Columns

કોશિશ કરતો રહેજે

કેવલ્યને જાતે કંઇક કરી દેખાડવું હતું.તે અને તેની પત્ની કોશા સાથે કમ્પ્યુટર એન્જીનીયરીંગ ભણતા હતા ત્યારે પ્રેમ થયો અને લગ્ન કર્યા.કેવલ્યે ડીગ્રી મેળવ્યા બાદ પોતાના એક એપ બનાવવાના સ્ટાર્ટ અપ પર કામ શરૂ કર્યું અને કોશાએ મોટી કંપનીમાં જોબ કરવાની શરૂ કરી.થોડો વખત માતા – પિતા સાથે રહ્યા બાદ કેવલ્યે કહ્યું ‘અમે ભાડાના ઘરમાં રહેવા જશું, કોઈ તકલીફ કે ઝઘડો નથી પણ મારે બધું મારી જાત મહેનતે કરવું છે.’

કેવલ્યના સ્ટાર્ટ અપને હજી સફળતા મળી ન હતી.જુના ઇન્વેસ્ટર પૈસા પાછા માંગી રહ્યા હતા અને નવા ઇન્વેસ્ટર મળી રહ્યા ન હતા.કેવલ્ય મનથી આ અસફળતાને કારણે દુઃખી રહેતો હતો.કોશા હિંમત આપતી પણ તેનો સ્વભાવ દિવસે દિવસે નકારાત્મક થતો જતો હતો.તે હતાશા અને નિરાશાને કારણે બધા પર ગુસ્સે થઇ જતો. કેવલ્યે કોલેજના દિવસોથી જોબ નહિ કરવાનું અને સ્ટાર્ટ અપ શરૂ કરવાનું સપનું જોયું હતું …તેને જાત મહેનતે સફળતા મેળવવી હતી, પણ હવે બધાં જ સપનાં જાણે તૂટી રહ્યાં હતાં.ભાડાનું ઘર લેવા નીકળ્યો ત્યારથી તેને વાસ્તવિકતા વધુ સમજાઈ ગઈ કે જુદા રહેવું હશે તો કેટલા ખર્ચા આવશે.

કોશાએ કહ્યું, ‘હું છું ને બધું થઇ જશે…’તો કેવલ્ય ગુસ્સે થઇ બોલ્યો, ‘ન કમાતા પતિનો તને થોડા વખતમાં ભાર લાગશે …’કોશા આંખોમાં આંસુ સાથે ત્યાંથી જતી રહી. થોડા દિવસોના વિચારો બાદ …ઇન્વેસ્ટરોની પાછળ દોડ્યા બાદ …કેવલ્ય હિંમત હારી ગયો..તેણે નક્કી કરી લીધું કે પોતે પોતાનું સપનું ભૂલીને નોકરી કરશે. તેનો પહેલો ઈન્ટરવ્યુ હતો.તે તૈયાર થઇ રહ્યો હતો ત્યારે કોશાએ તેની પાસે આવી ટાઈ બાંધતાં કહ્યું, ‘શું તારા સપનાને ભૂલીને તું જીવી શકીશ? શું આ નોકરી તારે સાચે કરવી છે?’કેવલ્યના મોઢામાંથી ના સરી પડી. કોશાએ કહ્યું, ‘તો પછી શું કામ હિંમત હારે છે…

તારી બનાવેલી એપ સરસ જ છે, આજે નહિ ને કાલે સફળતા મળશે…ઇન્વેસ્ટર મળી જ જશે …તું તેની પર જ કામ કર. તારા સપનાને છોડ નહિ …મને ખબર છે તું તારા સપનાને છોડી દઈશ તો સાચો કેવલ્ય જ નહિ રહે.તું હિંમત નહિ હાર …આપણે ખર્ચા ઓછા કરીશું …મોંઘી ડીનર ડેટ કે વિદેશી વેકેશન જ જરૂરી નથી તું હસતો હોઈશ તો સાથે કટિંગ ચા કે નજીકના હિલ સ્ટેશનનું વેકેશન પણ આનંદ આપશે.’કેવલ્ય આંખોમાં આંસુ સાથે બોલ્યો, ‘પણ ઇન્વેસ્ટર નહીં મળે તો ….’કોશાએ કહ્યું, ‘તું મહેનત કરજે, મળી જ જશે નહિ મળે તો પપ્પા પાસેથી લઇ લેજે, પછી ડબલ પાછા આપજે.તું હિંમત નહિ હાર. કોશિશ કરતો રહેજે..હું તારી સાથે જ છું.’કોશાના પ્રેમ અને સમજાવટથી કેવલ્યની ખોવાયેલી હિંમત પાછી જીવંત થઇ.

Most Popular

To Top