Business

માત્ર બે દેશની મુદ્રા જ રૂપિયા કરતા સારૂ પ્રદર્શન કરી શકી છે : એસબીઆઇ વડા

નવી દિલ્હી: ડોલરની (Dollar) સામે રૂપિયો (Rupee) તેના ઐતિહાસિક નીચલા સ્તરે છે અને હજુ પણ તેનું ધોવાણ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. આ સ્થિતિ અંગે ભારતીય સ્ટેટ બેંકના (State Bank Of India) અધ્યક્ષ દિનેશ ખારાએ જણાવ્યું હતું કે, ડોલરનો સૂચકઆંક મજબૂત થવાને કારણે ભારતીય રૂપિયો નબળો થયો તે સત્ય હકીકત છે પરંતુ ઉભરી રહેલી અર્થ વ્યવસ્થઆની મુદ્રાની સરખામણીમાં તેની પકડ સારી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતીય રૂપિયાનું પ્રદર્શન સારુ છે. માત્ર ઇન્ડોનેશિયા અને બ્રાઝિલનું નાણું જ રૂપિયા કરતા સારૂ પ્રદર્શન કરી શક્યું છે. જે સામાન્ય રીતે કોમોડિટી આધારીત અર્થ વ્યવસ્થા છે એટલે માત્ર બે દેશની મુદ્રા જ રૂપિયા કરતા સારૂ પ્રદર્શન કરી શકી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે રૂપિયો નબળો પડવાનું કારણ ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો તે છે. જો કે રૂપિયો જ્યારે પણ નબળો થાય છે ત્યારે તેનું વધારે નબળું થવાનું કારણ એ છે કે, નિકાસકારો એવું ઇચ્છે છે કે તેમનું ડોલરમાં જે પેમેન્ટ બીજા દેશમાંથી આવવાનું હોય તેમાં મોડુ થાય તો તેમનો નફો વધે છે. તો બીજી તરફ આયાતકારો જલદીમાં જલદી આયાત કરેલી પ્રોડક્ટનું પેમેન્ટ મોકલી આપે છે અને આ પેમેન્ટ પણ ડોલરમાં હોય છે. જો તેઓ તેમ નહીં કરે તો તેમને નુકસાન થાય છે. એટલે દેશમાં વિદેશીમુદ્રાના ભંડારમાં ઘટાડો થાય છે તેથી પણ રૂપિયો નબળો પડે છે.

બીજી તરફ ભારતના ફૂગાવાના આંકડા તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યા હતા જે અનુસાર જથ્થાબંધ ભાવસૂચક આંક આધારિત ફુગાવો સપ્ટેમ્બરમાં 18 મહિનાના નીચા 10.7 ટકાના દરે પહોંચ્યો હતો જ્યારે ખોરાક, ઇંધણ અને મેન્યુફેકચર્ડ વસ્તુઓના ભાવો ઓછા થયા હતા. જથ્થાબંધ ભાવસૂચક આંક(ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો જો કે સતત ચોથા મહિને ઘટ્યો છે, છતાં તે એપ્રિલ 2011થી સતત 18મા મહિને બે અંકમાં રહેવાનું ચાલુ રહ્યો છે. સપ્ટેમ્બર, 2022માં ફુગાવામાં પ્રાથમિકપણે ખનીજ તેલો, ખોરાકી ચીજવસ્તુઓ, નેચરલ ગેસ, કેમિકલો અને કેમિકલોની પેદાશો, પાયાની ધાતુઓ, વિજળી વગેરેની કિંમતોમાં અગાઉના વર્ષના આ જ સમયગાળામાં થયેલા વધારાનો ફાળો રહ્યો છે એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો 12.41 ટકા અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 11.80 ટકા રહ્યો હતો. આ વર્ષે જથ્થાબંધ ભાવસૂચક આંક મે મહિનામાં વિક્રમી 15.88 ટકાની સપાટીને સ્પર્શ્યો હતો. અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે ડબલ્યુપીઆઇમાં માસોમાસના ધોરણે તબક્કાવાર ઘટાડો એ મુખ્યત્વે ચીજવસ્તુઓની કિંમતોમાં ઘટાડાને કારણે થયો છે અને એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે ઓવરઓલ રિકવરીની ગતિ અને કોમોડિટી કિંમતોના નબળા આઉટલૂકની સાથે ફુગાવામાં હજી ઘટાડો થશે. સપ્ટેમ્બરમાં ખોરાકી ચીજવસ્તુઓમાં ફુગાવો હળવો બનીને 11.03 ટકા પર પહોંચ્યો હતો, જે ઓગસ્ટમાં 12.37 ટકા હતો. અલબત્ત, શાકભાજીમાં ફુગાવો વધીને 39.66 ટકા થયો હતો જેની સામે ઓગસ્ટમાં તે 22.29 ટકા હતો. સપ્ટેમ્બરમાં ઇંધણ અને પાવર બાસ્કેટમાં ફુગાવો થોડો ઘટીને 33.67 ટકા થયો હતો.

Most Popular

To Top