Gujarat Main

ગુજરાતીઓને શેરબજારની ટીપ્સ આપતા ઓપરેટરો પર સેબીના દરોડા

અમદાવાદ: છેલ્લાં કેટલાંક સમયથી શેરબજારમાં (Sensex) આગઝરતી તેજી જોવા મળી રહી છે. શેરબજાર રોજ નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યું છે. ત્યારે શેરબજારમાં રોકાણ કરવા માટે લોકો ઉત્સુક બન્યા છે. શેરબજારમાં રોકાણ કરી કમાણી કરવા ઉત્સુક લોકોને ઠગતા લોકોની પણ ફોજ બજારમાં ઉતરી પડી છે. ટીપ્સ આપવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવતા આવા ઓપરેટરો પર સેબીએ (SEBI) સકંજો કસ્યો છે.

  • સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત 100 ઠેકાણે તપાસ
  • બે ઓપરેટરો સકંજામાં, પેની શેર્સની ટીપ્સ આપતા હતા
  • રાજકોટમાં એક ઓપરેટરની અટકાયત

સેબીએ સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દરોડા પાડ્યા છે. બે ઓપરેટરો પર સેબીએ સકંજો કસ્યો છે અને 100થી વધુ ઠેકાણા પર તપાસ ચાલી રહી છે.

પ્રાથમિક વિગતો અનુસાર શેરબજાર સાથે સંકળાયેલા ઓપરેટરો પર દરોડા પાડવામાં આવ્યા છે. રોકાણકkારોને ગેરમાર્ગે દોરતી ટીપ્સ આપનારા રાજકોટના એક શખ્સની અટકાયત કરાઈ છે. સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલની સેબી પૂછપરછ કરી રહી છે. આ ઓપરેટર્સ પેની શેર્સ ખરીદવાની સલાહ આપતા હતા. જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અન્ય એક વ્યક્તિનું બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરાતો હતો. તે ખાતાધારકને સેબી શોધી રહ્યું છે.

આ ઓપરેટરો શેરના ભાવમાં ગેરરીતિ કરી નાની કંપનીના શેર્સને ગેરકાયદે રીતે બજારમા ઉતારી કૃત્રિમ તેજી રચી રહ્યાં હોવાની આશંકા છે. તપાસમાં સામે આવ્યું છે કે ઓપરેટર્સે વ્હોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ મારફત સ્ટોક ટિપ્સ આપતા હતા. રોકાણકારોને આકર્ષવા તેમને આ ગ્રુપમાં સામેલ કરી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર જાહેરાતો કરતા હતા. આ ઓપરેટરો 10 રૂપિયાના પેની શેર્સને ખરીદવાની સલાહ આપી તે શેર્સને 100 રૂપિયા સુધી પહોંચાડવામાં આવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Most Popular

To Top