SURAT

સુરત: વરાછાના વેપારીને શિકાર બનાવનાર લૂંટેરી દુલ્હનના બે એજન્ટોની ધરપકડ

સુરત : વરાછાના (Varacha) ત્રિકમ નગરમાં કરિયાણાના વેપારીને લૂંટેરી દુલ્હનનો શિકાર બનાવનાર બે એજન્ટોને વરાછા પોલીસે (Police) પકડી પાડીને તેઓના ત્રણ દિવસના રિમાન્ડ પણ લીધા છે. આ બંને એજન્ટોએ વેપારીને પોતાની ખોટી અટક આપ્યાનું પણ બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા ત્રિકમનગર રાધાક્રિષ્ણા મંદિરની બાજુમાં પરમહંસ સોસાયટીમાં રહેતા અને કરિયાણાનો વેપાર કરતા ગૌતમ કિશોરભાઇ ધનેશાને કામરેજની વેલંજાની રંગોલી ચોકડી પાસે રહેતા દિનેશ આહિર અન્ય એક એજન્ટ રસીક રામાણીએ લગ્ન માટેની વાતચીત કરી હતી. ત્યારબાદ રસીક રામાણીએ મહારાષ્ટ્રના ભીંવડીમાં રહેતી પોતાની માસીની દિકરી સોની ઉર્ફે નયનાનો ફોટો બતાવીને તેની સાથે લગ્ન કરવા કહ્યું હતું. આ લગ્ન કરીને ગૌતમભાઇએ રૂા.2.54 લાખ જેટલા રૂપિયા યુવતીના પરિવારના આપ્યા હતા. લગ્ન બાદ સોની પગફેરાની વિધીના બહાને મહારાષ્ટ્ર ગયા બાદ ભાગી ગઇ હતી. તપાસ કરતા ગૌતમભાઇને લૂંટેરી દુલ્હન ગેંગનો શિકાર બન્યાનું બહાર આવતા તેઓએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી હતી.

આ ફરિયાદના આધારે વરાછા પોલીસના પીએસઆઇ ભરત તિરકર સહિતની ટીમે તપાસ કરીને એજન્ટો હિતેષ ઉર્ફે રસિકભાઇ રતિભાઈ કાપડીયા તેમજ ઘુઘાભાઈ ઉર્ફે દિનેશભાઈ કથડભાઈ કાછડને પકડી પાડ્યા હતા. આ બંને એજન્ટોએ ગૌતમભાઇની પાસેથી રૂા. 16 હજાર લીધા હતા અને સરખે હિસ્સે વહેંચી લીધા હતા. તપાસમાં આ બંનેએ પોતાની ખોટી સરનેમ બતાવી હતી. હાલ તો પોલીસે આ બંને એજન્ટોના ત્રણ દિવસના રિમાન્ડ લઇને વધુ તપાસ શરૂ કરી છે. આ બંનેએ અન્ય લોકોની સાથે ઠગાઇ કરી છે કે નહી..? તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

કોસાડ રોડ પર પહેલા માળે મોબાઈલ ચોરી કરી ભાગી રહેલો ચોર ઝડપાયો
સુરતઃ કોસાડ રોડ પર એક રો હાઉસના પહેલા માળે મળસકે મોબાઈલ ચોરી કરી ભાગતી વખતે યુવક જાગી જતાં ચોર ચોરની બૂમો પાડતાં તસ્કર નીચે પટકાયો હતો. તેને પગમાં ઇજા થતાં સોસાયટી નજીક સંતાઈ ગયો હતો. પરંતુ સોસાયટીના રહીશોએ તેને પકડી તેની પાસેથી ચોરીના 3 મોબાઈલ અને એક આઈપેડ લઈ અમરોલી પોલીસના હવાલે કર્યો હતો.
કોસાડ રોડ પર સ્વસ્તિક રો હાઉસમાં રહેતા 49 વર્ષીય સતીષ મોહન ગજ્જર એક્સપ્રેસ બીઝે કુરિયર કંપનીમાં નોકરી કરે છે. સતીષભાઈના પુત્રએ એક મહિના પહેલાં તેમને નવો મોબાઈલ ફોન લઈ આપ્યો હતો. ગત 13 ઓગસ્ટે રાત્રે સતીષભાઈ તેમના બેડ પાસે મોબાઈલ મૂકીને સૂતેલા હતા. વહેલી સવારે ખળભળાટ થતાં સતીષભાઈની આંખ ખૂલી ગઈ હતી. તેઓ જાગી જતાં તેમનો મોબાઈલ લઈ એક ચોર ઘરની બારીમાંથી નીચે ઊતરતો હતો. આ જોઈ સતીષભાઈએ ચોર ચોરની બૂમો પાડતાં ચોર બારીની છાજલીમાંથી નીચે કૂદીને ગયો હતો. સતીષભાઈની બૂમો સાંભળીને તેમનો દીકરો અને સોસાયટીના રહીશો પણ ઊઠી ગયા હતા. તેમણે ચોરની શોધખોળ કરતાં તેમના ઘરની પાસે સરકારી કંપાઉન્ડમાંથી ચોરી કરનાર તસ્કર મળી આવ્યો હતો. આ વ્યક્તિને તેનું નામ પૂછતાં સાહીદ અખ્તર રિયાઝ અહેમદ અંસારી (રહે., કોસાડ આવાસ) હોવાનું જણાવ્યું હતું. તે બારીમાંથી નીચે કૂદતાં ડાબા પગે ઇજા થતાં ભાગી શક્યો નહોતો. ચોર પાસેથી સતીષભાઈનો મોબાઈલ અને બીજા ત્રણ મોબાઈલ, એક આઈપેડ મળી આવ્યું હતું. જેથી સોસાયટીના રહીશે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરતાં પીસીઆર વાન આવીને ચોરને લઈ ગઈ હતી. અમરોલી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top