National

સોશિયલ મીડિયાની આ પોસ્ટ જોઈને સચીન તેન્ડુલકરને કેમ આવ્યો ગુસ્સો?

મુંબઈ : ક્રિકેટ જગતના મહાન બેટ્સમેન સચીન તેન્ડુલકર આજકાલ ખૂબ ગુસ્સામાં છે. તેન્ડુલકર એટલા બધા નારાજ છે કે તેમણે એક કંપની વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી દીધી છે. વાત જાણે એમ છે કે કેટલીક લેભાગુ કંપનીઓ દ્વારા સચીનના નામનો દુરુપયોગ કરાયો છે. પોતાની પ્રોડક્ટના પ્રમોશન માટે આ લેભાગુ કંપનીઓ સચીનના નામનો ઉપયોગ કરતી હતી જેના લીધે સચીન ગુસ્સે ભરાયો છે અને આ કંપનીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી દીધી છે.

ખરેખર વાત એવી છે કે થોડા સમય પહેલાં માસ્ટર બ્લાસ્ટર સચીન તેન્ડુલકરે ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી. તે જાહેરાતમાં એક ઓઈલ કંપની દ્વારા સચીન તેન્ડુલકરના ફોટાનો ઉપયોગ કરાયો હતો. કંપનીએ સચીન તેન્ડુલકરના ફોટા નીચે એવું લખ્યું હતું કે, અમારી કંપનીના ઓઈલની ભલામણ સચીન તેન્ડુલકરે પોતે જ કરી છે.

જ્યારે ખરેખર તો સચીને આવી કોઈ જાહેરાત કરી ન હતી. સચીનને આ જાહેરાત વિશે ખબર પણ ન હતી. આવી અન્ય જાહેરાત તેમને ઈન્સ્ટ્રગ્રામ પર પણ જોવા મળી હતી. આ લેભાગુ કંપની સામે સખ્ત કાર્યવાહી કરવાના ઈરાદે તેન્ડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ સચીને પોતાના ચાહકોને વિનંતી કરી છે કે તેઓ તેમના નામ, ફોટા તથા અવાજનો દુરુપયોગ કરતી કંપનીઓની જાહેરાતોથી બચીને રહે.

સચીન તેન્ડુલકરની ફરિયાદ પછી મુંબઈ પોલીસના સાયબર સેલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. નકલી જાહેરાત સામે મુંબઈ સાયબર સેલે આઈપીસીની 426, 465 અને 500 ધારા દાખલ કરી હતી.

સચીને આ મામલે ટ્વીટ પણ કર્યું
સચીન તેન્ડુલકરે પોતાના ટ્વિટર પરથી એક પોસ્ટ કરી છે. જેમાં SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ ને ધ્યાનમાં રાખીને ઘણી વાતો કહેવામાં આવી છે. SRTSMની આ ટ્વિટમાં લખ્યુ છે કે, ઘણા દિવસોથી અમે નોંધ લઈ રહ્યા છીએ કે સચીન તેન્ડુલકરના નામનો ઉપયોગ કરી ગેર રીતે પ્રોડક્ટ વહેચવામાં આવી રહ્યા છે. જ્યારે સચીનનો આ પ્રોડક્ટ સાથે કોઈ સંબંધ નથી. આવી નકલી જાહેરાતના લીધે લોકો ગેરમાર્ગે દોરાઈ શકે છે. તેથી આવી પ્રોડક્ટ સામે અમે સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી છે.

આ સાથે એવી સૂચના પણ આપવામાં આવી છે કે જે કોઈ નાગરીકને સચીન તેન્ડુલકરની સાચી જાણકારી જોતી હોય તો તે https://sachintendulkar.com પર જઈને જોઈ શકે છે. જેમાં સચીન તેન્ડુલકર કઈ કંપની સાથે કામ કરી રહ્યા છે તેની તમામ માહિતી આપવામાં આવી છે.

Most Popular

To Top