Editorial

ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન ભારતમાં નહીં પાકિસ્તાનમાં જ થાય છે

સંયુક્ત રાષ્ટ્ર સંઘે ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન કરતા 12 દેશોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી ગંભીર ઉલ્લંઘન કરનારા દેશોમાં રશિયા, પાકિસ્તાન, ઈરાન અને ચીનનો સમાવેશ થાય છે. મામલાની જાણકારી આપતા અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને કહ્યું હતું કે, USAએ શુક્રવારના રોજ ચીન, ઈરાન અને રશિયાને ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ હેઠળ ગંભીર ઉલ્લંઘનને લઈને ખાસ ચિંતાના દેશો તરીકે નામાંકિત કર્યા છે. રશિયાની ભયજનક ખાનગી આર્મી વેગનર ગ્રુપ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

એન્ટની બ્લિન્કને જણાવ્યું હતું કે, ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ હેઠળ ખાસ ચિંતાના દેશોમાં ચીન, ઈરાન અને રશિયા સિવાય ઉત્તર કોરિયા અને મ્યાનમારનો પણ સમાવેશ થાય છે. ત્યારે અલ્જીરિયા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, કોમોરોસ અને વિયેતનામને વોચ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. પાકિસ્તાનનું પણ નામ અન્ય દેશોમાં ક્યૂબા, એરિટ્રિયા, નિકારાગુઆ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાન પણ ખાસ ચિંતાના દેશો તરીકે નામાંકિત છે. વેગનર જૂથ પર પ્રતિબંધ રશિયા પર વધુ એક કાર્યવાહી કરતા અમેરિકાએ તેની ભયજનક ખાનગી આર્મી વેગનર ગ્રુપ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. બ્લિન્કનનું કહેવું છે કે, આ જૂથ યુક્રેનમાં સામાન્ય લોકો પર જંગલી રીતે જુલ્મ કરવા માટે દોષિત છે.

વેગનર સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને સીરિયામાં પણ સક્રિય છે. તેના દ્વારા રશિયા આ દેશોમાં પણ પોતાની નાપાક યોજનાઓને અંજામ આપી રહ્યું છે. ઈરાનમાં પ્રદર્શનકારીઓ પર અત્યાચાર બ્લિન્કને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ઈરાનમાં હિજાબના વિરોધમાં એકજૂથ થયેલા લોકોને રોકવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી નિંદનીય છે. તેમણે જણાવ્યું હતું કે, વોશિંગ્ટને પ્રદર્શકારીઓ પર ક્રૂર કાર્યવાહીને અનુલક્ષીને ઈરાન પર દબાણ વધાર્યુ છે. ઈસ્લામિક રિપબ્લિકન ઈરાનમાં વર્ષ 1979ની ક્રાંતિ પછી આ સૌથી સાહસિક પ્રદર્શન છે. નોંધનીય છે કે ઈરાનમાં હિંસક પ્રદર્શનોમાં અત્યાર સુધી 300થી વધુ લોકો માર્યા ગયા છે. ત્યારે 14,000થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ રિપોર્ટ ની યાદી માં ભારત નથી તેનો સીધો અર્થ એ છે કે, ભારત સહિષ્ણુ દેશ છે.

ભારતમાં રાષ્ટ્રપતિ સહિત અનેક પદ ઉપર અલ્પસંખ્યક ફરજ બજાવી ચૂક્યા છે. અહીં દરેક ધર્મના લોકો ને તેમની વાત મૂકવાનો પૂરેપૂરો અધિકાર છે.આ બાબત કેટલાક લોકો ને બાદ કરતા તમામ લોકો સ્વીકારે છે. અહીં નાં ગામડાઓ માં તો કોઈ લગ્ન પ્રસંગ માં પણ દરેક લોકો એક પંગત માં બેસીને જમે છે. પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોની સગીર બાળકીઓ અને મહિલાઓ સાથે ધાર્મિક હિંસા અને તેમનું શારિરીક-માનસિક શોષણ કરવાનાં કિસ્સાઓ વારે-તહેવારે સામે આવતા જ રહેતા હોય છે. છેલ્લા દોઢ વર્ષમાં અલ્પસંખ્યક સમુદાયોની 55 જેટલી સગીર અને યુવાન દિકરીઓનું અપહરણ કરી, જબરદસ્તીથી તેમનું ધર્મ પરિવર્ત કરી, તેમનો નિકાહ કરવાના મામલાઓ સામે આવ્યા છે.

તાજેતરમાં શીખોના પવિત્ર ગુરુદ્વારા પંજા સાહેબના ગ્રંથી પ્રીતમ સિંહની 17 વર્ષની દિકરી બુલબુલ કૌરનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. જે 31 ઓગસ્ટથી ગાયબ છે. આ બાબતે ભારતનો શીખ સમાજ રોષે ભરાયો છે. જ્યારે સરકારે પણ પાકિસ્તાન ઉચ્ચ આયોગના અધિકારીઓ સાથે વાત કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સિખ સમાજના લોકોએ આ મુદ્દે પાકિસ્તાનના ઉચ્ચ આયોગ બહાર પ્રદર્શનો કર્યા હતા. જ્યારે મહિલાઓ દ્વારા કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી. એટલું જ નહીં વિરોધ પ્રદર્શનોમાં સામેલ અને ભારતીય સમુદાય માટે કામ કરનારુ સંગઠન ઈન્ડિયા વર્લ્ડ ફોરમે પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પત્ર લખ્યો હતો. તેમાં પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયની મહિલાઓને સુરક્ષા આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ટુંકમાં જે લોકોની સવાર પાકિસ્તાન તરફ જોઈને થાય છે અને ભારતમાં ધાર્મિકતાના નામે ભેદભાવ થતો હોવાની ફરીયાદો કરે છે તેમણે ખાસ વિચારી લેવું જોઈએ કે આ દેશમાં દરેક લોકો ખુલ્લી હવામાં શ્વાસ લઈને જીવી શકે છે.

Most Popular

To Top