શો ફરક પડવાનો?
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top