Dakshin Gujarat

સાપુતારા ઘાટમાં ટેમ્પો ઊંડી ખીણમાં ખાબકતા ચાલકનું મોત, ટેમ્પોમાં હતાં ગેસ સિલિન્ડર

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang district) સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં (Highway) માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માત સર્જાયો હતો. એક આઇસર ટેમ્પો ઊંડી ખીણમાં ખાબકી પલ્ટી મારી ગયો હતો. દુર્ઘટનામાં ચાલકનું મોત નિપજ્યું હતું.

  • સાપુતારા ઘાટમાં ટેમ્પો ઊંડી ખીણમાં ખાબકતા ચાલકનું મોત
  • ટેમ્પાનાં કુરચે કુરચા ઉડી જવા સાથે સિલિન્ડર ગેસનાં બાટલા ખીણમાં વેરવિખેર હાલતમાં પડી ગયા

પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં શિરપુરથી એ.એચ.સી.એલ.નાં ખાલી સિલિન્ડરનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો નં G J-18-X-9242 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં ચાલક દ્વારા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા આ આઈસર ટેમ્પો સંરક્ષણ દિવાલ સાથે ભટકાઈને દીવાલ કુદી નીચે ખીણમાં ખાબકતા કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. સ્થળ પર આઈસર ટેમ્પાનાં કુરચે કુરચા બોલાઈ જતા જંગી નુકસાન થયુ હતુ. તથા સિલિન્ડર ગેસનાં બાટલા પણ ખીણમાં વેરવિખેર હાલતમાં પડી ગયા હતા.

આ અકસ્માતનાં બનાવમાં ચાલક રાકેશભાઈ ગીરીશભાઈ માછીનું ગંભીર ઈજાઓનાં પગલે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. જ્યારે ક્લીનર સુજલભાઈ ભરતભાઈ માછીને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફતે શામગહાન સી.એચ.સી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેઓની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. હાલમાં સાપુતારા પોલીસની ટીમે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પારડીના ધગડમાળ પાસે મોપેડ ખાડામાં પટકાતા યુવાનનું મોત
પારડી : પારડી તાલુકાના ધગડમાળ ચાર રસ્તા પાસે રસ્તામાં પડેલા ખાડામાં મોપેડ પટકાતા મોપેડ સ્લીપ ખાઈ જતા માથાના ભાગે ઈજા પહોંચતા યુવાનનું મોત નીપજ્યું હતું. પારડી તાલુકાના સોનવાડા ગામે ભગત ફળિયામાં રહેતા ભીખુભાઈ નારણભાઈ પટેલ ગત રાત્રિના વાપી એલઆઇસી ઓફિસમાં પટાવાળાની ફરજ બજાવી મોપેડ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન નાનાપોઢાથી ધગડમાળ ચાર રસ્તા પાસે રસ્તામાં પડેલા ખાડામાં તેનું મોપેડ પટકાતા સ્લીપ મારી ગયું હતું. ભીખુ પટેલને માથા તેમજ શરીરના ભાગે ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકના કાકા મુકેશ બાલુ પટેલે ફરિયાદ નોંધાવી હતી. લાશને નાનાપોઢા સીએચસી ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Most Popular

To Top