Business

ઋષિ વિચાર એ જ લોકોનો ધર્મ

‘સત્યમ વદ’, ‘ધર્મ ચર’ જેવી આજ્ઞાઓ ઋષિઓએ આપેલી છે તેને સ્વસ્થ જીવન સાથે સંબંધ છે. માણસ જાણ્યે અજાણ્યે ખોટું કામ કરે કે ખોટું કર્મ થઇ જાય તો તે મનુષ્ય પર તેની ગાઢ અસર થાય જ છે. તેથી ઋષિઓએ દર્શાવેલા માર્ગે જો જીવન પસાર થાય તો તે માણસનું સમગ્ર જીવન આનંદથી પૂરું થાય છે. ઋષિઓએ કેટલાક વિચારો પ્રતીકાત્મક આપેલા છે. જયારે કુમારને યજ્ઞોપવિત અપાય છે ત્યારે કેટલાક સંદેશા આપવામાં આવે છે. વડીલોની સેવા કરવી, તેઓની સામે બોલવું નહીં, અસ્ત પામતા સૂર્યને જોવો નહીં. વિચાર આવે કે અસ્ત પામતા સૂર્યને જોવાથી શો વાંધો પડે? અસ્ત પામતો સૂર્ય અહીં પ્રતીક છે. કોઇની પણ પડતીને જોવી નહીં, આ ખ્યાલ તેની પાછળ રહેલો છે. ખરાબ કામની અસર મન પર અને છેવટે શરીર પર પડે છે. તેથી ઋષિ વિચારોને સમજીને જીવાય તો સમગ્ર જીવન આનંદથી જ પૂર્ણ થશે.

જે ઋષિ વિચારે છે તેને લોકો ધર્મ કહે છે. ધર્મનું પાલન થાય તો કરે અને ન થાય તો તેની ચિંતા ન કરે પણ તેની પાછળ વ્યાપક ભૂમિકા રહેલી છે ત્યાં સુધી સામાન્ય માણસ વિચાર કરતો નથી. ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’ કહેલું છે. તેથી જેઓ સમજીને ઋષિવાણી રૂપી ધર્મની રક્ષા કરે છે તો તેની રક્ષા ધર્મ કરે જ છે. અહીં ધર્મ એટલે ઊંચું આચરણ અને જેમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ આવતી નથી. વિશ્વમાં જાગૃત એવા લોકોએ જીવન જીવવાના રસ્તા બતાવ્યા છે. આ થયું ધર્મનું બાહ્ય સ્વરૂપ. જાણીને કોઇનું ખરાબ કરીશ નહીં, કોઇને અવળે માર્ગે દોરીશ નહીં. આટલી સામાન્ય સમજ પણ માણસને ગમે તેવા પ્રલોભનોથી બચાવી લે છે.

વહેવારુ જીવનમાં નાનામોટા પ્રશ્નો તો સામે આવે જ છે. પરંતુ એ પ્રશ્નને હલ કરવાથી કોઇને હાનિ થતી નથી ને? આટલો વિચાર પણ જો મનમાં આવે અને માણસ જો અટકી જાય તો તે કંઇ કરતો નથી છતાં ધર્મનું આચરણ કરે છે.

વૃક્ષ કે વેલ પર પુષ્પની કળી લાગે છે. આ કળીમાંથી યોગ્ય સમયે જ ફૂલ પ્રગટતું હોય છે. તેમાં કોઇ ઉતાવળ કામ લાગતી નથી. જો તેમાં ઉતાવળિયો નિર્ણય લેવાયો તો કળી કદાપિ પુષ્પમાં પરિવર્તિત થશે નહીં. સહજભાવે  પસાર થતું જીવન જ જીવનનો આનંદ આપી શકે છે. આવા જે ઋષિ વિચારો છે તેને સમજીને જીવન જીવાતું રહે તો સ્થિતિ ગમે તેવી હશે પણ માણસ આખાય જીવન દરમ્યાન આનંદથી, ઉત્સાહથી જીવન જીવશે. જીવન એ કંઇ ભાર નથી પરંતુ આનંદથી જીવન યાત્રા કરવાનો માર્ગ છે.

Most Popular

To Top