Entertainment

‘રોકેટ્રી : ધ નમ્બિ ઇફેક્ટ’માં આર. માધવનનો અભિનય અસર છોડી જાય છે!

આદિત્ય રોય કપૂરની ‘રાષ્ટ્રકવચ ઓમ’ને વીકએન્ડમાં રૂ. 5 કરોડ અને આર. માધવનની ‘રોકેટ્રી : ધ નમ્બિ ઇફેક્ટ’ને રૂ. 4.5 કરોડ મળ્યા છે પરંતુ IMDB પર ‘ઓમ’ને 2.7 અને ‘રોકેટ્રી’ને 9.2 રેટિંગ મળ્યું છે. એ પરથી ખ્યાલ આવી જશે કે કઇ ફિલ્મ અસલમાં સારી છે. અલબત્ત બોક્સ ઓફિસ પર બંને ફિલ્મોને અપેક્ષા કરતાં ઘણી ઓછી કમાણી થઇ છે. એમાં નિર્દેશક કપિલ વર્માની ‘રાષ્ટ્રકવચ ઓમ’ને ભૂલી જવા જેવી ગણવામાં આવી છે. ઘણા સમીક્ષકોએ એક સ્ટાર મુશ્કેલીથી આપ્યો છે. કેમ કે એકશનથી ભરપૂર ફિલ્મની સ્ક્રીપ્ટ એટલી બધી નબળી અને બિનજરૂરી મેલોડ્રામાવાળી છે કે દર્શકો એની સાથે જોડાણ અનુભવી શકતા નથી.

‘રોકેટ્રી’ની જેમ ‘રાષ્ટ્રકવચ ઓમ’માં એક વૈજ્ઞાનિકની જ વાર્તા છે પણ આર. માધવનની ફિલ્મ જેવી વાસ્તવિક્તા દેખાતી નથી. શરૂઆતમાં અડધા કલાક સુધી શું ચાલે છે એ સમજાતું નથી. રોમેન્ટિક ફિલ્મોના હીરો આદિત્યને એક્શન હીરો તરીકે લોન્ચ કરવા અતાર્કિક કહી શકાય એવા દ્રશ્યો આપ્યા છે. એક દ્રશ્યમાં એક ચેનથી આખું હેલિકોપ્ટર અટકાવે છે. વળી એક જગ્યાએ વિમાનમાંથી કૂદકો મારીને વહાણ પર પહોંચી જાય છે. ક્લાઇમેક્સમાં લેખકની નિષ્ફળતા ગણો કે બાલીશતાની હદ કહેવાય કે એવી વાતો બતાવી છે, જેનો આખી ફિલ્મ સાથે ખાસ કોઇ સંબંધ જ ન હતો. લોજિક તો શોધ્યા પછી પણ ક્યાંય જડતું નથી.

‘રોકેટ્રી : ધ નમ્બિ ઇફેક્ટ’ ક્યારેક કંટાળાજનક બનતી હોવા છતાં લેખક જ નહીં નિર્દેશક તરીકે 6 વર્ષની મહેનત પછી આર. માધવને ઇમાનદારીથી બનાવી છે એ હકીકત ઘણા દ્રશ્યોમાં જોઇ શકાય છે. જે લોકો માત્ર અને માત્ર મનોરંજનના આશયથી ફિલ્મો જુએ છે એ નિરાશ થવાના છે. એક વૈજ્ઞાનિકના જીવનને આર. માધવને અસરકારક રીતે પડદા પર ઉતાર્યું છે. તેણે મનોરંજન માટે ક્યાંય કોઇ સમાધાન કર્યું નથી. એ ત્યાં સુધી કે ફિલ્મમાં શાહરૂખ ખાન જેવા સ્ટાર અભિનેતાની વિશેષ ભૂમિકા હોવા છતાં પ્રચારમાં એનો કોઇ ઉપયોગ કર્યો નથી.

આખી ફિલ્મ જોયા પછી શાહરૂખના વખાણ કર્યા વગર કોઇ પણ રહી શકે એમ નથી. શાહરૂખે પોતાની જબરદસ્ત છાપ છોડી છે. આખી ફિલ્મ માટે શાહરૂખનું કામ અસરકારક બને છે. કેટલીક જગ્યાએ ફિલ્મ ડોક્યુમેન્ટ્રી જેવી લાગે છે. રોકેટ વિજ્ઞાન પર હોવાથી ઘણા વૈજ્ઞાનિક શબ્દોના અર્થ સમજાતા નથી. એને નાના કિસ્સાથી સમજાવવાનો પ્રયાસ જરૂર થયો છે. પહેલા ભાગને સમજવાનું મુશ્કેલ બને છે. અવકાશ વિજ્ઞાનની વાતો સાથે અંગ્રેજી અને તકનીકી શબ્દોનો એટલો ઉપયોગ થયો છે કે બીજા ભાગ માટે ધીરજ રાખવી પડે છે. ઇન્ટરવલ પછી ફિલ્મ વધુ સરળ અને જોવા જેવી લાગે છે.

ફિલ્મમાં દેશના એક એવા વૈજ્ઞાનિકની વાત છે જેમણે વિજ્ઞાનની દુનિયામાં ભારતને ગૌરવ અપાવ્યું હતું પરંતુ એમના પર કેટલાક આરોપ લાગ્યા હતા. અનેક પડકારોનો સામનો કરીને એમાંથી એ કેવી રીતે બહાર આવ્યા અને રોકેટ એન્જિનની કેવી રીતે શોધ કરી હતી એની દિલને સ્પર્શી જાય એવી આધારભૂત વાર્તા છે. શરૂઆતમાં જ અંદાજ આવી જાય છે કે સસ્પેન્સ અને ડ્રામાવાળી આ બાયોપિક નથી. ઇન્ટરવલ પહેલાં બાયોપિક પૂરી થઇ જાય છે. એ પછી ખાસ મુદ્દા ઉપર ચાલે છે. આર. માધવન સિવાય કદાચ જ કોઇ આટલી બારીકાઇથી એમના જીવનને બતાવી કે જીવી શક્યું હોત. જે દર્શકો એક અભિનેતા તરીકે એના ચાહક નહીં હોય તે પણ નિર્દેશક તરીકેના કામને જરૂર વખાણશે. તે સારો અભિનેતા જ નહીં નિર્દેશક પણ છે. ફિલ્મોના ઇતિહાસની જ્યારે ચર્ચા થશે ત્યારે ‘રોકેટ્રી’નો ઉલ્લેખ કરવો પડે એટલા સમર્પણથી બનાવી છે. નિર્માણની બીજી બધી જ જવાબદારીઓ સાથે તેણે અભિનય પર ઘણું ધ્યાન આપ્યું છે. ‘નમ્બિ નારાયણન’ તરીકેનો અભિનય તેની કારકિર્દીમાં યાદગાર બની રહેશે.

જેમને આજ સુધી ખાસ કોઇ જાણતું ન હતું એ નમ્બિને એણે યાદગાર બનાવી દીધા છે. નમ્બિનું મેનરિઝમ તેણે અપનાવ્યું છે. પાત્રમાં એવો ઘૂસી ગયો છે કે ક્યાંય અભિનય કરતો લાગતો નથી. 27 વર્ષના યુવાનથી લઇ 75 વર્ષના નમ્બિને પડદા પર સાકાર કર્યા છે. ફિલ્મના સ્ક્રીનપ્લેની કેટલીક ખામીઓને નિવારવામાં આવી હોત તો વધુ દર્શકો નમ્બિની જીવનયાત્રામાં જોડાઇ શક્યા હોત. સારું નિર્દેશન હોવા છતાં ફિલ્મમાં રાષ્ટ્રભક્તિનો મુદ્દો હતો એને ઉભારી શક્યા નથી. જ્યાં જરૂર હતી ત્યાં ઇમોશન પણ બહાર આવતા નથી. નમ્બી પર થયેલો કેસ ખોટો હતો એ મહત્ત્વના સમાચાર આવે છે, ત્યારે જે પ્રતિભાવ હોવો જોઇતો હતો એ દ્રશ્યમાં દેખાતો નથી. આવી અનેક ખામીઓ દેખાતી હોવા છતાં દરેક સમીક્ષકે ફિલ્મ ઇમાનદારીથી બનાવવામાં આવી હોવાથી પરિવાર સાથે જોવાની ભલામણ કરી છે.

ઓટોગ્રાફ!
‘સમ્રાટ પૃથ્વીરાજ’માં કામ કરનાર માનુષી છિલ્લરે કહ્યું છે કે અક્ષયકુમારે તેને માહિતી આપી હતી કે તેની સાથે કામ કરનાર એ 22મી નવોદિત હીરોઇન છે. (માનુષી, અક્ષયકુમાર સાથે પહેલી વખત કામ કરતાં પહેલા અગાઉની 21 નવોદિત હીરોઇનોમાંથી કેટલાની કારકિર્દી બની અને આગળ વધી શકી હતી એની તારે માહિતી મેળવી લેવાની જરૂર હતી!)

Most Popular

To Top