Vadodara

કોર્પો.ના ગાર્ડન વિભાગમાં ડુપ્લીકેટ પાવતીનું કૌભાંડ: 90 લાખની ઉચાપત થઇ હોવાની આશંકા

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ક એન્ડ ગાર્ડન વિભાગ ના કર્મચારી દ્વારા આજવા સ્થિત બાગ અને પાર્કિંગના ઇજારાની ફીની રકમની ડુપ્લીકેટ પાવતી બનાવીને અંદાજે રૂ.90 લાખની ઉચાપત કરી હોવાની પ્રાથમિક માહિતીની વાત ચર્ચા મા આવી છે. પરંતુ તેની સામે કોઈ પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવાને બદલે માત્ર તેની બદલી કરીને વહીવટી તંત્રએ સંતોષ માન્યો છે જેથી ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ક એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા આજવા ગાર્ડન ખાતે પ્રવેશ ફી અને પાર્કિંગની ફી ની વસુલાત કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 1/5/2013 થી 31/7 2014 સુધીનો રૂ. 53,21,794 માં અને તારીખ 1/8/2014 થી તારીખ 31/7/2015 સુધીનો કોન્ટ્રાક્ટ ₹ 60,11,111 માં દેસાઈ એસોસિએટ ને આપવામાં આવ્યો હતો જ્યારે તા.1/8/2015 થી તા. 31/7/2016 સુધીનો રૂ.65,91,111 માં કોન્ટ્રાક્ટ પટેલ સેલ્સ ને આપવામાં આવ્યો હતો. આ બે કોન્ટ્રાક્ટરો સાથે પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના એક કર્મચારી એ મિલી ભગત કરી અંદાજે રૂ.90 લાખની ડુપ્લીકેટ પાવતી બનાવી ઉચાપત કર્યાનુ કહેવાય છે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના કર્મચારી દ્વારા કોમ્પ્યુટરમાં ગોટાળા કરી માત્ર રૂ.200 કે 500 જમા કરાવી એક સરખા નંબર વાળી પાવતી બનાવી કોન્ટ્રાક્ટર દ્વારા રૂ. ચારથી પાંચ લાખ ની રકમ અવારનવાર જમા કરી હોવાની માહિતી કોમ્પ્યુટરમાં ફીડ કરવામાં આવતી હતી અને રૂપિયા ચારથી પાંચ લાખ અવારનવાર જમા થયા હોવાની ડુપ્લીકેટ પાવતી ઇજારદાર દેસાઈ એસોસિયેટ અને પટેલ સેલ્સને આપી દેવામાં આવતી હતી.
તથ્ય સામે આવશે તો પગલા ભરાશે
આ બાબતની વિગતો સામે આવી છે. જે ઘણી ગંભીર છે જેથી હાલ આંતરિક તપાસ કરવાનું જણાવાયું છે. જો આ બાબતમાં તથ્ય સામે આવશે, તો કાયદાકીય પગલા ભરવામાં આવશે. – અર્પિત સાગર, ડે.કમિ.

Most Popular

To Top