Business

ફિલ્મ ‘તીસરી કસમ’ શું શૈલેન્દ્રના મૃત્યુનું કારણ બની હતી?

જેમ ફિલ્મમાં વાર્તા હોય છે તેમ ફિલ્મ (Film) કેવી રીતે બની તેની ય વાર્તા હોય છે. ‘મુગલ-એ-આઝમ’, ‘મધર ઇન્ડિયા’થી માંડી ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘બરસાત’, ‘મેરા નામ જોકરો’, ‘ગાઇડ’, ‘શોલે’, ‘આરાધના’, બન્યાની કહાણી લોકો આજે પણ યાદ કરે છે. એવી જ એક કહાણી ‘તીસરી કસમ’ (Teesri Kasam) ની છે. લોકો આજે પણ નથી ભુલ્યા કે આ ફિલ્મના કારણે જ માત્ર 43 વર્ષની ઉંમરે શૈલેન્દ્રજીનો જીવ ગયો હતો. ઘણા લોકો માને છે કે રાજકપૂરે સહકાર નહોતો આપ્યો તેથી પણ ગીતકાર (Lyricist) શૈલેન્દ્ર (Shailendra) ઘવાયેલા અને ફિલ્મ બનાવવામાં મોડું થતાં ખર્ચ વધી ગયો હતો. આપણે ઘણી વખત આરોપો લગાડતી વેળા વિચારતા નથી કે સત્ય શું હતું. શૈલેન્દ્રએ જયારે ‘તીસરી કસમ’ના નિર્માણનું વિચાર્યુ અને રાજકપૂરને તે વિશે કહ્યું તો રાજજીનો પહેલો પ્રતિભાવ એ હતો કે, ‘કવિરાજ, ફિલ્મનું નિર્માણ તમારા જેવા કોમલ હૃદયના સર્જનશીલ લોકોનું કામ નથી. તમે આ ઝંઝટમાં ન પડો તો સારું!’ પરંતુ શૈલેન્દ્રજીને વાર્તા એવી ગમી ગઇ હતી કે તેઓ જાતને રોકી શકે તેમ ન હતા એટલે કહ્યું, ‘પણ મારે આ ફિલ્મ બનાવવી જ છે! રાજજીએ પોતાના મિત્ર શૈલેન્દ્ર સામે હાર માનીને કહ્યું, ‘તો ભલે, બનાવો. મારું કામ તો સલાહ આપવાનું હતું.’

શૈલેન્દ્રએ ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી. ફણીશ્વરનાથ રેણુની વાર્તાનું શીર્ષક, ‘મારી ગયે ગુલફામ’ હતું અને તેમાં તેનો નાયક ત્રણ વાર કસમ ખાય છે શૈલેન્દ્રએ ‘તીસરી કસમ’ શીર્ષક નક્કી કર્યું હતું. એ વાર્તાનો નાયક સાવ સાધારણ એવો એક ગ્રામ્યજન હતો. બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શક તરીકે વિચારાયેલા અને તેમના મનમાં આ ગ્રામ્યજનની ભૂમિકા માટે મોહન સ્ટૂડિયોમાં સાઉન્ડ રેકોર્ડિસ્ટ તરીકે કામ કરતા જયોર્જ ડિક્રુઝાને લેવા વિચાર હતો. શૈલેન્દ્રએ બાસુ ભટ્ટાચાર્યને કહ્યું કે ‘તમે બીજા પાત્રો વિશે નક્કી કરતા જાઓ. એટલે આપણે ફાઇનલ કરીએ! બાસુદાએ નાયિકા માટે નૂતનને લેવાનો નિર્ણય કર્યો. નૂતનનો વિચાર આવ્યો એટલે હવે જયોર્જ ચાલે એમ ન હતો એટલે કોઇ જાણીતા અભિનેતાજ વિચારવા પડે તેમ હતા. શૈલેન્દ્રના મનમાં સંગીતકાર તરીકે તો શંકર-જયકિશન નક્કી જ હતા કારણ કે તેમની સાથે વર્ષોથી કામ કર્યું હતું. ગીતપોતે જ લખવાના હતા પણ હસરત મિત્ર હતા તો તેની પાસે ‘દુનિયા બનાનેવાલે’ અને ‘મારે ગયે ગુલફામ’ ગીતો લખાવ્યા. કેમેરામેન તરીકે બાસુ ભટ્ટાચાર્યએ સત્યજીત રેના કેમેરામેન સુબ્રતો મિત્રાને નક્કી કર્યા હતા તો શૈલેન્દ્રએ કહ્યું કે ભલે તમને તે યોગ્ય લાગે તો તેને જ લઇએ. પટકથા-સંવાદ માટે બિમલ રોય, ઋષિકેશ મુખરજીના કેવરીટ નબેન્દુ ઘોષ નક્કી થયા.

બાસુ ભટ્ટાચાર્યએ જ કળાકારો પસંદ કરવાના હતા એટલે પેલા જયોર્જનો વિચાર કેન્સલ થયો ને તેની જગ્યાએ મહેમુદને લેવાનું નક્કી કર્યું. જો કે શૈલેન્દ્રના મનમાં તો રાજ કપૂર જ હોય પણ તેઓ એમ વિચારતા હતા કે રાજ ભલે મિત્ર છે પણ સ્ટાર છે ને સ્ટારની ફી તો મોટી હોય છે. મૈત્રી છે એટલે ફી ઓછી કરવાનું કહેવું યોગ્ય ન કહેવાય. બાસુ ભટ્ટાચાર્ય એમ વિચારતા હતા કે ગોરા ને પઠાણી રાજ કપૂર બિહારના ગામડીયા તરીકે કોઇપણ રીતે શોભશે નહીં. તેમને એવો પણ ડર હતો કે દિગ્દર્શક તરીકે પહેલી જ ફિલ્મ છે તો રાજકપૂર કે જે સ્વયં ઉત્તમ દિગ્દર્શક પણ છે તે હીરો તરીકે કામ કરવા તૈયાર થશે? 30 એપ્રિલ 1961નાં લતાજીના અવાજમાં ‘આ આભી જા’ને મુકેશના અવાજમાં ‘સજન રે જૂઠ મત ભોલો’ ગીતનાં રેકોર્ડિંગ સાથે ફિલ્મનું મુહૂર્ત થયું ત્યારે નૂતન, મહેમુદ, દુલારી, કૃષ્ણ ધવન, ઇફતેખાર, અસિત સેન નક્કી થઇ ચુકયા હતા.

શૂટિંગ શરૂ થવામાં હતું ને શૈલેન્દ્ર રાજકપૂરને હંમેશ મળતા તેમ મળવા ગયા એટલે રાજજીએ પૂછયું કે, ‘ફિલ્મનું કામ કયાં પહોંચ્યું? હીરો કોણ નક્કી કર્યો?’ શૈલેન્દ્રએ કહ્યું કે ‘મહેમૂદ’. એટલે રાજજી સ્પષ્ટ અવાજમાં અધિકારપૂર્વક બોલ્યા, ‘કવિરાજ, તમારી ફિલ્મનો હીરામન હું છું.’ શૈલેન્દ્ર તો ખુશ થઇ ગયા કારણ કે રાજકપૂર હા પાડે એટલે ફિલ્મ અડધી જીતાઇ ગઇ કહેવાય. પણ શૈલેન્દર્ને જે ચિંતા હતી, ‘પણ તમારી ફી મારાથી નહીં ચુકવાશે.’ રાજકપૂર-હીરામનનું પાત્ર ભજવવાનું ચુકવા માંગતા નહોતા ને મિત્ર શૈલેન્દ્રની ફિલ્મ હતી એટલે કહે, ‘પણ એક રૂપિયો ફી તો આપી શકો કે નહીં?’ શૈલેન્દ્રને આશ્ચર્ય થયું પણ રાજજીએ ફરી દોહરાવ્યું, ‘બસ એક રૂપિયો આપજો પણ હીરામન તો હું જ છું.’ પણ ત્યાં નૂતને ના પાડી. કારણ એ હતું કે ત્યારે તે ગર્ભવતી હતા. હવે? વિચારાયું કે મીનાકુમારીને કહીએ પણ પૂછવા ગયા તો કમાલ અમરોલી કહે કે મુંબઇ બહાર શૂટિંગ હોય તો મીના કામ નહીં કરશે. પછી વહીદા રહેમાન વિચારાયા કારણ કે હીરાબાઇ નૌટંકી નૃત્યપણ કરનારી હતી તો તેમાં તે બરાબર જ હતા.

 શૈલેન્દ્ર ગુરુદત્ત પાસે ગયા કારણ કે ત્યારે ગુરુદત્ત નક્કી કરતા કે વહીદા માટે કઇ ફિલ્મ યોગ્ય. પાત્ર સાંભળ્યાપછી ગુરુદત્તે કહ્યું કે વહીદા આ ભૂમિકા કરશે. અને આમ રાજ વહીદાજીની જોડી બની ગઇ. પણ શૂટિંગનાં અનુભવ પછી રાજ કપૂરને લાગેલું કે શૈલેન્દ્ર ખોટા દિગ્દર્શકના હાથમાં ફસાયા છે. બાસુ ભટ્ટાચાર્યને દિગ્દર્શનની પૂરતી સમજ જ નથી. પણ શૈલેન્દ્ર હવે બાસુદાને પડતા મુકવા માંગતા ન હતા. ફિલ્મમાં બાસુના સહાયક બી.આર. ઇશારા હતા તો તેમને વધારે જવાબદારી સોંપવામાં આવી. રાજકપૂરને કેમેરામેન સુબ્રતો મિત્રા સાથે ય પ્રશ્નો થતા હતા પણ તે ઉકેલાય જતાં. પરંતુ ફિલ્મ સમય પ્રમાણે પુરી થતી ન હતી. શૈલેન્દ્રએ ઘણાના ખોટા ખર્ચપણ ઉપાડવા પડેલા અને તેમાં ઘણા તો સગા જ હતા. ફિલ્મ પાંચ લાખમાં બનાવવાની હતી અને એટલા રૂપિયા ખર્ચાયા ત્યારે તો હજુ અડધી ફિલ્મ પણ બની નહોતી. ખર્ચ વધતો ગયો એટલે નાણા ધીરનારા પાછા પડતાગયા. ફિલ્મ મોડી પડતી ગઇ ને રાજકપૂરે આર.કે. ફિલ્મ્સ માટે બીજી ફિલ્મ બનાવવાની હોય.

તેમણે ‘સંગમ’ બનાવવી શરૂ કરી એટલે ‘તીસરી કસમ’ને તારીખ આપવી મુશ્કેલ થવા માંડી. રાજ કપૂરનું એવું કે ફિલ્મ બનાવવી શરૂ કરે પછી દરેક પાસામાં એટલા ખોવાય જાય કે ઘરે જવું પણ બાજુ પર રહી જાય. શૈલેન્દ્ર શું કરે? તેમાં વળી બાસુ ભટ્ટાચાર્ય વધારે પૈસા માંગે તે ન આપ્યા તો ફિલ્મ છોડી દીધી. બધી સમસ્યાઓ પછી 1961માં શરૂ થયેલી ફિલ્મ 1966માં બની. ફિલ્મને રજૂ કરવામાં ય મુશ્કેલીઓ નડી ને એ દરમ્યાન શૈલેન્દ્ર એટલો દારુ પીવા લાગેલા કે સિરોયસીસનો રોગ લાગુ પડી ગયો. 13 ડિસેમ્બરના રોજ કોલાબાની હોસ્પિટલમાં દાખલ કરાયા ને 14 ડિસેમ્બરે મૃત્યુ પામ્યા. એ રાજ કપૂરનો જન્મ દિવસ હતો. મૃત્યુના ચાર મહિના પછી રાષ્ટ્રીય પુરસ્કારો જાહેર થયા તેમાં ‘તીસરી કસમ’ સર્વશ્રેષ્ઠ ફિલ્મ જાહેર થઇ પણ શૈલેન્દ્રજી જ નહોતા.

Most Popular

To Top