Business

અદાણીના માથેથી હિન્ડેનબર્ગનું સંકટ હજુ દૂર થયું નથી, સુપ્રિમના ચુકાદા સામે અરજી દાખલ

નવી દિલ્હી: અદાણી-હિંન્ડેનબર્ગ કેસમાં (AdaniHindenburgCase) કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની તપાસને મંજૂરી આપનાર સુપ્રિમ કોર્ટના (SC) ચુકાદા (Judgement) સામે રિવ્યુ પિટિશન (ReviewPetition) દાખલ કરવામાં આવી છે.

અદાણી-હિંડનબર્ગ કેસમાં અરજદાર પૈકીના એક અનામિકા જયસ્વાલે સુપ્રિમ કોર્ટના 3 જાન્યુઆરીના ચુકાદાની સમીક્ષા કરી છે જેમાં અદાણી જૂથ સામેના આરોપોની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવાનો ઇનકાર કર્યો હતો. અરજદારે ચુકાદામાં “સ્પષ્ટ ભૂલો” હોવાનો તથા સેબીની નિયમનકારી નિષ્ફળતાઓને અવગણવામાં આવી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

આ અગાઉ ગઈ તા. 3 જાન્યુઆરી 2024 ના રોજ દેશના ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રિમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે અદાણી જૂથ સામે હિન્ડેનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને સોંપવા અથવા વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવાની વિનંતીઓને ફગાવી દીધી હતી.

સર્વોચ્ચ અદાલતે થર્ડ પાર્ટીના અહેવાલ પર નિર્ભરતાને ફગાવી દીધી હતી અને સેબીના કેસના સંચાલનમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. સુપ્રિમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, ભારત સરકાર અને સેબીએ શોર્ટ સેલિંગ અંગેના હિન્ડેનબર્ગ રિપોર્ટ દ્વારા કાયદાનું કોઈ ઉલ્લંઘન થયું છે કે કેમ તે જોવાનું છે અને જો તેમ હોય તો કાયદાને અનુસરીને પગલાં લેવા જોઈએ.

સેબીએ 22માંથી 20 મામલાઓમાં તપાસ પૂર્ણ કરી છે. સોલિસિટર જનરલની ખાતરીને ધ્યાનમાં રાખીને અમે સેબીને અન્ય બે કેસમાં ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવા માટે નિર્દેશ આપીએ છીએ, એમ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાએ ચુકાદામાં કહ્યું હતું.

આ અગાઉ માર્ચ 2023માં સર્વોચ્ચ અદાલતે સેબીને હિંન્ડેનબર્ગના અહેવાલને પગલે અદાણી જૂથ દ્વારા સિક્યોરિટીઝ કાયદાના કોઈપણ ઉલ્લંઘનની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે આ મામલાની તપાસ માટે નિવૃત્ત જસ્ટિસ એએમ સપ્રેની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની પણ રચના કરી હતી. નિષ્ણાત સમિતિએ મે મહિનામાં રજૂ કરેલા તેના અહેવાલમાં આ મામલે સેબી તરફથી કોઈ પ્રાથમિક ક્ષતિ જોવા મળી નથી.

શું છે સમગ્ર મામલો?
જાન્યુઆરી 2023 માં હિંન્ડેનબર્ગ રિસર્ચ સંસ્થાએ અદાણી જૂથ પર “સ્ટોક મેનીપ્યુલેશન” અને “એકાઉન્ટિંગ ફ્રોડ સ્કીમ” નો આરોપ મૂક્યો હતો. સંસ્થાએ આક્ષેપ કર્યો હતો કે અદાણી કંપની “કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી કોન ખેંચી રહી છે”. અદાણી જૂથે આ તમામ આરોપોને ફગાવી દીધા હતા. સુપ્રિમ કોર્ટે સેબીને તેની તપાસ પૂર્ણ કરવા માટે મે 2023 સુધીનો સમય આપ્યો હતો. મે મહિનામાં સુપ્રિમ કોર્ટે તેની તપાસ પૂર્ણ કરવા માટે 14 ઓગસ્ટ સુધી સમયમર્યાદા લંબાવી હતી.

બાદમાં સેબીએ સુપ્રિમ કોર્ટ સમક્ષ સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો અને કહ્યું કે હિંન્ડેનબર્ગ રિપોર્ટમાંથી ઉદ્દભવેલી 24 તપાસમાંથી 22 મુદ્દા અંતિમ છે અને 2 વચગાળાના છે. સેબીએ જણાવ્યું હતું કે તે સમૂહમાં રોકાણ કરતા વિદેશી રોકાણકારો પાછળના વાસ્તવિક માલિકોની વચગાળાની તપાસ અંગે ટેક્સ હેવન્સની માહિતીની રાહ જોઈ રહી છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી નિષ્ણાત સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના અહેવાલમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે અબજોપતિ ગૌતમ અદાણીની માલિકીની કંપનીઓમાં હેરાફેરીના કોઈ દેખીતા પુરાવા નથી. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ત્યાં કોઈ નિયમનકારી નિષ્ફળતાઓ ઓળખવામાં આવી નથી.

Most Popular

To Top