SURAT

સુરતની સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ પસંદ કરવા ઘમાસાન

સુરત: સચિન ઇન્ડસ્ટ્રિયલ કો – ઓપરેટિવ સોસાયટી(Sachin Industrial Co-operative Society)ની કારોબારીની બેઠકમાં નોટિફાઇડ જીઆઇડીસી(GIDC)ના બોર્ડ ઓફ મેનેજમેન્ટ માટે મોકલવામાં આવેલા 4 નામોનો ઠરાવ પ્રમુખ રમાબેન રામોલિયાની ગેરહાજરીમાં થયો હોવાનો આક્ષેપ કરી બોર્ડ માટે મોકલવામાં આવેલા નામો ધ્યાને નહીં લેવા મુખ્યમંત્રી, જીઆઇડીસીના એમડી, ચીફ સેક્રેટરી અને નોટિફાઇડ ડિરેક્ટરને ઈમેલ કરી રજૂઆત કરી છે. ઇન્ડ.સોસાયટીના માજી પ્રમુખ અને વર્તમાન ડિરેક્ટર કિશોર પટેલ અને મિતુલ મહેતાએ પત્રમાં લખ્યું છે કે, તા 30-04-2022 ના રોજ મળેલી કારોબારી સભાનો ઠરાવ નંબર 10 સોસાયટીએ મોકલ્યો છે. જે મૂળથી જ ખોટો અને બોગસ છે તેને ધ્યાને નહીં લેવો જોઈએ.

  • સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ માટે મોકલેલા 4 નામોનો ઠરાવ ગેરકાયદે
  • માજી પ્રમુખ અને વર્તમાન ડિરેક્ટર કિશોર પટેલ અને મિતુલ મહેતાએ તટસ્થ ઉદ્યોગકારોના નામ પસંદ કરવા રજૂઆત કરી

મહિલા પ્રમુખે પરિવારવાદ ચલાવી પોતાના પતિનું નામ બોર્ડમાં મોકલ્યું છે એ યોગ્ય નથી. કારણકે, ઇન્ડ.સોસાયટીના પ્રમુખ તરીકે હોદ્દાની રૂએ આપો આપ બોર્ડમાં રમાબેન રામોલિયાનું અને સેક્રેટરી નિલેશ કોરાટનું નામ રહેશે. ત્યારે એક જ બોર્ડમાં પતિ – પત્ની સાથે નહીં હોવા જોઈએ. કારોબારી બેઠકમાં જ્યારે એજન્ડા નંબર 10 ચર્ચામાં આવ્યો ત્યારે આ મહિલા પ્રમુખના પતિએ પોતાના પ્રમુખ પત્ની અને અન્ય એક કારોબારી મહિલા ડિરેક્ટરને સભા ખંડ બહાર જવા જણાવ્યું અને ત્યાર બાદ મહિલા પ્રમુખના પતિ જે સોસાયટીના ડિફોલ્ટર સભ્ય અને કારોબારીમાં આમંત્રિત સભ્ય છે અને તેમણે ગેરકાયદેસર રીતે સભાનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું જેનો 4 ડિરેક્ટરે વાંધો પણ લીધો હતો. ઠરાવ મૂળથી જ ખોટો અને બોગસ છે કારણકે સભાખંડમાં મહિલા પ્રમુખ રમાબેન આ કામે હાજર ન હતા.

કારોબારીએ 11 વિરુદ્ધ 4 ની બહુમતીએ ઠરાવ પસાર કર્યો છે : મહેન્દ્ર રામોલિયા
સચિન ઇન્ડ.સોસાયટીના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, સોસાયટીના પ્રમુખ કારોબારીની બેઠકમાં હાજર ન હતાં. એ આક્ષેપ ખોટો અને ઉદ્યોગકારોને ગેરમાર્ગે દોરનારો છે. હકીકતમાં સોસાયટીની કારોબારી સભાએ 11 વિરુદ્ધ 4 મતોની બહુમતીથી 4 નામો નોટિફાઇડ જીઆઇડીસીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ માટે મોકલ્યા છે.આ ઠરાવ કાયદેસરનો છે.જેની સેક્રેટરીએ મિનિટ્સમાં પણ નોંધ કરી છે.કારોબારીમાં હાજર 15 સભ્યો પૈકી વિરોધ નોંધાવનાર 4 સભ્યો કિશોર પટેલ, મિતુલ મહેતા, પ્રવીણ વોરા અને નિલેશ વિસાવેના નામ પણ ઠરાવમાં લખવામાં આવ્યા છે. ફરિયાદ કરનાર બંને ડિરેક્ટરો દુખે છે પેટ અને ફૂટે છે માથું જેવુ હલકી રાજનીતિ કરી રહ્યાં છે.

Most Popular

To Top