Gujarat

સરદાર સરોવર ડેમના 10ના બદલે 15 દરવાજા ખોલી નર્મદામાં વધુ પાણી છોડવાનું શરૂ કરાયું

ગાંધીનગર: સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) હાલમાં 10 દરવાજા 1.50 મીટર ખોલીને 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદ અને પાણીની આવકને પગલે આજે સોમવારે બપોરના 12 વાગ્યે 10 ને બદલે 15 દરવાજા વધુ ઊંચાઈ સુધી ખોલીને નર્મદા નદીમાં (Narmada River) વધુ પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે 15 દરવાજા 2.35 મીટર ખોલીને રેડિયલ ગેટમાં થી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત બે જળ વિદ્યુત મથકોમાંથી પણ પાણી નર્મદામાં છોડવામાં આવશે. તેના પગલે આર.બી.પી.એચ. સહિત કુલ 2.94 લાખ ક્યુસેક પાણી નદીમાં વહેશે જેથી નર્મદા ફરી બે કાંઠે વહેશે. તેના અનુસંધાને વડોદરા (Vadodara) જિલ્લાના નર્મદા નદીના કાંઠે આવેલા ગામોમાં સંપૂર્ણ તકેદારી રાખવા અને ગ્રામજનોને નદી કાંઠાથી સલામત અંતર જાળવવા જણાવવામાં આવ્યું છે.

  • ઉપરવાસમાં સતત વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી
  • ડેમના 15 દરવાજા 2.35 મીટર ખોલવામાં આવ્યા
  • રેડિયેલ ગેટમાંથી 2.50 લાખક્યૂસેક પાણી છોડાવાનું શરૂ
  • નર્મદા બે કાંઠે થતાં નદી કાંઠાના ગ્રામજનોને સલામત અંતર જાળવવા સૂચના અપાઈ

આ અગાઉ ગયા અઠવાડિયે સરદાર સરોવર ડેમમાંથઈ 5.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના લીધે ભરૂચ-અંકલેશ્વરના નર્મદા કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો હતો. નદીએ ભયજનક સપાટી 24 ફૂટ વટાવી 26.41 ફૂટ પર વહી હતી. અંકલેશ્વર અને ભરૂચના 40 ગામોને એલર્ટ કરાયા હતા. અંદાજે 1000 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું. હવે ફરી એકવાર સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતો હોવાના લીધે ડેમમાં પાણીની આવક વધી છે. જેના પગલે ફરી એકવાર ડેમના 15 દરવાજા વધુ ઊંચાઈ પર ખોલી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. અઢી લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે. ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફલો થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.. હાલ ડેમની સપાટી મહત્તમ સપાટીથી 2.68 મીટર જ દૂર છે. હાલ ડેમમાં 1.62 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. આ વર્ષે રાજ્યમાં સિઝનનો 97.59 ટકા વરસાદ થયો છે. સારા વરસાદને કારણે ગુજરાત પરથી જળસંકટ દૂર થયુ છે. પીવાના પાણીની તંગી હવે નહી સર્જાય.

Most Popular

To Top