Gujarat

સરદાર સાહેબ સોમનાથ મંદિરને આઝાદ ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડાયેલું માનતાં હતાં : મોદી

વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ આજે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે યાત્રિકોને સુખાકારી, સગવડતા, સુવિધા અને આસ્થા પ્રદાન કરતા ચાર પ્રકલ્પો સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી, અને જૂના સોમનાથ મંદિર જીર્ણોધ્ધાર નવીનીકરણનું વર્ચ્યુઅલ સમારંભમાં લોકાર્પણ તેમજ શ્રી પાર્વતી માતાના મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો

વડાપ્રધાન મોદીએ ભગવાન સોમનાથને નમન કરીને જણાવ્યું હતું કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનું પ્રાચીન ગૌરવ પુન:જીવીત કરવાની દ્રઢ ઇચ્છાશક્તિ દર્શાવી અને એ કાર્ય થયું હતું. સરદાર સાહેબ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડાયેલું માનતા હતા. મોદીએ આ પ્રસંગે લોકમાતા અહિલ્યા બાઈને યાદ કરીને તેઓએ ભગવાન વિશ્વનાથથી લઇ ભગવાન સોમનાથ સહિત કેટલાય મંદિરોના જીર્ણોધ્ધાર કરાવ્યા હતા તેમ કહી તેમના જીવનમાં રહેલા પ્રાચીનતા અને આઘુનિકતાના સંગમને આજે દેશ પોતાનો આદર્શ માનીને આગળ વધી રહ્યો છે તેમ ઉમેર્યું હતું.

મોદીએ શિવ અવિનાશી, અવ્યકત્ત, અનાદિ છે તેમ શ્રદ્ધાપૂર્વક જણાવી કહ્યું હતું કે, આ મંદિરને ઇતિહાસમાં ઘણીવાર તોડવામાં આવ્યું અને જેટલીવાર પડ્યું તેટલી વાર ફરી પુર્નજીવિત થઈ ગરિમા અને ગૌરવ સાથે ઊભું થયું. તોડવાનું- આતંકનું સામ્રાજ્ય ઉભું કરવાનો વિચાર થોડો સમય માટે હાવી થઇ શકે પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી હોતું નથી. સત્યને અસત્યથી તેમજ માનવતાના મુલ્યોને આતતાયી તાકાતોથી દબાવી શકાતા નથી. આપણી વિચારધારા ઇતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની રહી છે અને નવા ભારતના નિર્માણ માટે અતીતને પણ જોડવાનો આપણો સંકલ્પ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે પશ્ચિમમાં સોમનાથ ,નાગેશ્વર, ઉત્તરમાં બાબા કેદારનાથથી દક્ષિણમાં રામેશ્વર સુધી બાર જ્યોતિર્લિંગ પુરા ભારતને આપસમાં જોડવાનું કામ કરે છે.બાર જ્યોતિર્લિંગ ,ચાર ધામ તીર્થ સ્થળોની વ્યવસ્થા, શક્તિપીઠની સંકલ્પના આસ્થાની રૂપરેખા અને દેશના ખૂણે-ખૂણે રહેલા તીર્થ સ્થળો હકીકતમાં એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવના અભિવ્યક્ત કરે છે તેમ વડાપ્રધાનશ્રીએ દેશની સાંસ્કૃતિક વિરાસતોના સંદર્ભમાં જણાવ્યું હતું.

પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયા બાદ સોમનાથ ખાતે યાત્રીક સુવિધાઓ વધુ વિકસી રહી છે : અમીત શાહ
સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે યાત્રિકોને સુખાકારી, સગવડતા, સુવિધા અને આસ્થા પ્રદાન કરતા ચાર પ્રકલ્પોના લોકાર્પણ અને શિલાન્યાસના વર્ચ્યુઅલ સમારંભમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી સોમનાથ ટ્રસ્ટમાં જોડાયા ત્યારથી તેઓએ કરોડો શ્રદ્ધાળુઓના કેન્દ્ર સમાન સોમનાથ ના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કર્યા છે અને રોડમેપ તૈયાર કરી માર્ગદર્શન આપ્યું છે.

સોમનાથ તીર્થમાં સમુદ્ર દર્શન પથ અને પ્રદર્શન અને જુના સોમનાથ મંદિરનો પુનરોદ્ધાર નવીનીકરણ અને દાતા ભીખુભાઈ ધામેલિયાના પરિવારના સહયોગથી બનાવવામાં આવી રહેલા શ્રી પાર્વતી માતાના મંદિર સહિતના નિર્માણ કાર્યો સહિતના પ્રકલ્પો થી સોમનાથ તીર્થમાં શ્રદ્ધાળુઓ યાત્રિકો ની સુવિધા વધશે તેમ જણાવીને કેન્દ્રિય ગૃહ મંત્રી શાહે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર નું સંકલન તેમજ સોમનાથ ટ્રસ્ટ તેમજ દાતાઓના સહયોગથી વિકાસના યાત્રિકોની સેવા ને લગતા અનેક કાર્યો થઇ રહ્યાં છે તેની રૂપરેખા આપી હતી. શાહે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલી દર્શનની સુવિધા તેમજ સ્વચ્છતાના મહત્વના કાર્યો સતત થઈ રહ્યાં છે તેનો ઉલ્લેખ કરીને સોમનાથ મંદિરનું ગૌરવ ગરિમા અને દિવ્યતા સાથે મહાત્મયની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

Most Popular

To Top