Charchapatra

રોડ અકસ્માત નિવારી શકાય છે

સમાચાર પત્રોના અહેવાલ મુજબ છેલ્લા અઠવાડિયામાં જીવલેણ અકસ્માતોથી પ્રવાસીઓનાં કમકમાટીભર્યાં દુ:ખદ અવસાન થયાં છે. આ અંગે તેમનાં કુટુંબીજનોને આશ્વાસન જરૂર પાઠવીએ. પરંતુ હાઇ વે પર થતા આવા ગમખ્વાર અકસ્માતોને રોકવા પ્રજાજનો જરૂરી કાળજી લે તો ચોક્કસ અકસ્માત/મોત નિવારી શકાય. આ અંગે થોડાં નમ્ર સૂચનો પાઠવું છું. જો બિલકુલ જરૂરી ન હોય તો રાત્રી પ્રવાસ ન કરો. મોટર, રીક્ષા, ટેમ્પો, ટુ વ્હીલર, બસ વિ.માં તેની યાત્રીઓની ક્ષમતા કરતાં વધુમાં ન જાવ. આને કારણે કદાચ ડ્રાઇવરનું જરૂરી બેલેન્સ ના રહે.

વધુ પડતા વજનથી ટાયર ફાટી જવાની સંભાવનાથી અકસ્માતનું જોખમ વધી જાય છે. પ્રવાસમાં બિનજરૂરી ઓવરટેક ન કરો. પ્રવાસ શરૂ કરતાં પહેલાં વાહનની ટાયરની હવા, વ્હીલ બેલેન્સીંગ તથા જરૂરી પેટ્રોલ, ડીઝલ, ગેસને તપાસી લો. હાઇ વે પર સાઇડ પર વાહન ઊભા રાખતા સમયે હંમેશા પાર્કીંગ લાઇટ ચાલુ રાખો. સમય કરતાં હંમેશા કલાક વહેલા સ્ટાર્ટ થાવ. એટલે પહોંચવાના સ્થળે જલદી પહોંચવા બિનજરૂરી વાહનની સ્પીડ કરવામાં તથા ટ્રાફિક જામમાં જતો સમય બચાવી શકો.
સુરત     – દીપક બંકુલાલ દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ સરકારને પ્રજાના ખીસ્સા ખાલી કરવામાં જ રસ છે
મોટે ઉપાડે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ 9 – 58 કરોડ લોકોને સરકારે મફત ગેસસિલિન્ડરની લ્હાણી કરી હતી. લાભાર્થીઓ પાસે 1100 રૂપિયાની આસપાસના ભાવવાળો બાટલો લેવાના રૂપિયા હોતા નથી તેથી  આશરે સાડા નવ કરોડ લોકો ગેસનો બાટલો ખાલી થઈ ગયા હોય તે છતાં ભરાવતા નથી. હમણાં રશિયાથી સસ્તી પેટ્રોલિયમ પેદાશો આયાત કરી રહ્યા છે પણ પ્રજાને એક રૂપિયો પણ ગેસના બાટલામાં કે પેટ્રોલ ડીઝલના ભાવોમાં રાહત મળી નથી. ભાવો ઘટાડવાને બદલે ઘરેલુ ગેસના બાટલામાં 50 રૂપિયા અને કોમર્શિયલ બાટલામાં 350 રૂપિયાનો વધારો રાતોરાત કરી દીધો. પેટ્રોલ આશરે લગભગ 35 રૂપિયાની આસપાસ પડતર કિંમતે આપણને મળે છે એમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને પેટ્રોલ પંપમાલિકોનું કમિશન ઉમેરાતા 35 રૂપિયાનું પેટ્રોલ આપણને 95 રૂપિયામાં 1 લીટર પડે છે.

ગુજરાત સરકારે છેલ્લા 2 વરસમાં પેટ્રોલમાં 6040 .01 કરોડ અને ડીઝલમાં 12731 .79 કરોડની કમાણી કરી છે આટલો ટેક્ષ કેન્દ્ર સરકાર પણ વસુલે છે ને પછી પેટ્રોલ પંપના માલિકોનું કમિશન .વિચારો આપણા ખિસ્સામાંથી આ લોકો કેટલી બધી જંગી કમાણી કરી રહ્યા છે. આ આટલી આવક ઓછી પડતી હોય તેમ ઇન્કમટેક્સ ઇ.ડી .ડિપાર્ટમેન્ટ જી.એસ.ટી ની રેડમાં પણ કરોડો હાથ લાગે છે તેમ છતાં સરકાર દેવું કરી રહી છે સરકારી મિલકતોનું વેચાણ પણ કરી રહી છે જાહેર સાહસોમાંથી પોતાનો હિસ્સો ઓછો કરી અબજો કમાઈ રહી છે. આમાં તમને ક્યાય અચ્છે દિન દેખાઈ છે ખરા?
સુરત-અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top