Charchapatra

ગંભીર બેદરકારી

તા. ૩૧ જુલાઇ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૭ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સ્મીમેર, મસ્કતી, નવી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જ નથી. તક્ષશિલા દુર્ઘટના બન્યા પછી સફાળી જાગેલી મ્યુ કોર્પોરેશને ફાયર સેફ્ટી માટે અભિયાન આદર્યું હતું અને સમાચાર પ્રમાણે મોટા ભાગની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા હવે ઉપલબ્ધ છે. પણ ખાટલે મોટી ખોડ તે સુરત મ્યુ. કોર્પોરેશનના સંચાલન હેઠળની સ્મીમેર, મસ્કતી હોસ્પિટલમાં તેમ જ સરકાર સંચાલિત નવી સિવિલ હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીની સુવિધા અસ્તિત્વ ધરાવતી નથી.

આને ગંભીર બેદરકારી નહીં તો શું કહેવાય? આને અક્ષમ્ય બેદરકારી પણ કહી શકાય. દર્દીઓની જિંદગી સાથે આ જાહેરમાં રમત રમાઈ રહી છે અને છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી એ કેવું? ‘ગુજરાતમિત્ર’માં સાચે જ જણાવાયું છે કે દીવા તળે અંધારું અને જ્યાં દીવા તળે જ અંધારું હોય તેવી હોસ્પિટલોમાં જો આગ લાગે તો ત્યાં દાખલ થયેલાં દર્દીઓની જિંદગી પર મોટું જોખમ જ ઊભું થાય.

ફાયર સેફ્ટીની સુવિધા હોય પણ તેને ચલાવતાં ન આવડતું હોય તો કોઈ ફેર પડે નહીં એટલે થોડા સમય પહેલાં જયારે શહેરમાં બે-ત્રણ આગના ઉપરાછાપરી બનાવો બન્યા હતા અને ત્યારે એકાદ જગ્યાએ ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે કોઈને ખબર ન હોવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી.ત્યાર પછી ફાયર સેફ્ટીનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે મોકડ્રીલનું આયોજન થયું હતું એવું ધ્યાનમાં છે પણ પછી પાછું બધું ઠેરનું ઠેર. આવી જ બેદરકારી નવા રસ્તા બનાવવાના કે રસ્તા રીપેરીંગમાં પણ તેમ જ અન્ય પ્રજાલક્ષી કામોમાં જોવા મળે છે. આશા રાખીએ કે હાલના સત્તાધીશોની આવા પ્રજાજોગ પ્રશ્નો પ્રત્યે સજાગ બની ઉદાસીનતા ખંખેરીને બેદરકારી દાખવવાનું દૂર કરશે તો આપણા શહેરની પ્રજાની બહુ મોટી સેવા કરેલી ગણાશે. સુરત      – સુરેન્દ્ર દલાલ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top